• કેન્યાની સ્કૂલોમાં કોવિડ-૧૯ના સંક્રમણની સૌથી વધુ અસર
કેન્યાની સ્કૂલોમાં કોવિડ-૧૯નો કેર યથાવત છે. તે સંજોગોમાં પણ સરકાર સ્કૂલો બંધ નહીં કરાય તેમ જણાવી રહી છે. ૨જી નવેમ્બરે દેશમાં ૬૦થી વધુ વિદ્યાર્થીઓને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. બુસિયા કાઉન્ટીમાં ટેસ્કો નોર્થ સબ-કાઉન્ટીમાં કોલાન્યા સાલ્વેશન આર્મી બોયઝ સ્કૂલમાં સંક્રમણના ૬૦ કેસ નોંધાયા હતા. જેમાં ૫૨ કેસ ફોર્મ ૪ના વિદ્યાર્થીઓ, છ ટીચર અને બે સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે. બુસિયાના ગવર્નર સોસ્પીટર ઓજામોંગે જાહેર કર્યું કે સ્કૂલોમાં ટેસ્ટીંગ કરી રહેલી પબ્લિક હેલ્થ ટીમોએ લીધેલા ૧૦૦ સેમ્પલમાંથી આ કેસ કન્ફર્મ થયા હતા.
• સાઉથ સુદાન સુધી રેલ નેટવર્ક લંબાવવાની યુગાન્ડા સરકારની યોજના
યુગાન્ડાના નાણાં પ્રધાન માટિયા કસાજીયાએ જણાવ્યું હતું કે ફંડ ઉપલબ્ધ થશે તો સરકાર રેલ લાઈનને સાઉથ સુદાન સુધી લંબાવશે. યુગાન્ડા રેલ્વેઝ કોર્પોરેશનની નવી ઓફિસના ઉદઘાટન પ્રસંગે કસાજીયાએ જણાવ્યું કે પરિવહનનું સૌથી સસ્તું સાધન હોવાથી રેલ્વેમાં મૂડીરોકાણને અગ્રીમતા અપાવી જોઈએ. તેમણે ઉમેર્યું કે ટોરોરો સુધીની મીટરગેજ રેલ્વેનું નવીનીકરણ કરી શકીએ તો તે સારું છે.
નિકાસમાં કેન્યા પછી બીજા ક્રમે હોવાથી સાઉથ સુદાન યુગાન્ડાના નિકાસ બજારનો અખંડ ભાગ છે. તેનાથી ૨૦૧૯માં યુગાન્ડાને $૩૫૧.૫ મિલિયનની આવક થઈ હતી. રેલ્વે લાઈન લંબાવવાથી નિકાસકારોના ખર્ચમાં ઘટાડો થશે.
• યુગાન્ડાની સ્કૂલોમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓ ભોજનથી વંચિત
યુગાન્ડા સરકાર દ્વારા સ્કૂલ ફીડીંગ પ્રોગ્રામની અવગણના થતી હોવાથી પ્રાઈમરી સ્કૂલોના લગભગ ૭૦ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભૂખ્યા રહીને અભ્યાસ કરે છે. જાય છે. યુગાન્ડા ડેટ નેટવર્ક (UDN), સેવ ધ ચીલ્ડ્રન ઈન્ટરનેશનલ – યુગાન્ડા (SCIU) અને નેશનલ ચીલ્ડ્રન્સ ઓથોરિટી (NCA) એમ ત્રણ સંસ્થાઓ દ્વારા કરાયેલા સંશોધનમાં આ માહિતી મળી હતી. આ તારણ અગાઉની સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા અપાયેલા અહેવાલને સમર્થન આપે છે. સરકાર સ્કૂલ ફીડ઼ીંગની કામગીરી પેરન્ટ્સ અથવા સ્કૂલો પર છોડવાને બદલે પાર્ટનરશીપ દ્વારા હાથ ધરે તેવો રિપોર્ટમાં અનુરોધ કરાયો હતો. સરકારને ફૂડ સિક્યુરિટીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્કૂલ ગાર્ડનીંગ માટે નાણાં ફાળવવા રિપોર્ટમાં અનુરોધ કરાયો હતો.