ભારતના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય વિશ્લેષકોમાં એક પ્રોફેસર નગીનદાસભાઈ સંઘવીનું ૧૦૦ વર્ષની વયે ગુજરાતના સુરત શહેરમાં રવિવાર ૧૨ જુલાઈએ દુઃખદ નિધન થયું છે. ઘણા લોકો માટે નગીનબાપાનું હુલામણું નામ ધરાવતા તેઓ ભારતમાં સાહિત્યનો ઉજ્જવળ પ્રકાશ પ્રસરાવતી દીવાદાંડી સમાન હતા. ભારતના આઝાદી અગાઉના વયોવૃદ્ધ લેખકોના પ્રતિનિધિઓમાં એક નગીનબાપાના નિધન સાથે યુગનો અંત આવ્યો છે. ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી વિભૂષિત નગીનબાપા ઈંગ્લિશ, ગુજરાતી અને હિન્દી વર્તમાનપત્રોમાં સૌથી લોકપ્રિય કટારલેખક હોવા સાથે પ્રખ્યાત લેખક હતા. તેમના
સમગ્ર જીવનકાળમાં તેઓ મહાત્મા ગાંધીના જીવન વિશે સતત લખતા રહ્યા હતા.
ગુજરાતમાં ૧૯૨૦માં ગરીબીમાં જન્મેલા નગીનબાપાનું જીવન અસામાન્ય અને વિવિધરંગી બની રહ્યું હતું. એક સદીના જીવનકાળ સાથે નગીનબાપા તમામ પ્રકારના રાષ્ટ્રીય પ્રસંગો, રાજકીય ઘટનાક્રમો અને સામાજિક-ધાર્મિક ઘટનાઓના સાક્ષી બની રહ્યા હતા. તેમણે સમગ્ર ગુજરાતનો પ્રવાસ ખેડી સામાન્ય લોકોના લાભાર્થે કથાઓ અને ઘટનાઓનો સંગ્રહ અને સંપાદન કરવા સાથે હજારો કલાકો લેખનકાર્યમાં જ વિતાવ્યા હતા.
પોતાનું ભાગ્ય અજમાવવા ૧૯૪૭માં મુંબઈ આવી પહોંચેલા નગીનબાપાને તેમનું ભાવિ ભારતના સૌથી સારા સમકાલીન લેખકોમાં એક બનવા તરફ દોરી ગયું હતું. પોતાની જાતને શિક્ષણ દ્વારા સશક્ત બનાવ્યા પછી તેમણે અંધેરીની ભવન્સ કોલેજમાં કોઈ પસંદ ન કરે તેવો પોલિટિકલ સાયન્સનો વિષય શીખવવાની શરૂઆત કરી હતી. આ પછી, તેઓ રુપારેલ કોલેજમાં ગયા અને મિઠીબાઈ કોલેજના વડા તરીકે હવાલો પણ સંભાળ્યો હતો.
જોકે, તેમની મહાન ધરોહર તો મોરારિ બાપુ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સમર્પણભાવ જ રહી, જેમની સેવા તેમણે વફાદાર અનુયાયી શ્રોતા સ્વરુપે કરી હતી. મોરારિ બાપુની રામ કથાઓમાંથી ૬૦થી વધુ કથાનો તેમણે ઈંગ્લિશમાં અનુવાદ કર્યો હતો. મોરારિ બાપુનો સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ સમગ્ર વિશ્વના લાખો લોકો અને વિશેષતઃ યુવાનો સુધી પહોંચી શકે એમાં નગીનબાપાએ અમૂલ્ય ભૂમિકા ભજવી છે. બાપુની લંડનમાં આયોજિત અસંખ્ય કથાઓ તેમજ યુએસ, જાપાન, ગ્રીસ, રોમ અને જોર્ડન સહિત અન્ય સ્થળોએ રામ કથાનો અનુવાદ કરવા માટે તેઓ વિખ્યાત બન્યા હતા. તેમના નિધનથી બાપુને કદી પુરાઈ ન શકે તેવી ખોટ ગઈ છે અને બાપુના ઉપદેશને સમજવાની ભેટ આપનારા આ મહાન સાહિત્યકાર માટે વિશ્વભરના લાખો યુવાનો અને લોકોએ ખૂબ જ આદર સાથે શ્રધ્ધાંજલિનો ધોધ વહાવ્યો છે.બાપુની કથાનો અનુવાદ કરવો એ કોઈ નાનું કાર્ય નથી. નગીનબાપા પ્રખર વક્તા હતા અને કથાના સાચા અર્થને અસર ન થાય તેમજ અર્થ બદલાય નહિ તે રીતે અનુવાદ કરવાની તેમની ક્ષમતા પ્રસંશાપાત્ર અને સન્માનીય હતી.
ભાવિકો જેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોતા હોય તે બાપુની કથાનો અનુવાદ આગલા દિવસે જ કરી શકાય તે માટે નગીનબાપા આખી રાત જાગતા હતા તે હંમેશાં યાદ રહેશે.નગીનબાપા રાજકીય ચિંતક પણ હતા અને તેમણે ૨૦૧૪માં કેથોલિક ચર્ચના ગઢ વેટિકનમાં મોરારિ બાપુની રામ કથા યોજવાની વ્યવસ્થા ગોઠવી હતી. એક સમયે અશક્ય જણાતી આ ઘટના નગીનબાપાની કોઠાસૂઝ અને ચતુરાઈના કારણે વાસ્તવિકતામાં ફેરવાઈ હતી. નગીનબાપા વેટિકનમાં આ પ્રકારના સર્વ પ્રથમ હિન્દુ વ્યાખ્યાન-ઉપદેશનો માર્ગ મોકળો બનાવી શક્યા હતા. આ કથા હિન્દુત્વ અને ક્રિશ્ચિયાનિટી વચ્ચે આંતરધર્મીય સંવાદને મજબૂત બનાવવામાં અમૂલ્ય ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત બની હતી.નગીનબાપા તેમના સદાબહાર સ્મિત અને દિલને સ્પર્શી જાય તેવા હાસ્ય માટે હંમેશાં યાદ રહેશે. મનમોહક, ઉત્સાહપૂર્ણ જોશ અને શાંતચિત્ત આત્મવિશ્વાસી નગીનબાપાએ હંમેશાં તેમના ઓડિયન્સનો આદર જીત્યો હતો.તેમની વય કામ કરવા કે પ્રવાસ ખેડવામાં કદી અવરોધ બની ન હતી અને વધતી વયે પણ નગીનબાપા સૌથી વધુ તંદુરસ્ત અને સ્વસ્થ જણાતા હતા. તેમનું શારીરિક આરોગ્ય અને આંતરિક શક્તિ નોંધપાત્ર તો હતી જ, તેની સાથે માનસિક ક્ષમતા પણ અદ્ભૂત હતી. નગીનબાપાની સ્મૃિત-યાદદાસ્ત ખુબ જોરદાર હતી અને તેમના દાર્શનિક- તત્વજ્ઞાન ચિંતન અંગે હરીફાઈ કરવી અશક્ય હતી.નગીનબાપા સમગ્ર જીવનકાળ દરમિયાન શિક્ષણની શક્તિના પ્રખર હિમાયતી રહ્યા હતા. તેમને વૈચારિક સંવાદ રચવામાં મઝા આવતી અને ‘પૂછતા નર પંડિત’ના મહત્ત્વને માનતા હતા. વડા પ્રધાનો તો આવશે અને જશે પરંતુ, નગીનબાપા હંમેશાં તમામ રાજકારણીઓને ભય લાગે તેવા નિર્ભીક આલોચક તરીકે યાદ રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક અને ચિંતક હતા. તેમના લેખો અને પુસ્તકોમાં ઈતિહાસ અને ફીલોસોફીનું અગાધ જ્ઞાન હતુ તેમજ રાજકીય ઘટનાઓના વિશ્લેષણની અસામાન્ય કુશળતા હતી. તેમના નિધનથી મને ભારે દુઃખ થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ’ભારત અને વિશ્વના અગ્રણીઓએ નગીનબાપા માટે શ્રદ્ધાંજલિનો ધોધ વહાવ્યો છે.