ભગવાને જ્યારે પિતાની રચના કરી

ડો. આઈ. કે. વીજળીવાળા Tuesday 16th June 2020 08:52 EDT
 
 

ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું: ‘ભગવાન! ક્ષમા કરજો! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું?’

ભગવાન હસી પડ્યા અને બોલ્યા: ‘હા! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા! આંગળીઓ પણ જાડી અને બરછટ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું?’
આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે!’
નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે?’
ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા: ‘અરે ભાઈ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’
ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચરચીલાને કચડી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો!’
મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા... મામાને ઘેર રમવા જા!’ તેમજ ‘ઢીચકા ઢમણ...’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.
રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યા હતા. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડે તો આ ચહેરો ન જ આવે! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો?!’
આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક - એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાંત્વન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે!!’
દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો. (લેખકના પુસ્તક ‘અંતરનો ઉજાસ’માંથી સાભાર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter