રોબર્ટ ફ્રોસ્ટ નામના અમેરિકન કવિએ આજથી લગભગ ૧૦૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૧૫માં લખેલી કવિતા, ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી હશે. ન વાંચી હોય તો ગુગલ કરીને વાંચજો. વાંચી હોય તો પણ ફરીથી એક વાર વાંચી જજો. આ કવિતા એવી છે કે જેનું તમે દરેક વખતે વધારે ઊંડું અર્થઘટન કરી શકશો.
સાહિત્યની અમર બનેલી કૃતિઓ પાછળ કૈંક ઘટના રહેલી હોય છે. રોબર્ટ ફ્રોસ્ટે આ કવિતા તેમના કવિ મિત્ર એડવર્ડ થોમસ પર કટાક્ષ તરીકે લખીને તેને મોકલેલી. તેનું કારણ એ હતું કે જયારે તેઓ બંને ચાલવા જતા ત્યારે થોમસ જે માર્ગે ન ચાલ્યા હોય ત્યાં ચાલવું જોઈતું હતું તેવું વિચારતો. તેનો મૈત્રીપૂર્ણ કટાક્ષ કરીને, ફ્રોસ્ટે આ કાવ્ય લખ્યું. પરંતુ તેમાં છુપાયેલો દાર્શનિક અર્થ ધીમે ધીમે છતો થતો ગયો અને આજે તે કાવ્ય અમર બની ગયું છે. એક સદી કરતા વધારે સમયથી તે વંચાતું રહ્યું છે અને કેટલીય સદીઓ સુધી વંચાતું રહેશે.
આ કાવ્યનો ભાવાર્થ કૈંક એવો છે કે જયારે જીવનમાં આપણી સામે બે વિકલ્પો હોય ત્યારે આપણે બંને એક સાથે લઇ શકતા નથી. પરિણામે આપણે કોઈ એકની પસંદગી કરવી પડે છે. એક માર્ગ સુંદર હોય, ઘાસથી સુંવાળો હોય, વૃક્ષોની શીતળ છાયાથી ઘેરાયેલો હોય ત્યારે મન ત્યાં ચાલવા લલચાય. બીજો માર્ગ ઓછો ચલાયેલો, કાંકરા અને પથ્થર વાળો, કેડી સાફ જોઈ ન શકાય તેવો હોય ત્યારે સ્પષ્ટ જણાય કે ત્યાં કોઈ જતું નહિ હોય.
આવા સમયે રોબર્ટ ફ્રોસ્ટ બંને માર્ગો જ્યાં ફંટાય ત્યાં ઉભા રહીને વિચારે છે કે ક્યાં માર્ગે જવું? મનમાં તો એમ થાય કે આજે આ સુંવાળો માર્ગ લઇ લઈએ અને પછી ક્યારેક કપરો માર્ગ ખેડીશું. પરંતુ આપણે જાણતા હોઈએ છીએ કે એ માર્ગ પર પાછા વળવાનું ક્યારેય થશે નહિ. હિમ્મત કરીને તે આ વખતે જ ઓછો ચલાયેલો માર્ગ પસંદ કરે છે અને એ નિર્ણયને કારણે જ તેમના જીવનમાં પરિવર્તન આવે છે.
અલબર્ટ આઇન્સ્ટાઇને મૂર્ખની વ્યાખ્યા આપતા કહેલુંને કે જે વ્યક્તિ એક જ કામ વારે વારે કરીને અલગ પરિણામની અપેક્ષા કરે તેને મૂર્ખ કહેવાય. તેવી જ રીતે જે ખેડાયેલો માર્ગ હોય તેના પર ચાલીને તે કઈ નવા સ્થળે પહોંચવાની અપેક્ષા કરી શકાય? જે વણખેડાયેલા માર્ગે ચાલે તેને જ કૈંક નવી દિશા અને મંજિલ મળે છે.
પરંતુ જ્યાં સુધી એ મંઝિલ સુધી ન પહોંચીએ ત્યાં સુધી મનમાં પ્રશ્નો રહ્યા કરે કે બીજા માર્ગ પર ચાલતા ક્યાં જવાત? માર્ગ કેવો હોત? પોતે લીધેલા માર્ગ કરતા છોડેલા માર્ગ પર મુશ્કેલીઓ ઓછી આવત? ખોટી પસંદગી તો નથી થઇ ગઈને? આવા પ્રશ્નો આપણને સૌને થાય. તેવું જ તો એડવર્ડ થોમસને પણ થતું. તેના સંદર્ભમાં લખાયેલ આ કાવ્ય જીવનમાં મોટા નિર્ણયો લેવા માટે પ્રેરણાદાયી બની રહ્યું છે.
અત્યારના સંદર્ભમાં તેને મૂલવીએ તો આજે સૌની પાસે ઘણો સમય છે અને તેને કેવી રીતે પસાર કરવો તેના વિકલ્પો શોધતા હોય છે. મોટા ભાગના લોકો ટીવી જોઈને, નેટફ્લિક્સ જોઈને સમય પસાર કરી નાખે છે. તે તો સરળ ઉપાય છે. પરંતુ જે કોઈ આ હાથવગા સમયનો ઉપયોગ કરીને કૈંક નવું કરી લેશે, નવી આવડત, નવી આદત, ઉપયોગી કૌશલ, ઉત્તમ વાંચન, તંદુરસ્તી વધે તેવા પ્રયોગો કે અન્ય કોઈ રીતે ઉપયોગી થઇ પડે તેવા કાર્યો કરીને - વણખેડ્યા માર્ગ પર ચાલશે - તેના જીવનમાં જરૂર પરિવર્તન આવશે.
એક વખત એ વણખેડ્યો માર્ગ લઈને જોઈએ જે બહુમતી લોકો નથી લેતા. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)