કિન્હાસાઃ DR કોંગોમાં લગભગ બે દાયકામાં પ્રથમ વખત માઉન્ટ ન્યીરાગોન્ગો જ્વાળામુખી ૨૪મી મેએે ફાટતા ગોમાનું આકાશ કેસરી રંગનું થઈ ગયું હતું. ભડકે બળતો લાવા ગોમા તરફ આગળ વધતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તેને પગલે સરકારે લગભગ બે મિલિયન લોકોની વસતિવાળા ગોમા શહેરના લોકોના સ્થળાંતરનું આયોજન હાથ ધર્યું હતું.
કેટલાંક લોકો પડોશમાં આવેલા રવાન્ડા દેશમાં પણ પહોંચી ગયા હતા. રવાન્ડાના સત્તાવાળાઓએ જણાવ્યું કે ગોમાથી લગભગ ૩,૦૦૦ લોકો રવાન્ડા આવ્યા છે. રવાન્ડાના સરકારી મીડિયાએ જણાવ્યું કે લોકોને સ્કૂલો તથા ધાર્મિક સ્થળોમાં આશ્રય અપાશે. અન્ય રહેવાસીઓ શહેરની પશ્ચિમે ઉંચા મેદાનો તરફ નાસી છૂટ્યા હતા.
ગોમામાં અનેક બિલ્ડીંગો તેમજ દુકાનો લાવાના સંપર્કમાં આવતા ભસ્મીભૂત થઈ ગઈ હતી. ગોમામાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને ટેલિફોન લાઈનો પણ જામ થઈ ગઈ હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ, સ્થાનિક લોકોએ તે દ્રશ્યોનો ચિતાર રજૂ કર્યો હતો.
ન્યીરાગોન્ગોમાં રહેતા શીમ્વીરાયે એલેઈને જણાવ્યું કે તેમણે લાવાને તેમની તરફ આગળ વધતા જોયો હતો. લગભગ સાંજના છ વાગ્યા હતા અને લાવાને તેમની તરફ આવતા જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. એક કલાક પછી તો પરિસ્થિતિ વધુ વણસી હતી. અમે લાવાને રવાન્ડા તરફ વધતા જોયો હતો પરંતુ, પછી તે મજેન્ગો (ગોમાનો પ્રદેશ) તરફ આગળ વધતો જણાયો હતો. લોકો ભયમાં મૂકાઈ ગયા હતા અને શું કરવું તે સમજી શકતા ન હતા.
આ જ્વાળામુખી છેલ્લે ૨૦૦૨માં ફાટ્યો હતો. તેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ૧૦૦,૦૦૦થી વધુ લોકો ઘરવિહોણા બન્યા હતા.