અંગ્રેજી જાણે એને જ વિદેશી ડિગ્રી મળે એવો ભ્રમ ભાંગનાર પ્રથમ ગુજરાતી ભારતીય તે ભગવાનલાલ ઈંદ્રજી. જૂનાગઢના પ્રશ્નોરા નાગર ઈંદ્રજીના પુત્ર એવા તે માત્ર સાત ધોરણ ગુજરાતી ભણેલ. તેમણે સંસ્કૃતનો અભ્યાસ ઘરે બેઠાં પિતા પાસે કર્યો. ભારતમાં બ્રિટિશ રાજ સ્થપાવાને હજી ૧૮ વર્ષ બાકી ત્યારે એમનો જન્મ. ૪૮ વર્ષે નિધન થયું. તેમની પંડિતાઈ અને પુરુષાર્થને કોઈ ન પહોંચે.
૧૮૭૭માં રોયલ એશિયાટિક સોસાયટી (મુંબઈ)એ એમને સભ્ય બનાવ્યા. ૧૮૮૨માં બોમ્બે યુનિવર્સિટીએ એમને ફેલો બનાવ્યા. બીજા વર્ષે નેધરલેન્ડના હેગની રોયલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફિલોસોફી, જ્યોગ્રાફી અને એથનોલોજીએ પણ તેમની વિદ્વતાને સ્વીકારીને માનદ્ ફેલો નીમ્યા. રોયલ એશિયાટિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટને તેમને ફેલો બનાવ્યા. નેધરલેન્ડના હેગમાં આવેલી લાયડન યુનિવર્સિટીએ ૧૮૮૪માં એટલે કે કોંગ્રેસના જન્મ પહેલાં તેમને માનદ્ ડોક્ટરેટથી નવાજ્યા. વિદેશમાં સૌપ્રથમ ડોક્ટરેટ પામનાર ભારતીય અને ગુજરાતી તે ભગવાનલાલ ઈંદ્રજી.
ભગવાનલાલ ભટકવાના શોખીન. શાળાએ જવાનું ન ગમે. જુદી જુદી વનસ્પતિ, પથ્થર, પ્રાણી, પંખી જોવાનું ગમે અને જોયાં પછી એના વિશે વિચાર્યા કરે. એક દિવસ જૂનાગઢના ઉપરકોટ પર ભમતાં ભમતાં એક દર જોયું. દરમાં લાકડી ખોસી. એ ઉતરી ગઈ. ઊંડાઈ કેટલી તે જાણવા વાંસ લઈને નાંખ્યો તો ય છેડો ના આવ્યો. ખોદવા બેઠા તે ભોંયરું મળ્યું. પછી આ નવાબે જાણ્યું તો રસ પડ્યો. તેમણે ખોદાવ્યું તો વિશાળ ઓરડા અને અનાજના કોઠાર મળ્યા. જૂનાગઢ અને સૌરાષ્ટ્રનો ઈતિહાસ આથી પ્રકાશમાં આવ્યો. આને કારણે લોકો તેમને પંડિત કહેતા થયા.
ભગવાનલાલનો ઉત્સાહ આથી વધ્યો. ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ અને બીજા શિલાલેખ વાંચવા મન થયું. ગયા પણ કોઈ બીજી લિપિ હતી તેથી ફેરો પડ્યો. અંગ્રેજ વિદ્વાનો આ વાંચવા મથતા હતા. તેમણે પાલિ ભાષાની વર્ણમાલા તૈયાર કરાવી હતી. આમાં ઘણી ભૂલો હતી એવું જણાતાં ભગવાનલાલે તે સુધારીને નવેસરથી તૈયાર કરી. આને કારણે શિલાલેખો ઉકેલી શકાયા. ભલભલા ગોરા વિદ્વાનો ના કરી શક્યા તે માત્ર ૧૫ વર્ષના ભગવાનલાલે કરતાં રાજકોટના ગોરા પોલિટિકલ એજન્ટે તેમને વધારે શોધખોળ કરવાની તક મળે અને વિક્સે માટે મુંબઈ મોકલવાની ગોઠવણ કરી. મુંબઈમાં અનેક વિદ્વાનો હતા. ભાઉ દાજી લાડ તેમાંના એક. ભાઉ દાજી એક દવાખાનું ચલાવતાં અને સમય મળે ત્યારે શોધખોળ કરતા. તેમને ત્યાં રહેવાનું ગોઠવાયું. બંને પંડિતો પરસ્પર શાનથી અભિભૂત થયા. ચર્ચા કરે. પરસ્પર માન અને પ્રેમ રાખે.
ભગવાનલાલને જૂના કિલ્લા, મંદિરો, ગુફાઓ અને મહેલો જોવામાં રસ. આજની જેમ ત્યારે વિમાનો નહીં. ટ્રેન નહીં. મોટર નહીં. દૂર દૂરના સ્થળે ચાલીને જવાનું. પોતાનો થેલો ઊંચકવાનો. ક્યાં રહેવું-ખાવું તે અનિશ્ચિત. કેટલા દિવસે પાછાં ફરવાનું થાય તે શી ખબર? ભગવાનલાલે આખા ભારતના ત્રણ - ત્રણ સંશોધન પ્રવાસ કર્યા. જંગલોમાં અને બીજે પાર વિનાનાં મચ્છર હોય, દૂષિત પાણી પીવું પડે. હિંસક પ્રાણીઓની બીક. જુદા જુદા પ્રદેશોની ભાષા પણ અલગ અલગ હોય. આ બધા વચ્ચે તેમણે સંશોધન માટે ભારતભ્રમણ કર્યું. નેપાળ, તિબેટની સરહદ નજીકનો પ્રદેશ બલુચિસ્તાન, સ્વાત ખીણનો વિસ્તાર, મધ્ય પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરેમાં ઊંડાણ સુધી પ્રવાસ કર્યા.
ગિરનારનો શિલાલેખ તેમને કારણે ઉકેલી શકાયો. આવું જ થયું દિલ્હીમાં આવેલા દોઢ હજાર વર્ષથી વધારે જૂના લોહસ્થંભની ઉપરના ભાગે લખાણનું. કોઈને એમાં રસ પડ્યો ન હતો. તપાસ કરી ન હતી. તેમણે પાલખ બંધાવી. ઉપર બેસીને, પાંચ દિવસ બેસીને નકલ કરીને, લિપિ ઉકેલીને પ્રજા સમક્ષ મૂકી. નાસિક, અજંટા અને કાર્લાભાર્જાની ગુફાઓના લેખ એમણે ઉકેલ્યા હતા.
પોતે કરેલા અભ્યાસ લેખો રૂપે પ્રજા સમક્ષ મૂક્યા. ભારતીય સંસ્કૃતિના મોટા પંડિત તરીકે તેમની ગણના થઈ. તેમના લેખોના અંગ્રેજી અનુવાદ થતાં પશ્ચિમના વિદ્વાનોમાં એમની પ્રતિષ્ઠા ઊભી થતાં એમને માન-સન્માન મળ્યાં.
૨૮ જેટલાં એમના સંશોધન લેખોએ એમને ભારતના ટોચના વિદ્વાન તરીકે ખ્યાતિ અપાવી. પુરાતત્વના એમના શોખને લીધે લાખો રૂપિયાની ચીજો એમણે ભેગી કરી. આ બધી ચીજો પોતાની પાસે રાખવાને બદલે દાનમાં આપી. ૭૦૦ જૂનાં સિક્કા, અપ્રાપ્ય તામ્રપત્રો અને સિંહના ચિત્રવાળો એક શિલાસ્થંભ બ્રિટિશ મ્યુઝિયમને દાનમાં આપ્યો. અપ્રાપ્ય હસ્તપ્રતો મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીને આપી. પુસ્તકો મુંબઈની જનરલ લાયબ્રેરીને આપ્યાં. વાલકેશ્વરમાં આવેલો બંગલો હિંદુ આરોગ્ય ભવન તરીકે આપ્યો. તેઓ શ્રમમય જીવન અને લાંબા પ્રવાસોથી અંતે ૧૮૮૮માં અવસાન પામ્યા.