કિન્હાસાઃ DR કોંગોમાં માર્ચ ૨૦૨૦માં પહેલી વખત કોવિડ – ૧૯ વાઈરસ દેખાયો ત્યારથી અત્યાર સુધીમાં ૩૨ સાંસદો તેને લીધે મૃત્યુ પામ્યા હોવાની નેશનલ એસેમ્બલીના સ્પીકરે પુષ્ટિ કરી હતી. નેશનલ એસેમ્બલીના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ જીન માર્ક કબુન્ડે તેની જાહેરાત કરી હતી. ઓથોરિટીને કોરોના વાઈરસની ત્રીજી લહેરની દહેશત છે તે સમયે આ જાહેરાત કરાઈ હતી.
છેલ્લાં થોડાં દિવસથી સંક્રમણનો દર વધી રહ્યો છે. કિન્હાસામાં ૧૦૨ સહિત કુલ ૧૦૭ નવા કેસ એક જ દિવસમાં નોંધાયા હતા.
૨૮મી મેની સ્થિતિએ કોરોનાના ૩૧,૩૮૫ કેસ અને ૭૮૨ મૃત્યુ હતા. દેશમાં પહેલી વખત વાઈરસ દેખાયો ત્યારથી તે મહામારીનું એપીસેન્ટર રહ્યું છે. ત્યાં ૨૧,૭૦૦ કેસ નોંધાયા હતા.
સ્થાનિક અહેવાલો મુજબ પ્રમુખ ફેલીક્સ ત્શીસેકેદીના નજીકના કેટલાક સાથીઓ આ રોગને લીધે મૃત્યુ પામ્યા હતા.
જોકે, શહેરના પરાં વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો કોરોનાની હાજરી અને અસ્તિત્વ સુદ્ધા અંગે ઈનકાર કરતા હતા..
વેક્સિનેશન અભિયાનના ૪૦મા દિવસે DRCમાં ૨૦,૦૦૦ લોકોનું વેક્સિનેશન થયું હતું. જોકે, ઘણાં કોંગોવાસીઓ ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને લીધે વેક્સિન અંગે શંકાશીલ છે અથવા વિરોધ કરી રહ્યા છે.