નાઈરોબીઃ ૨૨ વર્ષ પહેલા નાઈરોબીમાં અમેરિકાની એમ્બેસી પર અલ– કાયદા દ્વારા થયેલા બોંબવિસ્ફોટમાં ઘાયલ અમેરિકનો જેટલું વળતર પોતાને નહીં મળે તે બાબતે કેન્યાના સિવિલ સર્વન્ટ ડીયાના મુતિસ્યા વ્યથિત છે. ગયા મહિને સુદાને અમેરિકી લક્ષ્યો પર ભૂતકાળમાં થયેલા હુમલાના પીડિતો માટે વળતર પેટે ૨૪૪ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હોવાની જાહેરાત કરાઈ હતી.
૭ ઓગસ્ટ ૧૯૯૮ના રોજ દાર-એ-સલામ અને નાઈરોબીમાં અમેરિકન એમ્બેસી પર થયેલા બોંબ વિસ્ફોટમાં ઈજા પામેલા અંદાજે ૫,૦૦૦ માંથી મોટાભાગના લોકોને કોઈ વળતર મળશે નહીં. આ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા ૨૦૦થી વધુ સ્થાનિક લોકોના પરિવારોને પણ કોઈ નાણાં મળશે નહીં.
બે વિસ્ફોટ થયા ત્યારે મુતિસ્યા એમ્બેસીની બાજુના બિલ્ડીંગમાં પેરોલની સમસ્યા ઉકેલવામાં વ્યસ્ત હતાં. તે સમયે રૂમમાં તેમની સાથે જે ચાર લોકો હતા તેમનું મૃત્યુ થયું હતું. મુતિસ્યા કોમામાં જતા રહ્યા હતા અને સારવાર માટે તેમને હવાઈ માર્ગે સાઉથ આફ્રિકા લઈ જવાયાં હતાં. તેમની કરોડરજ્જુને વ્યવસ્થિત રાખવા માટે ૧૫ મેટલ પ્લેટ લગાડવામાં આવી હતી.
સુદાન માટે અમેરિકાએ મૂકેલી શરતમાં આ વળતર ઘાયલ થયેલા અમેરિકી નાગરિકો અથવા અમેરિકન એમ્બેસીના કર્મચારીઓના પરિવારજનોને જ આપવાની વાત હતી. અમેરિકી મીડિયાના અહેવાલ મુજબ દરેક અમેરિકન પીડિત અથવા અમેરિકન એમ્બેસીના પરિવારને ૩ મિલિયન ડોલર ચૂકવાશે જ્યારે સ્થાનિક સ્ટાફને ૪૦૦,૦૦૦ ડોલર ચૂકવવામાં આવશે. બચી ગયેલા અથવા પીડિતોના પરિવારો મળીને કુલ ૮૫ કિસ્સામાં વળતર અપાશે.
મુતિસ્યાએ જણાવ્યું હતું કે, ‘વળતરના ડીલ વિશે સાંભળીને હું ખૂબ ગંભીર થઈ ગઈ. અમેરિકા અને હુમલાખોરો વચ્ચેના વેરઝેરને લીધે અમારે ભોગવવું પડ્યું હતું. તેમણે અમને વળતર આપવું જોઈએ.’