કમ્પાલાઃ એન્ટેબીના નેશનલ એનિમલ જેનેટિક રિસોર્સિસ સેન્ટર એન્ડ ડેટાબેંક (NAGRC&DB) ના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે તેઓ HIV/એઈડ્સની સારવાર માટે બકરીના દૂધમાંથી ટેબ્લેટ બનાવવાનું શરૂ કરશે. બકરીના દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ, એલર્જીની ઓછી શક્યતાવાળા પ્રોટિન, સુપાચ્ય ચરબી અને ઊર્જા ઉત્પન્ન કરે તેવા પદાર્થ હોય છે, જે HIV/એઈડ્સ સાથે જીવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી હોય છે.
(NAGRC&DB) ના કાર્યકારી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. પીટર બૈને જણાવ્યું કે ટેબ્લેટ બનાવવા માટેનું દૂધ મૂળ સ્વીટ્ઝર્લેન્ડની ટોગનબર્ગ તરીકે ઓળખાતી ખાસ પ્રકારની બકરીઓમાંથી મેળવાશે. વિજ્ઞાનીઓ અને સંશોધકોની ભલામણોને પગલે અહીંના હવામાનમાં સારી રીતે રહી શકે તેવી ટોગનબર્ગ ઓલાદની બકરીઓ લાવવામાં આવશે.
૨૦૧૭માં ટર્કીના વિજ્ઞાની નઝલી તુર્કમેનના સાયન્સ ડાયરેક્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે બકરીના દૂધમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા, રોગને અટકાવતા અનુબદ્ધ લીનોલેક એસિડ જેવા મહત્ત્વના પદાર્થો વધુ માત્રામાં હોય છે.
‘ન્યૂટ્રિશનલ વેલ્યુ એન્ડ હેલ્થ બેનિફિટસ ઓફ ગોટ મિલ્ક કમ્પોનન્ટ્સ’ શીર્ષક હેઠળના અહેવાલ મુજબ ગાયના દૂધથી થતી એલર્જી સામાન્ય ફૂડ એલર્જી છે અને તેનાથી ઘણાં નવજાત શિશુના મોત થાય છે. બકરીના દૂધમાં રહેલું પ્રોટિન તેમાં ખૂબ અસરકારક જણાયું છે. વધુમાં, બકરીના દૂધનું પ્રોટિન મહિલાઓના દૂધના પ્રોટિન જેવું જ હોય છે, જે ગાયના દૂધની સરખામણીમાં વધુ સારી રીતે પચી જાય છે.
યુગાન્ડામાં ગરીબ કોમ્યુનિટીઝ સાથે કામ કરતી બિનસરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાર્મ આફ્રિકા દ્વારા મ્બાલે, સિરોન્કો, બુદુડા, માનાફ્વા અને કાપ્ચોર્વાના પૂર્વીય જિલ્લાઓમાં ૨૦૦૩માં સૌપ્રથમ ડેરી ગોટ ફાર્મિંગ શરૂ કરાયું હતું.
દેશમાં લગભગ ૧.૪ મિલિયન લોકો HIV/એઈડ્સ સાથે જીવે છે. યુગાન્ડા એઈડ્સ કમિશન મુજબ દેશમાં ૨૦૧૯માં ૨૧,૦૦૦ જેટલાં HIV/એઈડ્સ સંબંધિત મૃત્યુ નોંધાયા હતા. દેશમાં સરકાર દ્વારા હોસ્પિટલોને ઉપલબ્ધ એન્ટિ-રેટ્રોવાઈરલ (ARV) ટ્રીટમેન્ટ દર્દીઓને અપાય છે. દેશ, હાલમાં કમ્પાલા સ્થિત સિપ્લા ક્વોલિટી કેમિકલ્સ કંપની દ્વારા ARVનું ઉત્પાદન કરાવે છે.
Webmd.com મુજબ બકરીના આખા દૂધના એક કપમાં ૧૬૮ કેલરી, ૯ ગ્રામ પ્રોટિન, ૧૦ ગ્રામ ચરબી, ૧૧ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, ૧૧ ગ્રામ સુગર અને ૦ ગ્રામ ફાઈબર હોય છે. ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હંમેશાં બકરીના દૂધનું સેવન કરતા હતા.