પ્રિય વાચક મિત્રો,
ઓક્ટોબરની ધાર ઉપર આવી ગયા છીએ. હજુ તો ઠંડુ-ગરમ વાતાવરણ છે. ઠંડી આસ્તે આસ્તે તેના મિજાજમાં આવતી જાય છે. કુદરતની પણ કેવી અકળ લીલા છે કે બહારના ઝાડ પાનનો કલર ફરવા માંડ્યો છે, છતાં હજુ પણ લીલાશ ઘણી છે. ઘણાં પીળા પાને અલવિદા કરી છે. નીચે ખરી પડતાં પાન જ્યારે પવન હોય ત્યારે ચારેબાજુ ફંગોળાય છે. ક્યારેક આ આંગણું તો ક્યારેક બીજું આંગણું અને અંતે કચરાપેટીમાં. કોઈ વળી બગીચાના ક્યારાઓમાં ભરાઈ રહીને આપણને કહે છે, કે અમને અહીં જ રહેવા દો. તમે એ બધાં પાંદડાને ભેગા કરી કંપોષ્ટ બોક્સ અથવા બીનમાં સાચવી લો. આ પાંદડાઓ ખાતરમાં રૂપાંતરીત થઈ બીજા નવા છોડોનો સહારો બની તેને જુદા રૂપ અને નવા રંગો આપશે. માફ કરજો હું થોડો કવિની શૈલીમાં ડોકિયું કરી ગયો. આ બધી લીલાઓ એવી છે કે માણસની પ્રકૃતિમાં પણ રંગો ભરી દે. અને એ પણ એક લ્હાવો છે ને!
મૂળ વાત પર આવીએ. આ વર્ષના ઘણા ફૂલો ગયા અને હજુ ઘણા છે, આસ્તે આસ્તે વિદાય લે છે. હજુ આંગણું હર્યુંભર્યું છે પણ ક્યાં સુધી? મહીનો દોઢ મહિનો. પછી તો બધું વેરાનમાં સમાઈ જશે. જેવી કાતિલ ઠંડી અને ફ્રોસ્ટ શરૂ થશે, એટલે ચારેબાજુ સુનકાર વ્યાપી જશે. બધું કાળું પડી જશે. તે પછી બધા જ કુમળા છોડને કાઢી કંપોષ્ટ સાથે ભેળવી દેવા. બધા ક્યારાઓ અને પોટ એકદમ સાફ કરીને તૈયાર કરી દેવાના. ક્યારાઓની માટીને એકદમ ઉથલાવી એકસરખી કરી દેવાની. ઝીણા ઝીણા બધા વીડ્ઝ કાઢી તેને ફેંકી દેવાના. વીડ્ઝને કદી કંપોષ્ટ સાથે ભેગ કરવા નહિં. ક્યારાઓમાં સીઝનલ ફૂલોના બલ્બ હોય તો સાવચેતી રાખી તે તૂટે નહીં તેમ તેમાં જ રહેવા દેવા.
હમણાં વિન્ટર પ્લાન્ટ મળવા લાગ્યા છે. આંગણું સૂનું ન લાગે તે માટે પેન્જીસ અને પ્રીમરોઝના છોડને રોપી દેવા. આ વિન્ટર પ્લાન્ટ મરતા નથી અને સ્પ્રીંગ સુધીમાં તો એકદમ ફૂલોથી ભરાઈ જશે. આ બંને પ્લાન્ટમાં ઘણી જુદી જુદી કલમ આવે છે. સ્પ્રીંગ આવતા પહેલાં ગાર્ડન સેન્ટરમાં જશો તો ઘણા પ્લાન્ટના બલ્બ મળતા હોય છે. તેમાં પોપી, ટ્યુલીફ, ડેફેડીલ, સ્નોડ્રીપ આવા ઘણા પ્લાન્ટના બલ્બ મળતા હોય છે. બધા પેકેટ પરની બધી જ વિગતો વાંચીને તે મુજબ રોપી શકાય. તેનાથી શરૂઆતમાં વિન્ટર અને પછી સ્પ્રીંગ સુધી તમારું આંગણું હર્યુંભર્યું રહેશે.
નવેમ્બરમાં તમારા બગીચામાં નાના ઝાડ, ગુલાબ હોય તો તેને શેઈપમાં લઈ લેવા. ફ્રોષ્ટ પછી ગ્રાસ કાપવાનું પણ બંધ થશે, તો છેલ્લો છેલ્લો ગ્રાસનો કચરો, પાંદડા, નાની ડાળખીઅો વગેરે કચરો કંપોષ્ટના બીનમાં નાખીને કે જમીન પર નાંખી તેને જૂની કાર્પેટ અથવા જૂના બ્લેન્કેટ વડે ઢાંકી દેવું અને તેને માર્ચના બીજા વીક સુધી રહેવા દેવાનું. પછી તમારા પોતાના કંપોષ્ટનો ઉપયોગ કરવાનો. લોનનો લોનફૂડ પણ આપવાનો સમય અત્યારનો છે.
શાકભાજી અને ફ્રૂટ ટ્રી વિશે આવતા વર્ષે વિગતે જણાવીશ. અમે આ વર્ષે તાજા શાકભાજી ખાવાની ઘણી મજા લીધી. અમે રોપેલા લગભગ ૨૦થી ૨૫ કીલો બટેટા, લગભગ ૧૦થી ૧૨ કીલો ટમાટોની મઝા લીધી. હજુ કેટલાક ટમાટો બાકી છે તેને ઉતારીને બ્રાઉન પેપરબેગમાં મૂકી દેશું, જેથી તે એકદમ લાલ થઈ જશે. હજુ ધાણા પણ ઘણા છે, તો બધા ઉતારી, પાણીથી ધોઈ સમારી લઇ તેને કપડાં ઉપર સૂકવી ફ્રીઝર બેગમાં મૂકી ફ્રીઝ કરી દેવાના, જે લગભગ અડધો વિન્ટર સુધી ચાલશે. ફ્રૂટ ટ્રીમાં ચેરી, પ્લમ, એપલ અને પેર છે. ચેરી અને પ્લમ તો હાલતા ચાલતા ખવાઇ ગયા. હવે પેર અને એપલ છે, તો ફ્રોષ્ટ શરૂ થાય તે પહેલાં તેને ઉતારી લેશું. ઘણા લોકો મકાન ખરીદતા બોનસમાં આવેલા આવા ફ્રૂટ ટ્રીની કોઈ માવજત લેતા નથી અને બધા ફ્રૂટ પાકીને નીચે પડી સડે છે અને પછી તેમાં ઈયળો થઈ પડે છે જે ખૂબ જ હાનિકર્તા છે. પણ સમજાવવું કોને?
સૌને દીપાવલી તથા નવા વર્ષની સહૃદયથી શુભેચ્છા. પરમકૃપાળુ પરમાત્મની કૃપા સૌ પર વરસે અને સૌનું વર્ષ ખૂબ જ સુખાકારી રહે એ જ પ્રાર્થના.