કરાચીની ભગવાન રાજા એન્ડ કંપની. તેને કોલકતામાં સરકારી બાંધકામમાં મજૂરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. કમાણી થઈ. યશ મળ્યો. વાઇસરોયના હાથે કંપનીના પ્રમુખને સન્માનવાનું નક્કી થયું. પ્રમુખ હતા રામજી રાજા. તેમના ભાગીદારો ભગવાનજી, હીરજી અને હરિભાઈ - બધાએ રામજીભાઈને સૂટબૂટ અને ટાઈમાં સજ્જ થઈને જવા સૂચવ્યું. રામજી શેઠ મૂળે જેતપુર નજીકના વાડાસડાના. એમણે કાઠિયાવાડી ચોરણો પહેર્યો. પાઘ઼ડી બાંધી અને સાથે દુભાષિયાને લઈને ગયા. દુભાષિયા મારફતે અંગ્રેજ અધિકારીઓ સાથે ચર્ચા કરી. વાઇસરોયના હાથે સન્માન સ્વીકાર્યું. વિઝીટ બુકમાં સાથેના માણસે લખ્યું અને શેઠે અંગૂઠો પાડ્યો. નિરક્ષર શેઠ, રૂપિયો અને પાઉન્ડની એક જ કિંમત ત્યારે લાખોનાં કામ રાખે. મોટાં મોટાં બાંધકામ કરે. લોકો છક્ક થઈ ગયા!
ભગવાન રાજા એન્ડ કંપનીના મૂળે ત્રણ માલિક. તગારાં ઊંચકીને, માટી ખોદીને અનુભવે ઘડાયેલા. ગામડાંમાં ભૂખે મરતા, ઢોર ચરાવતા ત્યારે જેતપુરથી પોરબંદર ગાડીનું ભાડું એક આનો અને પોરબંદરથી કરાચી ચાર આનાની ટિકીટમાં કિશોરવયે માત્ર લાંબા ડગલાં પહેરીને નીચે ચડ્ડી પહેર્યા વગર કરાચી ઉતરેલાં. આમાં મોટો ભગવાન અને નાનો રામજી. માસીનો દીકરો હીરજી કરાચીમાં પછીથી સાથે થયેલો. જાતમજૂરીથી અનુભવે ઘડાઈને નાના કોન્ટ્રાક્ટરમાંથી તે મોટા કોન્ટ્રાક્ટર થયેલા.
મોટી મોટી બ્રિટિશ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની સામે એમનાં ટેન્ડર પાસ થયેલાં. આ કંપનીએ કરાચીનું એરપોર્ટ, એરપોર્ટનો રન-વે, કરાચીનું રેલવે સ્ટેશન બાંધેલું. કરાચીનાં જૂનાં બહુમાળી મકાનોનું સર્જન પણ તેમનું. કરાચીમાંની ઘણી બધી વસાહતો, મોટા મોટા સિનેમા હોલ, સરકારી સ્કૂલ અને કોલેજ વગેરે બાંધેલું. ત્યારે અખંડ ભારત હતું તેથી હીરાકુંડ ડેમ, ઓરિસ્સામાં સંખ્યાબંધ સરકારી કામો ભગવાન રાજા પટેલ એન્ડ કંપનીએ કરેલાં.
કરાચીમાં કંપનીનું મુખ્ય કાર્યાલય. તેમણે ત્યારે સૌરાષ્ટ્રના લોકો એકસાથે રહે માટે તેવું ‘રાજા મેન્શન’ બાંધેલું. ‘રાજા મેન્શન’માં કુલ ચાર માળ. ચાર દરવાજા અને દરેક માળે ૧૦૦ એપાર્ટમેન્ટ જેથી ૪૦૦ પરિવાર એકસાથે રહી શકે. મોટા ભાગના કંપનીમાં કામ કરતાં લોકો વસતા. ખાલી હોય તો સૌરાષ્ટ્રમાંથી નોકરી શોધતો જે કોઈ આવે તેને છ માસ સુધી વિના ભાડે રહેવા દેતા. પોતાની કંપનીમાં નોકરી આપતા. બીજે વધારે પગાર મળે તેવું હોય તો જવા દે. વળી કંપની પોતે જ તેને તેવી જગ્યાએ ગોઠવવામાં મદદરૂપ થતી.
કંપનીના ત્રણેય શેઠ ભગવાનજી, હીરજી અને રામજી. તેઓ કરાચીના રણછોડ લેન, દેવશી મિસ્ત્રી લેન કે અન્ય ગુજરાતી વિસ્તારમાંથી ખચ્ચર જોડેલી બગીમાંથી પસાર થાય ત્યારે સ્ત્રીઓ માથે ઓઢીને, ખસીને માન આપતી.
૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા. ખૂનામરકી થઈ. રેલરસ્તે પાછા સૌરાષ્ટ્ર જવામાં જીવનું જોખમ. કરાચીમાં વસવામાં પણ જોખમ ત્યારે કંપનીએ સ્ટીમરો ભાડે કરી. નાતજાત-ધર્મના ભેદભાવ વિના સૌને પોરબંદર સુધી પહોંચાડ્યા. વળી એમનો સરસામાન ખાસ કાર્ગો કરીને પહોંચાડ્યો. કંપનીએ ‘રાજા મેન્શન’, ઓફિસો બધું છોડીને કારોબાર મુંબઈ બદલ્યો.
હરિભાઈ સિદ્ધપરા, યશરાજ પટેલ અને અર્જુનભાઈ કુંવરજી પટેલને સાથે લઈને ભગવાન રાજા પટેલ, રામજી રાજા પટેલ, હીરજી ઠાકરશી ઠુમરની છ જણની ભાગીદારીમાં પટેલ કન્સ્ટ્રક્શન કંપની કરી અને મુંબઈ જોગેશ્વરીમાં એક લાખ વાર જમીન ખરીદી. આ ઉપરાંત ‘ફેઝ’ નામની એલાર્મ ક્લોક બનાવતી બીજી કંપની કરી, ત્રીજી કંપની પટેલ એન્જિનિયરિંગ કરી. તેમાં અડધા હોર્સ પાવરથી હજારો હોર્સ પાવરની ઈન પ્રો ટ્રેડવાળી મોટરો બનાવવાનું શરૂ કર્યું.
૧૯૪૮માં રામજી રાજાનું હાર્ટ એટેકમાં અવસાન થયું. બે વર્ષ બદ ભગવાન રાજાનું અવસાન થયું. જોગેશ્વરીમાં ભગવાન રાજા નગર આ ભાઈઓની સ્મૃતિ સાચવતું રહ્યું છે. બંને ભાઈઓના વંશજો અમેરિકા, મુંબઈ અને સૌરાષ્ટ્રમાં વસ્યા છે.