રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાની નંબર વન અને દુનિયાની ૧૫મી સૌથી ધનવાન વ્યક્તિ છે. ૨૦૧૭ની વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી રિલાયન્સ રોકાણકારોના પૈસા દર અઢી વર્ષે બમણા કરી રહી છે.
મુકેશ અંબાણી ઘણી વાર તેમના પિતા ધીરુભાઇ અંબાણીની એક વાતનો ઉલ્લેખ કરે છે. ‘રિલાયન્સની ઉંમર હમેશા ૩૦ વર્ષની રાખજે,’ આ વાત સમજાવતા મુકેશ અંબાણી કહે છે કે, ભારત યુવાનોનો દેશ છે અને કંપનીને આગળ વધારવા માટે વિચારો, કાર્યશૈલી અને દરેક સ્તરે તેની ઉંમર ૩૦ વર્ષ રાખવી જોઇએ.
૬૩ વર્ષીય મુકેશ અંબાણીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ ઉંમરે પણ કામ કરવાનો ઉત્સાહ, જોશ અને ઝનૂન મને મારા બાળકો અને તેમના મિત્રો પાસેથી સમય વીતાવવાથી મળે છે.
૪૮ ટકા સ્ટાફ ૩૦ વર્ષની નાનો
રિલાયન્સ માર્કેટ કેપની રીતે દેશની સૌથી મોટી કંપની છે. રિલાયન્સમાં ૧૬ દેશના ૧,૯૪,૦૫૬ લોકો કામ કરી રહ્યા છે. કંપની રિપોર્ટ પ્રમાણે, કંપનીના ૪૮ ટકાથી વધુ કર્મચારી ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે. રિટેલ ટેલિકોમમાં કર્મચારીઓની સરેરાશ ઉંમર ૨૭-૨૮ વર્ષ અને એફએમસીજીમાં સરેરાશ ઉંમર ૩૨ વર્ષ છે.
રૂ. ૧૦ હજારના રૂ. ૧.૬૫ કરોડ
૧૯૭૭માં રિલાયન્સ ટેક્સટાઇલનો આઇપીઓ આવ્યો હતો. ૨૦૧૭માં એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જે રોકાણકારોએ ૧૯૭૭માં રિલાયન્સના રૂ. ૧૦ હજારના શેર લીધા હતા તેની કિંમત ૨૦૧૭માં ૧.૬૫ કરોડ રૂપિયા છે. રિલાયન્સ છેલ્લા ૪૦ વર્ષથી દર અઢી વર્ષે રોકાણકારોના પૈસા બમણા કરી રહી છે.
કંપનીનું ૨૦૨૧નું લક્ષ્ય
ઓગસ્ટ ૨૦૧૯માં થયેલી રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે માર્ચ ૨૦૨૧ સુધી રિલાયન્સને ડેબ્ટ ફ્રી એટલે કે સંપૂર્ણપણે દેવા મુક્ત કરવા ઇચ્છીએ છીએ. રિલાયન્સ પર રૂ. ૩.૫ લાખ કરોડનું કુલ દેવું છે. તે અંતર્ગત રિલાયન્સ સાઉદી અરબની આરકોમ સાથે ડીલ કરીને તેમજ માર્કેટમાં ઇસ્યૂ લાવીને પૈસા ભેગા કરી રહી છે.