વૈષ્ણવ સંઘ ઓફ યુકે સ્થાપિત શ્રીનાથધામ ‘નેશનલ હવેલી ઓફ યુકે’ના પાટોત્સવ મહોત્સવનો શુભારંભ તા. ૩૦ ઓગસ્ટે ધર્મસભા દ્વારા થયો હતો.
સાંજે ૭.૩૦ વાગ્યે પ.પૂ.ગો ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા ‘શ્રીનાથધામ – નેશનલ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર’ નામાંકિત બોર્ડનું વિધિવત્ અનાવરણ કરવામાં આવ્યું હતું.
૮.૦૦ વાગ્યાથી ધર્મસભાનું શુભારંભમાં ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ લાખાણીએ શ્રી વલ્લભકુળ પરિવારને વંદન કરી સમસ્ત વૈષ્ણવસૃષ્ટિનું હાર્દિક સ્વાગત કર્યુ. નાના બાળકોએ મંગલાચરણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. ત્યારબાદ વિવિધ દેશોના વૈષ્ણવ બહેનો દ્વારા સુંદર નૃત્યની અભિવ્યક્તિ કરવામાં આવી.
અનેક દેશોના વૈષ્ણવ અગ્રણીઓએ મંચ પરથી પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. વૈષ્ણવ સંઘ ઓફ યુકેને ખૂબ જ શુભેચ્છા પાઠવી હતી અને પૂ. પા. શ્રી દ્વારકેશલાલજીના અથાગ પરિશ્રમને કારણે જ આજે શ્રીનાથધામની ભેટ ઇંગ્લેન્ડના વૈષ્ણવોને મળી છે એમ પણ જણાવ્યું હતું.
ધર્મસભાના અંતમાં વૈષ્ણવ સંઘ ઓફ યુકેના સંસ્થાપક અને શ્રીનાથધામ હવેલીના સ્વપ્નદૃષ્ટા શ્રી દ્વારકેશલાલજીએ અવિસ્મણીય વચનામૃત કરી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ અલૌકિક મહાયજ્ઞમાં સર્વે વૈષ્ણવોને યશના સહભાગી બનાવી પોતાની ઉદારતાના દર્શન કરાવ્યા હતા.
૧૫૦૦થી વધુ વૈષ્ણવો આ ઐતિહાસિક ધર્મસભાના સહભાગી થઇ ભોજનપ્રસાદી પ્રાપ્ત કરી ધન્ય થતાં છૂટા પડ્યા હતા.
|| શ્રી વલ્લભ ||
‘મારો વ્હાલોજી પધાર્યાની વધામણી હો જી રે’
વૈષ્ણવ સંઘ ઓફ યુકે આયોજીત ‘શ્રીનાથધામ પાટોત્સવ મહોત્સવ’માં તા. ૧ સપ્ટેમ્બર રવિવારે વહેલી સવારથી હજારોની સંખ્યામાં વૈષ્ણવ સમુદાય હેરો સિવીક સેન્ટર ખાતે એકત્રિત થયો હતો. બહેનો લાલ રંગની સાડીમાં તેમજ ભાઈઓ ધોતી-કૂર્તા, બંડી અને કેસરી પાઘમાં સુસજ્જ થઈને હરખઘેલા પુષ્ટિધ્વજ લહેરાવી રહ્યા હતા.
સવારે ૧૧.૦૦ વાગ્યે પૂ. પા. શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી અને પ. પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં શોભાયાત્રાનો શુભારંભ થયો. શ્રી વલ્લભકુળનો જયજયકાર અને ‘શ્રીનાથજી હમારે સાથ’ના ધ્વનિ સાથે ભાઈઓ-બહેનો, બાળકો, વડીલો બધાએ સમગ્ર વાતાવરણને પાવન કરી દીધું હતું. આ શોભાયાત્રા નિહાળીને સમગ્ર વિસ્તારના લોકો પણ ધન્ય થઈ ગયા હતા. ભારતીય સંસ્કૃતિ અને પુષ્ટિમાર્ગની મ્હેંક જાણે કે આ સમયે સર્વત્ર પ્રસરી રહી હતી.
ગજરાજ પર બિરાજમાન પૂ.પા. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. વૈષ્ણવસૃષ્ટિના આનંદ, ઉત્સાહ જોઈને આપશ્રી ખૂબ જ પ્રસન્ન જણાઈ રહ્યા હતા.ધૂન, ગરબા-રાસના તાલે વાજતે-ગાજતે શોભાયાત્રા શ્રીનાથધામ ખાતે પહોંચી ત્યારે જાણે કે શ્રીનાથજી પણ આનંદપૂર્વક સૌને વધાવતા હોય એવું દૃશ્ય સર્જાયું હતું. ખૂબ જ સુખરૂપ, નિર્વિઘ્ને આ યાત્રા હવેલીના સભામંડપમાં પહોંચી ત્યારે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને વ્યવસ્થા બદલ તાળીઓથી સૌએ વધાવી લીધા હતા. મંચ પરથી વૈષ્ણવ સંઘ ઓફ યુકેના ટ્રસ્ટી સુભાષભાઈ લાખાણીએ સર્વે મહાનુભાવો તેમજ સમસ્ત વૈષ્ણવસૃષ્ટિનું મધુર વાણીથી સ્વાગત કર્યું હતું.
આ શુભ પ્રસંગે હેરોના મેયરશ્રી કાઉન્સિલર નીતિનભાઇ પારેખ, ભૂતપૂર્વ મેયરશ્રી અજયભાઈ મારુ, લંડન એસેમ્બલી મેમ્બર અને હેરોના કાઉન્સિલર નવીનભાઇ શાહ, કાઉન્સિલર રેખાબહેન શાહ, કાઉન્સિલર વીણાબેન મિઠાણી, મુસ્લિમ સમાજના અગ્રણી કાઉન્સિલર ગાઝન્ફર અલી તેમજ દરેક વૈષ્ણવ સંસ્થાના અગ્રણીઓ કંતેશભાઇ પોપટ, મધુબેન સોમાણી, દિપીકાબેન દેસાઇ, પ્રવિણાબેન પટેલ આ અલૌકિક અવસરે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી રહ્યા હતા. પ. પૂ. મહારાજશ્રીના વરદહસ્તે મહાનુભાવોને ઉપરણા ઓઢાડી આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મંચ પરથી પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરતા એક જ સૂર પૂરાવ્યો કે પૂ. પા. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના આશીર્વાદથી અને વૈષ્ણવસંઘ ઓફ યુકેના સઘન પ્રયાસથી હેરો વિસ્તાર હવે નાથદ્વારા બન્યું છે. જેમાં અનેક વૈષ્ણવોએ તન, મન અને ધનથી અભૂતપૂર્વ સહયોગ આપ્યો છે. એવું કહેવાનું મન થાય કે લંડનના હૃદય સમુ હેરો હવે હરિ હરિના નાદથી ગુંજશે.
સભાના અંતમાં પૂ. આચાર્યશ્રી અદ્ભુત વચનામૃતથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને સમસ્ત વૈષ્ણવસૃષ્ટિ, ટ્રસ્ટીગણ અને કાર્યકર્તા ભાઈઓ, બહેનોના સાથ-સહયોગને બિરદાવ્યો હતો. ત્યારબાદ હવેલીમાં પૂ. પા. શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી દ્વારા શ્રી ગોવર્ધનનાથજીને તિલક કરવામાં આવ્યું હતું. ‘બધાઈ કો દિન નીશે આજ’ અને હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો’ કીર્તનગાનથી સમસ્ત વાતાવરણ અલૌકિક થઈ ગયું હતું. નંદમહોત્સવમાં સર્વે વૈષ્ણવો શ્રીજીબાવામાં તલ્લીન થઈને નાચી રહ્યા હતા. શ્રી વલ્લભકુળ પરિવાર સાથે ‘હેરી’નો આનંદ પણ સર્વે માણ્યો હતો.
ખરેખર કહેવાનું મન થાય કે, ઇંગ્લેન્ડમાં આ અલૌકિક ક્ષણો સુવર્ણ અક્ષરે લખાશે.‘ ન ભૂતો ન ભવિષ્યતિ’ વિશ્વના પાંચેય ખંડમાં શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી નિર્માણ કરી છે એવા પ્રતાપી યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીને કોટી કોટી વંદન.
‘જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ’
વૈષ્ણવ સંઘ ઓફ યુકેના ટ્રસ્ટીગણ શ્રી સુભાષભાઈ લાખાણી, શ્રી મીનાબેન પોપટ, શ્રી પ્રમોદભાઈ ઠક્કર, શ્રી જગદીશભાઈ પટેલ, દલપતભાઈ કોટેચાને ખૂબ ખૂબ અભિનંદન.