ન્યૂ યોર્કઃ ટેકસાસ સ્ટેટમાં આવેલા સાન એન્ટોનિયો શહેરમાં પોલીસ અધિકારીઓ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરનાર ઉત્તર પ્રદેશના વતની સચીન કુમાર સાહુને પોલીસે ઠાર માર્યો છે. મહિલાને વાહન નીચે કચડી નાખવાના આરોપનો સામનો કરી રહેલા 42 વર્ષના સચીનની ધરપકડ કરવા માટે 21 એપ્રિલે પોલીસ ટીમ તેના ઘરે પહોંચી હતી. આ સમયે સચીને તેની બીએમડબલ્યુ એસયુવી પોલીસ પર ચઢાવી દેવાનો પ્રયાસ કરતાં પોલીસ અધિકારી ટાયલર ટર્નરે તેને ઠાર કર્યો હતો.
સાન એન્ટોનિયો શહેરમાં શેવિઓટ હાઇટ્સ ખાતે 51 વર્ષની મહિલા સાથે રહેતાં સચીન સામે મહિલા પર ઇરાદાપૂર્વક જીવલેણ હુમલો કરવાની ફરિયાદ નોંધાઇ હતી. મહિલાને ઇરાદાપૂર્વક વાહન નીચે કચડી નાંખવાનો પ્રયાસ કરી સચીન ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે મહિલાને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેની પર સંખ્યાંબંધ સર્જરીઓ કરાઇ હતી. આ ઘટનામાં પોલીસે સાહુ સામે ધરપકડનું વોરન્ટ બહાર પાડયું હતું.
થોડાં કલાકો બાદ સચીનના પડોશીઓએ પોલીસને ફોન કરી જણાવ્યું હતું કે તે ઘટનાસ્થળે પાછો ફર્યો છે. પોલીસ પહોંચતા જ સચીને નાસી જવાના પ્રયાસમાં બે પોલીસ અધિકારીઓ પર તેની એસયુવી ચઢાવી દીધી હતી. એક પોલીસ અધિકારી કારની નીચે આવી ગયો હતો પણ બીજા પોલીસ અધિકારી ટાયલર ટર્નરે સાહુને નિશાન બનાવી તેના પર ગોળીઓ છોડી હતી, અને સચીનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક સમાચાર સંસ્થાએ સચીનની ભૂતપૂર્વ પત્ની લીયા ગોલ્ડસ્ટેઈનને ટાંકીને જણાવ્યું હતું કે સચીનને બાઇપોલરની સમસ્યા હોવાનું નિદાન થયું હતું.