શ્રેષ્ઠ રાજકીય વિવેચક નગીનબાપાના નિધનથી જર્નાલિઝમને અવર્ણનીય ખોટ

સ્મરણાંજલિ

લોર્ડ ભીખુ પારેખ Thursday 16th July 2020 05:54 EDT
 
 

નગીનદાસ સંઘવીના નિધનના સમાચારે મને ઘણો દુઃખી કર્યો છે. હું તેમને સૌ પહેલા લગભગ ૪૦ વર્ષ પૂર્વે ઉષા મહેતાની ઓફિસમાં મળ્યો હતો અને તત્કાળ તેઓ હૃદયમાં વસી ગયા હતા. તેઓ ઉષ્માસભર, વિચારવંત, વિશ્વના મહાન અભ્યાસી, તેજસ્વી વિશ્લેષક મગજની બક્ષિસ અને જે દેખાય તે કહી દેવાની હિંમત ધરાવતા હતા. સમય સાથે અમારી મિત્રતા પાકટ થતી ગઈ અને અમે અમારા લખાણો વિશે એકબીજા સાથે પરામર્શ કરવા લાગ્યા હતા. નગીનબાપા સાથે મારા ભાવનાશીલ સ્મરણો રહ્યા છે અને ગત વર્ષે પ્રસિદ્ધ થયેલા મારા પોતાના પુસ્તક ‘એ બ્રિટિશ સબ્જેક્ટ’ની તેમણે કરેલી સમીક્ષા હું અંગત રીતે કદી ભૂલી શકીશ નહિ. તેમણે આ પુસ્તક માટે બાપુના સંદેશનો અનુવાદ કર્યો એટલું જ નહિ, બાપુ અને અન્ય લોકો સમજી શકે તે રીતે પુસ્તકના અંશોનો પણ અનુવાદ કર્યો હતો.
નગીનબાપા સાહિત્યની ચમત્કૃતિ હતા. તેઓ શબ્દો સાથે ગોઠડી કરતા, ગદ્યમાં લયબદ્ધતા મૂકતા અને ઉત્તરોનું મંથન કરીને પ્રશ્નો ઉપજાવતા હતા. તેમની બૌદ્ધિક પ્રતિભાની સરખામણી થઈ શકે નહિ. તુલસીદાસ અને વાલ્મિકીના ઉપદેશોની વિસ્તૃત લાક્ષણિકતા માત્ર નગીનબાપા જ સમજી શકતા હતા એટલું જ નહિ, તાજેતરના વર્ષોમાં ભારતમાં કોંગ્રેસની પડતીથી માંડી યુએસમાં ટ્રમ્પના ઉદય વિશે પણ એટલી જ નિર્ણાયકતા સાથે બોલી શકતા અને પ્રાચીન ગ્રીક ફીલોસોફીના પુનરુચ્ચાર સાથે સમાપન પણ કરતા હતા.
નગીનભાઈએ આફ્રિકામાં ગાંધી પર તેમનું સુંદર પુસ્તક ‘The Agony of Arrival: Gandhi, the South Africa Years’ કોમેન્ટ્સ અને પ્રસ્તાવના માટે મોકલ્યું હતું, જે લખતા મને ઘણો આનંદ થયો હતો. તાજેતરમાં જ તેમણે મને તેઓ લાંબા સમયથી કામ કરી રહ્યા હતા તે રાજીવ ગાંધી વિશેની હસ્તપ્રસ્ત કોમેન્ટ-ટીપ્પણીઓ માટે મોકલી હતી.
નગીનદાસ મુંબઈના બાળક હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈથી MA કર્યું હતું અને મુંબઈની ઘણી કોલેજોમાં પહેલા ઈતિહાસના લેક્ચરર અને પાછળથી ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટરી એન્ડ પોલિટિક્સના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ પ્રતિભાસંપન્ન શિક્ષક અને તેજસ્વી વિશ્લેષક હતા. તેમનું ‘સ્વરાજ દર્શન’ મુંબઈ યુનિવર્સિટીના પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થી માટે રેફરન્સ બુક બની હતી.
પાછળના વર્ષોમાં તેઓ નિયમિત મીડિયામાં લખતા રહ્યા અને ભારે નામના હાંસલ કરી હતી. તેમની કોલમો વ્યાપકપણે વંચાતી હતી અને તેનાથી ગુજરાતીભાષી લોકોની સંસ્કૃતિ ઘડાઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ ૧૯૯૫માં તેમને ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ રાજકીય વિવેચક તરીકે નવાજ્યા હતા.

મારા મતે તેમની કોલમો અને ગંભીર વિદ્વત્તાપૂર્ણ લખાણોએ તીવ્ર અસરો ઉપજાવી હતી અને તેમને આધુનિક ગુજરાતના ઘડવૈયાઓમાં એક બનાવ્યા હતા. તેઓ સુદીર્ઘ અને આરોગ્યમય જીવન જીવ્યા અને અંતિમ સમય સુધી બૌદ્ધિક ચૈતન્ય જાળવી રાખ્યું હતું.
પ્રોફેસર સંઘવી એ પ્રકારની હસ્તી હતા જેમને કમનસીબે આપણે કદી જોઈ શકીશું નહિ. નગીનબાપાના નિધનથી પત્રકારત્વને અવર્ણનીય ખોટ પડી છે. આપણને સહુને તેમની ભારે ખોટ સાલશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter