વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી સળંગ સત્તાનો ભોગવટો છતાં તેઓ હજુ અજય અને અપરાજિત કેમ રહી શક્યા છે તે સમજવું રસપ્રદ છે. અત્યારે કટોકટી વચ્ચે પણ તેમનું નેતૃત્વ અડીખમ રહ્યું છે અને પક્ષની અંદર કે ભાજપની બહાર તેમના સતત ઉત્તુંગ બનતા જતા નેતૃત્વને પડકાર ક્યાંથી પણ આવી શકતો નથી. તેમની આ બીજી ઇનિંગના પૂરા થઈ રહેલા પ્રથમ વર્ષની કામગીરીને ભવિષ્યની તેમની કામગીરીનો માપદંડ માનીને ચાલી તો સ્વાભાવિક વિશ્વાસ બેસવા લાગે છે કે તેઓએ આત્મનિર્ભર ભારતનો જે ખ્યાલ રજૂ કર્યો છે તેને તેઓ આગામી ચાર વર્ષોમાં સાકાર કરી શકશે.
વાસ્તવમાં રૂ. ૨૦ લાખ કરોડનું જે પેકેજ તેઓએ રજૂ કર્યું છે તેનું લક્ષ્યાંક કેવળ ભારતને આત્મનિર્ભર બનવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ ૨૦૨૪ પછી ભારતને ‘ત્રીજા વિશ્વની સૂચિ’માંથી બહાર કાઢી તેને વિશ્વની મહાસત્તાની હરોળમાં મૂકવાનું છે.
નરેન્દ્ર મોદીના પૂરા થતાં આ પ્રથમ વર્ષની કામગીરી પણ અસાધારણ રહી છે. શરૂઆતના પ્રથમ ૧૦૦ દિવસોમાં જ તેમની સરકારે ત્રણ ઐતિહાસિક અને ભારે હિંમતભર્યા પગલાં ભરીને આ સરકારના પોલાદી ઈરાદાઓની ઝાંખી કરવા માંડી હતી.
પ્રથમ પગલું ત્રણ તલાકનો ખરડો હતું. છેલ્લા કેટલાય દાયકાઓથી મુસ્લિમ વોટ બેન્કને સાચવી રાખવા તેના કટ્ટરપંથી મુલ્લા-મૌલવીઓનું તૃષ્ટિકરણ કરવાની ચાલી આવતી પરંપરાનો છેદ ઉડાવી દઈને જ્યારે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓની આત્મરક્ષા તથા સન્માનની રક્ષા કરતો ત્રણ તલાકને ગેરકાયદે ઠરાવતો ખરડો સંસદમાં રજૂ કર્યો ત્યારે ઘણાને શંકા હતી કે રાજ્યસભામાં બહુમતી ન ધરાવતી આ સરકાર ખરડો પસાર કરાવી શકશે નહીં. પરંતુ ખરડો પસાર થઈ ગયો અને કાયદો બની ગયો.
ભારતની મુલ્લા-મૌલાના લોબીઓ ત્રણ તલાકના કાયદા પછી ભારે આંચકો ખાઈ ગઈ. પરંતુ મોદી સરકારનો આ તો પ્રથમ ડોઝ હતો. આથી પણ મોટો અને જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય તેવો પ્રચંડ ડોઝ હતો કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી બંધારણની ૩૭૦મી કલમની જોગવાઈઓ અને કલમ-૩૫(એ)ની નાબૂદીનો ખરડો.
ઓગસ્ટ-૨૦૧૯માં આ ખરડો રજૂ થાય તે પહેલાં એવો ગણગણાટ તો શરૂ થઈ ગયો હતો કે મોદી સરકાર કાશ્મીરના વિશિષ્ટ દરજ્જા સાથે છેડછાડ કરવાની ફિરાકમાં છે. પરિણામે ઓગસ્ટની પાંચમીએ આ ખરડો રાજ્યસભામાં રજૂ થયા તે પહેલાં આ ખાસ વ્યવસ્થાના મુખ્ય લાભાર્થીઓ એવા કાશ્મીરના નેતાઓએ વિરોધના રણશિંગા ફૂંકવા માંડ્યા. રાષ્ટ્રીય પરિષદના નેતા ડો. ફારુક અબદુલ્લાએ ખીણ વિસ્તારના નેતાઓની ખાસ બેઠક બોલાવી કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે કાશ્મીરની આ વિશિષ્ટ વ્યવસ્થા સાથેની કોઈ છેડછાડ રાજ્યની પ્રજાને માન્ય થશે નહીં. તો માજી મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તિએ તો એક કદમ આગળ વધીને એવી ધમકી ઉચ્ચારી કે કલમ-૩૭૦ રદ થતાં કાશ્મીર ખીણ વિસ્તારમાં ભારતનો તિરંગો ઝાલવા માટે કોઈ માણસ મળશે નહીં. સંસદમાં ખરડો રજૂ થતાં પડોશી પાકિસ્તાન તથા ખુદ ખીણ વિસ્તારના નેતાઓએ એવી ધમકીઓ ઉચ્ચારવા માંડી કે કાશ્મીરનો ખાસ દરજ્જો રદ થતાં ત્યાં લોહીની નદીઓ વહેવા લાગશે! આ બધી ધમકીઓ અને ચેતવણીઓ વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે રજૂ કરેલો ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર થઈ ગયો અને લોકોએ કલ્પના નહીં કરી હોય તેમ જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતના અન્ય રાજ્યોની જેમ ભારતીય સંઘનું એક રાજ્ય બની ગયું.
મોદી સરકારની આ સફળ કામગીરીનું રહસ્ય એ હતું કે કલમ-૩૭૦ને રદ કરતો ખરડો સંસદમાં રજૂ કરતાં પહેલા કેન્દ્ર સરકાર તથા રાજ્ય પ્રશાસન વચ્ચે જે સાવચેતીનાં પગલાંનો વિશાળ કાર્યક્રમ ઘડી રખાયો હતો, તેને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં તેઓ પૂરા સફળ થયા હતા.
પાંચમી ઓગસ્ટે ખરડો રાજ્યસભામાં જાય, તેના ત્રણ દિવસ પહેલા રાજ્ય પ્રશાસને સીમા પારથી ત્રાસવાદી હુમલાની ભારે શક્યતાઓને કારણે અમરનાથ યાત્રાને અધવચ્ચેથી અટકાવી દેવાની જાહેરાત કરી. સાથોસાથ પ્રવાસીઓને તાકીદે ખીણ વિસ્તાર છોડી દેવાની સલાહ પણ આપવામાં આવી અને સાથેસાથે ખીણ ઉપરાંત જમ્મુના પણ સેંકડો રાજકીય કાર્યકર્તાઓ, અગ્રગણ્ય જાહેર આગેવાનો, વકીલો તથા વ્યાપારી નેતાઓને રાતોરાત અટકમાં લઈ લેવામાં આવ્યા. આ સમગ્ર કામગીરી એટલી ઝડપથી થઈ કે સૌ વાસ્તવમાં અને અક્ષરશઃ ઊંઘમાં જ ઝડપાઈ ગયા.
કેન્દ્ર સરકારની ખાસ ખૂબી તો એ રહી કે સમગ્ર ખીણ વિસ્તારને પોતાનો વિશિષ્ટ દરજ્જો રદ કરતી કામગીરી અંગે સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં સફળ રહ્યા. તેનું શુભ પરિણામ એ આવ્યું કે લોહીની નદીઓ વહેવાની જે સંભાવનાઓ વ્યક્ત થતી રહી હતી તેના સ્થાને છેલ્લા નવ મહિનાઓમાં સ્થાનિક પ્રશાસન દ્વારા આ પગલાનો વિરોધ કરતા સ્થાનિકો પર એક પણ ગોળી ચલાવી પડી નથી. માજી મુખ્ય પ્રધાન મહેબૂબા જે ધમકીઓ ઉચ્ચારતાં હતાં તેના સ્થાને અત્યારે ખુદ એમના પક્ષની સરકારમાં પ્રધાનો કે ધારાસભ્યો હતા, એવા તેમના સાથીઓના એક મોટા જૂથે માજી પ્રધાન અલ્તાફ બુખારીના નેતૃત્વ હેઠળ મહેબૂબાથી અલગ થઈ નવી ‘આપ પાર્ટી’ બનાવી, જેણે ભારતના આ પગાલનું જાહેરમાં સમર્થન પણ કર્યું.
પડોશી પાકિસ્તાન તથા તેના વડા પ્રધાન ઇમરાન ખાન પણ આ મુદ્દે ભારે પછડાટ ખાઈ ગયા. ત્યાંના પ્રસિદ્ધ પત્રકાર નજમ શેટ્ટીએ પોતાના સાપ્તાહિક ‘ફ્રાઈડે ટાઇમ્સ’માં લખ્યું કે આ મુદ્દે વડા પ્રધાન ઈમરાન ખાન મોદીના હાથે ‘ક્લિન બોલ્ડ’ થઈ ગયા છે. આ બધાને નવ મહિનાઓ પૂરા થઈ ગયા છે અને વિશ્વનો કોઈ દેશ આ મુદ્દે ભારતનો વિરોધ કરવાની સ્થિતિમાં રહ્યો નથી.
છેલ્લા સાત દાયકાઓથી ગૂંચવાતા રહેલા તથા પંડિત નેહરુ જે કાશ્મીરનો વારસો છોડતા ગયા હતા, તેનો એક ઝાટકે અંત લાવ્યા પછી નરેન્દ્ર મોદીનું ત્રીજું મહત્ત્વનું પગલું છે ‘નાગરિક સંશોધન કાયદો’.
પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનમાં ધાર્મિક જુલ્મોનો ભોગ બનેલા ત્યાં વસતા હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી તથા પારસી નાગરિકોને ભારતનું નાગરિકત્વ બક્ષતા આ કાયદા સામે મુસ્લિમોના એક વર્ગનો વિરોધ ફાટી નીકળ્યો. વાસ્તવમાં ત્રણ તલ્લાકનો કાયદો કે કાશ્મીરના ખાસ દરજ્જાને રદ કરતા સરકારનાં પગલાં સામે કટ્ટરપંથી મુસ્લિમોનો જે રોષ હતો એને તેઓ તેને વાચા આપી શકતા ન હતા. તેઓને આ કાયદો પસાર થતા મોકો મળી ગયો. જામિયા મિલિયા તથા શાહિનબાગ જેવા પ્રદર્શનો થયાં. અંતે દિલ્હીમાં કોમી રમખાણો પણ થયા.
આ દરમિયાન ગયા માર્ચ માસથી કોરોનાનો પ્રકોપ વધવા લાગતાં આ ખરડા સામેનો વિરોધ પણ સમેટાઈ ગયો છે અને હવે જે નવું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે. તેમાં ખરડો પાછો ખેંચવાનો તો સવાલ તો રહેતો જ નથી, પરંતુ વિરોધ પણ વિસ્તારે પડી જવાનો છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન મોદી સરકારના આ ત્રણ ઐતિહાસિક પગલાં પછી છેલ્લા ત્રણ મહિનાથી જે રીતે મોદી સરકારે મહામારીનો સામનો કર્યો છે તે પણ ભારે પ્રસંશનીય રહ્યું છે. આ મામલે પડોશી પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કે મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની અણઆવડત માટે તેમના માથે જેમ માછલાં ધોવાતાં રહ્યાં છે, તેવું ભારતમાં લગભગ ૧૦ ઉપરાંત રાજ્યોમાં બિનભાજપી સરકારો હોવા છતાં વડા પ્રધાન મોદી પર ધોવાયાં નથી. પાકિસ્તાનમાં વિપક્ષો ઇમરાનના રાજીનામાની માગણીઓ કરતા રહ્યા છે, તો ટ્રમ્પ સામે પણ અખબારો રોષ ઠાલવતા રહ્યા છે.
કોરોના ગંભીર પડકાર છે. તેનો સ્વીકાર કરવા છતાં એ પણ સ્વીકારવું રહ્યું કે ભારત અન્ય દેશોની તુલનામાં આ મોરચે વધારે સક્ષમ લડાઈ આપી રહ્યું છે અને આવી છેલ્લા છ વર્ષોની વડા પ્રધાનની કામગીરી જ તેમને અજય અને અપરાજિત રાખી રહી છે. (સૌજન્યઃ‘નવગુજરાત સમય’)