એક સદીથી ય વધારે સમયથી જે પરિવાર વતન છોડીને વિદેશમાં વસે અને છતાં જલકમલવત્ રહીને પરભોમમાં, પરસંસ્કૃતિથી ઘેરાયેલા રહેવા છતાં ભારતીયતા સાચવી રાખે તેવા પરિવાર અલ્પ હોય છે. પોર્ટુગલના પાટનગરમાં રતિલાલ ઉનડકટ આવા પરિવારના મોભી. અમરેલી નજીકના કુંકાવાવના જેઠાલાલ ઉનડકટ ખેતી કરે અને દુકાન ચલાવે. વતનની હાડમારીથી છૂટવા તેમના દીકરા પુરુષોત્તમ મોઝામ્બિક પહોંચ્યા. તેમના દીકરા ગાંડાલાલ વાસ્તવમાં ડાહ્યાલાલ શા! તેમણે પોતાના વતનમાંથી ભાઈઓને તેડાવીને ધંધે વળગાડ્યા. પુરુષોત્તમના ત્રીજા નંબરના દીકરા રણછોડદાસ મુંબઈથી નોકરી છોડીને ભાઈઓ સાથે ધંધામાં જોડાયા. તેમની એક દુકાન મનિકામાં અને બીજી વીલાપેરી ગામમાં. દુકાનમાં ભાતભાતની ચીજવસ્તુઓ અને પેન્ટ-શર્ટનું કાપડ રાખે. પગારદાર દરજી રાખીને શર્ટ-પેન્ટ વગેરે તૈયાર કરાવીને વેચવા રાખતા. કાપડ પણ વેચતા.
રણછોડદાસને છ દીકરા અને એક દીકરી. ૧૯૩૦માં પુત્ર રતિલાલ જન્મ્યા. વીલાપેરીમાં ભણ્યા અને પછી એકાઉન્ટન્ટનો કોર્ષ કર્યો. પોર્ટુગીઝ ભાષા જાણનારા માત્ર ત્રણ ગુજરાતી ૧૯૫૨માં મોઝામ્બિક હતા તેમાંના એક રતિલાલ. રણછોડદાસ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાના જાણકાર હતા. તેઓ પોતાના સંતાનોને આ વારસો આપવા ઈચ્છતા હોવાથી તેમણે અમથાલાલ નામના પગારદાર શિક્ષક રાખીને બાળકોને ગુજરાતી શીખવાડેલું. આને કારણે રતિલાલ પણ ગુજરાતી લખી-વાંચી જાણતા. રતિલાલે બાપનો સંસ્કારવારસો ચાલુ રાખવા પોતાના ચારેય સંતાનોને નારગોલ નજીક અરબી સમુદ્રના તટે આવેલા દક્ષિણા નામની શ્રી અરવિંદના વિચારોને અનુસરતી અને ભારતીય સંસ્કૃતિ સંવર્ધક સંસ્થામાં રાખીને ભણાવ્યાં હતાં. ગુજરાતમાં વસતાં સંખ્યાબંધ ધનિક ગુજરાતીઓ તેમનાં સંતાનોને ઝેવિયર્સ, કાર્મેલ, સેન્ટ્રલ સ્કૂલ કે બીજી ખર્ચાળ શાળાઓમાં ભણાવવાનું પસંદ કરે છે ત્યારે ધનસમૃદ્ધ વિદેશવાસી ગુજરાતી ભારતીય પરંપરાની શાળામાં સંતાનો ભણાવે છે તે આ વિરલ ઘટના છે.
રતિલાલે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી એંગોલામાં મોટા પાયા પર ગ્રોસરીનો વેપાર કર્યો. પોર્ટુગલ, ભારત અને એંગોલા એવા ત્રણ-ત્રણ દેશોમાં એમનો ભારે મોટો વેપારી પથારો. ત્રણે જગ્યાએ મિલકતો. એંગોલામાં વેપાર કરનાર તેઓ ગુજરાતી અને ભારતીય.
લિસ્બનમાં ગુજરાતી હિંદુઓમાં ૯૦ ટકા જેટલા માત્ર લોહાણા. આમ છતાં હિંદુ સમાજ સ્થાપીને ભાગલાવાદી વલણ રોકનાર સાત સભ્યોમાંના એક તે હતા.
૧૯૭૫માં મોઝામ્બિક આઝાદ થતાં ભારતીયો ભારત કે પોર્ટુગલ જવા લાગ્યા ત્યારે ત્યાંના શ્યામવર્ણીઓમાં તેમને વિશ્વાસ હોવાથી, સલામતીનો ડર ન હોવાથી તે રહ્યા. ત્યાંની સરકારે તેમને આરોગ્ય મંત્રી બનાવ્યા. ત્યારે તેમનાં સંતાનો ભારતમાં ગુજરાતમાં ભણતાં હતાં. ૧૯૭૯માં તેઓ પોર્ટુગલ આવ્યા. વેપારી આવડત હોવાથી ગેસ્ટહાઉસ ખરીદ્યું. ભાષાની મુશ્કેલી નહીં. સૂઝ અને વાણીની મીઠાશથી કમાયા. બીજા હરીફ બને તે પહેલાં નવો ધંધો સિનેમાનો લીધો. પાંચ સિનેમાગૃહ થયાં. ધંધો ચાલતાં નફાથી વેચીને ૧૯૮૩માં ઈલેકટ્રિકલ - ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ ચીન, તાઈવાન, સિંગાપોર અને ભારતથી જથ્થાબંધ લાવીને પોર્ટુગલ અને બીજે વેચે. ધંધો જામ્યો. ૧૭ માણસ કામ કરતા થયા. પછી તે જમાનામાં વિશ્વમાં મોબાઈલ ફોનમાં જાણીતી નોકિયા કંપનીના ફિનલેન્ડથી જથ્થાબંધ ફોન લાવવાનું શરૂ કર્યું. બીજા ધંધો છોડ્યા. પોર્ટુગલમાં ફોન વેચતાં. નવાઈની વાત એ કે ચીનમાં પણ આની નિકાસ કરતા. વર્ષે ૧૦ લાખ ફોન લાવતા. ચીનમાં ફોન જતા બંધ થયા તો સિંગાપોરમાં વેચવાનું શરૂ કર્યું. ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાંય નોકિયાની નિકાસ કરતા. પોર્ટુગલનો ગુજરાતી વેપારી આવા દેશોમાં નિકાસ કરે તે વેપારી કૂનેહ અને ધંધાકીય શાખ વિના ન સંભવે.
ભારતીય સંસ્કૃતિના સમર્થક. તેમના પુત્રો ધીરેનકુમાર, ચેતન અને પરિમલ. તે માલ્ટામાં સ્થાયી છે. બીજા દીકરા લિસ્બનમાં રહીને પિતાનો ધંધો સંભાળે છે. રતિલાલ કહેતા, ‘મારા દીકરા પરદેશમાં વસવા છતાં ધર્મ, ભાષા અને સંસ્કાર ભૂલ્યાં નથી. દારૂ-માંસથી આઘા રહે છે. મા-બાપનું માન રાખે છે. મને મારા વારસાનું ગૌરવ છે.’ આવા સંસ્કારપ્રેમી અતિથિ વત્સલ રતિલાલ એકાદ વર્ષ પહેલાં મરણ પામ્યા. આવા રતિલાલો હશે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ-સંસ્કાર ટકશે.