‘ઘડામાંથી જન્મેલા અગત્સ્ય ઋષિ દરિયો પી ગયા’ એવી સંસ્કૃતિની પંક્તિ યાદ આવે છે હસમુખ બારોટને મળીને. માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી શિક્ષકની તાલીમ લઈને સાબરકાંઠા જિલ્લામાં તખતગઢ કંપામાં આર. એન. પટેલ હાઈસ્કૂલનો પ્રાથમિક શિક્ષક આ યુવક. દસ વર્ષ શિક્ષક રહ્યો. તે પાંચથી સાત ધોરણમાં અંગ્રેજી શીખવે. એના હાથ નીચે ભણેલા કેટલાક ડોક્ટર અને એન્જિનિયર થયા. કેટલાક પરદેશ છે અને એમના ગુરુ સાથે પ્રેમનો નાતો ચાલુ રાખે છે. વિશ્વ હિન્દુ પરિષદમાં એમને રસ પડ્યો. એમાં સક્રિય રહ્યા અને ત્રણ વર્ષ તલોદ પ્રખંડના મંત્રી રહ્યા. અડવાણીજી અને વિશ્વ હિંદુ પરિષદે રામમંદિર માટે યોજેલી યાત્રા અને સરઘસમાં એ સક્રિય કાર્યકર. અંગ્રેજી સુંદર આવડ્યું એનું કારણ એમના મોટાભાઈ અરવિંદભાઈ. તેઓ બી.એ., બી.એડ. અંગ્રેજીમાં થયેલા અને શિક્ષકોને તાલીમ આપતી કોલેજમાં અધ્યાપક હતા.
હસમુખભાઈ હવે આવતા વર્ષે પચાસ પૂરાં કરશે. છેલ્લાં વીસ વર્ષથી દુનિયામાં જેની ધરતીમાં સૌથી વધારે હીરા ધરબાયેલાં છે, જ્યાં એઈડ્સના અતિરેકે શ્યામ પ્રજા મરતી જાય છે તે બોત્સ્વાના નામના આફ્રિકાના નાના દેશના પાટનગરમાં, ટ્રાન્સ આફ્રિકા કંપનીમાં મેનેજર છે, તેમાં તેઓ ૧૭ સ્ટોર માટેની ખરીદીની જવાબદારી પ્રામાણિક રીતે ઉપાડે છે. ટ્રાન્સ આફ્રિકા કંપનીના માલિક મનહર મુનિ એ દક્ષિણ ગુજરાતના ભક્ત પાટીદાર છે. રામ-કબીરના અનુયાયી અને સાહસિક વેપારી છે. મોટા મોટા મોલના માલિક છે. હસમુખભાઈ એમના વિશ્વાસુ મેનેજર છે અને કરોડોનો માલ ખરીદતા રહે છે.
બી.એ.પી.એસ.ના ગેબ્રોનના મંદિરમાં તે સક્રિય છે. ગણતર, જ્ઞાન અને ભારતીય સંસ્કારના ચણતરમાં એમને રસ છે. આહાર, આચાર અને આતિથ્યમાં એ પૂરા ગુજરાતી હિંદુ છે.
નરેન્દ્ર મોદી ૨૦૧૪માં અને ૨૦૧૯માં ચૂંટાયા ત્યારે બંને વખત મનહરભાઈ મુનિના સાથને કારણે તેમણે આનંદ દર્શાવવા કાર્યક્રમ યોજ્યા હતા. પહેલી વખતે ૭૦૦ માણસ જમવામાં હતાં તો બીજી વાર મોદી ચાય સાથે સૌને આવકારાતો કાર્યક્રમ યોજ્યો. જે કાર્યક્રમમાં ૧૦૦૦ જેટલા જમનાર હતા. આમાં ગુજરાતી, સહિતના ભારતીય અને કેટલાક મુસલમાન પણ આવેલા. દરિયાપાર આને કારણે ભારતીય એકતા દ્રઢ બનવામાં મદદ થઈ અને હિંદુત્વનું ગૌરવ વધ્યું.
પ્રામાણિકતા અને કાર્યનિષ્ઠા હોય તો પેઢી દર પેઢી વિકાસ વધતો જાય તેનો સારો નમૂનો હસમુખભાઈનો સમગ્ર પરિવાર છે. અરવલ્લી જિલ્લાનું ઈટાડી ગામ. એમાં મણિલાલ બારોટે પહેલા ધોરણ પછી ભણવાનું છોડેલું. ગરીબીમાંથી છૂટવા વતન છોડીને મુંબઈ પહોંચ્યા. રેસ્ટોરન્ટમાં મજૂરી કરે. ચા-નાસ્તા બનાવે. સીડી નીચે છાપું પાથરીને સૂએ. ન સારું ખાવાનું. ના સારાં કપડાં. ગરીબી ખૂટી નહીં. મુંબઈ છોડીને વડોદરામાં કોઈ લંડનસ્થિત માલિકના બંગલામાં રસોઈયા, ચોકીદાર અને કાળજી લેનારા બન્યા. શેઠ આવ્યા ત્યારે થોડો સમય કામ રહે. મહેમાન આવે. બાકીનો સમય દસ રૂમના બંગલામાં એકલા રહે. છતાં શેઠના બંગલાનો કોઈ પલંગ કે એવું વાપરવાને બદલે ભોંયપથારી કરીને સૂએ.
મણિલાલને બે દીકરી અને ત્રણ દીકરા. સેવા ઊગે છે એ અહીં દેખાયું. શેઠના એક મિત્ર ભગવતી રાવ. આફ્રિકામાં રત્નોની ખાણના માલિક. સમૃદ્ધ અને ઉદાર. તે વડોદરા આવે ત્યારે શેઠ હોય તો મિત્ર તરીકે આવે. તેમણે મણિલાલની વફાદારી જાણીને પૂછેલું, ‘બોત્સવાનામાં મારા એક મોટા વેપારીને ત્યાં સારા વિશ્વાસુ અને ભણેલા મેનેજરની જરૂર છે. કોઈ હોય તો કહેજો. મણિલાલે પોતાના ભત્રીજા અંબાલાલનું નામ સૂચવતાં તેમને ગ્રેબોનમાં મનહર મુનિએ નોકરીમાં રાખ્યા. તેમની નિષ્ઠા અને નિપુણતાથી મનહરભાઈ ખુશ રહે. ધંધો વિકસતાં વધારે માણસોની જરૂર પડે ત્યારે અંબાલાલ મારફતે જ રાખે. તેથી એક પછી એક ૪૪ બારોટ યુવકો મનહરભાઈને ત્યાં નોકરીમાં ગયા. મેં મનહરભાઈને પૂછ્યું, ‘બારોટ સિવાય તમને કોઈ બીજું ના દેખાયું?’ ત્યારે મનહરભાઈએ કહ્યું, ‘આંબાની એક કેરી મીઠી નીકળે. બીજી મીઠી નીકળે તો બધી ચાખવાની ના હોય. બધી મીઠી જ હોય.’
હસમુખભાઈ પણ આ રીતે આવ્યા અને વિકસ્યા. દેવીપુત્ર એટલે જીભની મીઠાશ હતી અને તેમાં સેવાભાવ ઉમેરાતાં તેઓ ગેબ્રોનના ગુજરાતીઓમાં પ્રિય બન્યા.
ગરીબીમાં ઉછરીને સ્વબળે તે પારકી ધરતી પર સેવા અને સ્વધર્મની જ્યોત બન્યા.