નવી દિલ્હીઃ શિકોગોમાં વસતા સેમ પિત્રોડાના એક વગરવિચાર્યા નિવેદને કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. કોંગ્રેસના ઢંઢેરામાં જણાવ્યું છે કે પક્ષ એવી નીતિ બનાવશે કે સંપત્તિનું સમાન વિતરણ થશે. પિત્રોડાને આ સંદર્ભે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વારસાગત ટેક્સ લેવાય છે. જો કોઇ વ્યક્તિ 100 મિલિયન ડોલરની સંપત્તિ મૂકીને મરી જાય છે, તો તેની મિલકતમાંથી 45 ટકા વારસદારને મળે છે ને 55 ટકા મિલકત સરકારની બની જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપની નેતાગીરીએ પિત્રોડાના નિવેદનને નિશાન બનાવીને કોંગ્રેસ પર ટીકાની ઝડી વરસાવી હતી. ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ હવે વારસાઇ ટેક્સના નામે લોકોની સંપત્તિ હડપ કરવા માગે છે. મોદીએ તો કહ્યું હતું કે કોંગ્રેસની લૂંટ એટલે જિંદગી કે સાથ ભી, અને જિંદગી કે બાદ ભી. વિવાદ વધતાં કોંગ્રેસે પિત્રોડાના નિવેદનને અંગત અભિપ્રાય ગણાવ્યો હતો તો પિત્રોડાએ કહ્યું હતું કે તેમના શબ્દોને તોડીમરોડીને રજૂ કરાયા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી. તેમાં તો સંપત્તિના સમાન વિતરણની વાત છે.