લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે BAME કોવિડ -૧૯ મોત સંદર્ભે સમીક્ષા કરવાની નેતાગીરી બેરોનેસ ડોરીન લોરેન્સને સુપરત કરી છે. આપણે બધા વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે આ કૃત્ય દેશને નીચાજોણું કરાવે છે. હું આમ એટલા માટે કહું છું કે કારણકે ચૂંટાયેલી સરકારે આ જ બાબતે સત્તાવાર તપાસની જાહેરાત કરી જ દીધી છે અને કોઈ પણ જવાબદાર વિપક્ષનો શાણપણભર્યો નિર્ણય પોતાના રાજકીય વલણોને માફક આવે તેવા ખોટા વિકલ્પો આપવાના બદલે સરકારને સમર્થન આપવાનો જ હોઈ શકે. આ સમીક્ષા જાહેર કરવાની સાથે જ સ્ટાર્મરે તેને દાબી દીધું. તેમણે હિન્દુ સમુદાયમાંથી કોઈ પ્રતિનિધિને આમંત્રિત કરવાની જરૂર જ સમજી નહિ. ભારતીયોને કોવિડ-૧૯થી ભારે અસર થઈ છે ત્યારે આ ઘણું આશ્ચર્યજનક કહેવાય. શું આ અક્ષમતા છે? શું આ બેપરવાઈ છે? કે પછી આપણા સમુદાય સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરવામાં આનંદ મેળવતી જૂનીપુરાણી લેબર પાર્ટી છે?
મેં ૬ એપ્રિલે પણ વર્તમાન અને નવી નેતાગીરી હેઠળની લેબર પાર્ટી વિશે ગંભીર શંકાઓ પ્રગટ કરી હતી. વર્તમાન પરિસ્થિતિના ઉકેલ માટે લેબર પાર્ટીએ કયા ચાવીરુપ મુદ્દાઓ હાથ ધરવા જોઈએ તેનો પણ ચોક્કસ ઉલ્લેખ કર્યો હતો. અને, નેતા તરીકે પ્રથમ કામગીરીમાં જ તેમણે આપણી ઉપેક્ષા કરી છે. ખરેખર, આ આશ્ચર્યજનક જ છે.
મેં કેટલાક હિન્દુ સંગઠનોને તેમણે નવા લેબરનેતાને પત્ર પાઠવ્યો હતો કે કેમ તેની પૂછપરછ કરી હતી. શ્રીમતી તૃપ્તિ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે હિન્દુ ફોરમ બ્રિટન દ્વારા સર કેર સ્ટાર્મરને તેમની ગંભીર ચિંતાઓ દર્શાવતો પત્ર પાઠવાયો હતો. સાચું કહેવું જોઈએ કે સ્ટાર્મરે ઉત્તર વાળ્યો હતો પરંતુ, હિન્દુ કોમ્યુનિટી સાથે સંબંધો પુનઃ સ્થાપિત કરવાની તક તેઓ ચુકી ગયા. તેમનો ઉત્તર બીજું કશું નહિ પરંતુ, કોમ્યુનિટીના સંગઠનને ગૂંચવી નાખવાનો રાજકીય શબ્દોનો આડંબર જ હતો. તેમાં કોઈ માફી ન હતી કે લેબર પાર્ટીએ ભારત, ભારતીયો અને હિન્દુઓને જે નુકસાન પહોંચાડ્યું છે તેની સમજ પણ ન હતી.
વાસ્તવમાં, સ્ટાર્મરે સંખ્યાબંધ લેબર રાજકારણીઓને પ્રોત્સાહન આપ્યું છે જેઓ, ભારતવિરોધી, ભારતીયવિરોધી અને હિન્દુવિરોધી વર્તન માટે જવાબદાર રહેલા છે. આ એ જ લોકો છે જેઓ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરથી આવેલા ઉપદ્રવી-ગુંડાતત્વોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે અને, કોન્ફરન્સના ભારતવિરોધી ઠરાવ માટે જવાબદાર છે. કેર, મને આ જણાવતા દુઃખ થાય છે પરંતુ, જો આ જ તમારી નેતાગીરીનું લક્ષણ છે તો અમારા તરફથી કોઈ પણ પ્રકારના સમર્થનને તમે અલવિદા કહી શકો છો. હું તમને એક સૂચન કરું તો તમને આવી ધિક્કારપાત્ર સલાહ આપનારાઓને જ તમારે વેળાસર તગેડી મૂકવા જોઈએ.
HFB કેર અને તેમની ટીમ સાથે કોન્ફરન્સ કોલમાં હતા. તેમના પ્રમુખ તૃપ્તિબહેને લેબર પાર્ટીની ભૂતકાળની અને તેમની નજર હેઠળ થઈ રહેલી નિષ્ફળતા-ખામીઓની યાદ અપાવી હતી. કેરે સ્વીકાર્યું કે માફી-ક્ષમાયાચના મગાવી જોઈતી હતી પરંતુ, આમ કરવા શા માટે આગળ આવતા નથી (જેમ જ્યુઈશ કોમ્યુનિટી સાથે પણ થયું છે) તે મારા માટે રહસ્ય જ રહ્યું છે. આપણે પણ કોઈ પ્રકારનો નિર્ણય લેતા પહેલા જોઈએ કે તેમની ક્ષમાયાચના (જો તે ખરેખર કરાશે તો) કેવી હશે.
હું તમને યાદ કરાવું કેર, કે કાશ્મીર બંધારણીય મુદ્દો નથી કે તે દ્વિપક્ષી મુદ્દો પણ નથી. તે ભારતનો અવિભાજ્ય હિસ્સો છે અને તેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)નો પણ સમાવેશ થાય છે. હજારો વર્ષથી તિહાસ લખાતો થયો થયો ત્યારથી જમ્મુ અને કાશ્મીર ભારતવર્ષનો હિસ્સો રહ્યા છે. આથી, લેબર પાર્ટીના અથવા અન્ય કોઈ પણ રાજકારણી આક્રમણખોરોના ઈતિહાસને આગળ વધારવા માગતા હશે, તેઓ કદી સફળ નહિ થાય.
કેરને મારો પડકાર છે, પાર્ટીની આગામી કોન્ફરન્સમાં તેઓ ભારતને સંપૂર્ણ, બિનશરતી ટેકો જાહેર કરે અને સ્પષ્ટપણે જણાવે કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને લેબર સરકાર તેમાં કોઈ હસ્તક્ષેપ નહિ કરે.
કેર, જે તમે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરશો તો તમારી તકની ખુલેલી બારી બંધ થઈ જશે. હવે નવી સલાહ સાંભળવાનો સમય આવી પહોંચ્યો છે, એવા લોકો પાસેથી જેઓ તમને ગમશે કે નહિ તેની ચિંતા કર્યા વિના સત્ય કહેશે. જો તમે વોટબેન્કના પોકેટ્સના રાજકારણમાં રમ્યા કરશો તો તમે લેબર પાર્ટીને બચાવી નહિ શકો.
તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.