• આગ પીડિતોને મદદ માટે સિએરા લિયોનની અપીલઃ
સિએરા લિયોનના પાટનગર ફ્રીટાઉનના સ્લમ વિસ્તાર સુસાન્સ બેમાં ૨૪ મી માર્ચે લાગેલી આગમાં આખો વિસ્તાર નાશ પામ્યો હતો. આગમાં કોઈનું મૃત્યુ થયું ન હતું પરંતુ, ૪૦૯ લોકો દાઝી ગયા હતા અને ૭,૦૯૩ લોકોને અસર થઈ હતી. દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા સિન્નેહ મેન્સરીએ આંતરરાષ્ટ્રીય તેમજ સિયેરા લિયોનની ખાનગી અને જાહેર સંસ્થાઓને સંબોધનમાં અસરગ્રસ્તોને તાત્કાલિક આશ્રય, ફૂડ,પાણી અને કપડાંની જરૂર હોવાથી મદદ પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. સરકારે ૫૩ ટેન્ટ ઉભાં કર્યા છે અને હાલ ૫,૦૦૦ લોકોને પાણી પહોંચાડ્યું છે.
• યુગાન્ડામાં સરકારી સંસ્થાઓમાં એન્જિનિયર્સ બ્રિગેડની સેવાઃ
ક્યાન્કવાન્ઝી જિલ્લામાં ક્યાન્કવાન્ઝી ખાતે નવા સ્ટેટ ઓફ આર્ટ સુવિધા સાથેની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ લીડરશિપના નિર્માણ માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને બદલે યુગાન્ડા પીપલ્સ ડિફેન્સ ફોર્સીસની એન્જિનિયર બ્રિગેડની પસંદગી કરવા બદલ પ્રમુખ યોવેરી મુસેવેનીએ મિનિસ્ટર ઓફ પ્રેસિડેન્સી એસ્થર મ્બાયોની પ્રશંસા કરી હતી. પ્રમુખ મુસેવેની Shs ૭.૯ બિલિયનના ખર્ચે NILના સ્ટેટ ઓફ આર્ટ એકોમોડ઼ેશન હોલ અને નવા એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગના ઉદઘાટન માટે પહોંચ્યા હતા.
• લોકડાઉનમાં સાઉથ આફ્રિકાના ૮૦ ટકા રેલવે સ્ટેશનો લૂંટાયાઃ
કોરોના મહામારીના ગાળામાં લોકડાઉનમાં લૂંટના કારણે રેલવે નેટવર્ક્સ ખોરવાઈ ગયા છે. ચોરો સિગ્નલિંગ અને ઈલેક્ટ્રિક કેબલ્સથી માંડી હેન્ડરેલિંગ અને ઈંટોથી માંડી બારણાં સુદ્ધાં ચોરી ગયા છે. ગયા વર્ષે કડક લોકડાઉનમાં રેલવે સ્ટેશનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નધણિયાતા પડ્યા હતા તેનો લાભ ચોરોએ ઉઠાવ્યો હતો. બે મહિનાના ગાળામાં ઉખાડી કે કાપી શકાય તેવી દરેક ચીજવસ્તુઓ ઉઠાવી જવાઈ છે. સોવેટોમાં ક્લિપટાઉન સ્ટેશનમાં બારીઓ કે છાપરાં પણ રહ્યાં નથી.
• ટાન્ઝાનિયાના નવા પ્રમુખે પોર્ટ ઓથોરિટીના વડાને સસ્પેન્ડ કર્યા:
મોટાપાયે જાહેરનાણાંની ઉચાપતના મામલે ટાન્ઝાનિયાના નવા પ્રમુખ સામીઆ સુલુહુ હસને ટાન્ઝાનિયા પોર્ટ્સ ઓથોરિટીના વડા દેઉસ્દેદીત કાકોકોને તેમના હોદ્દેથી સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રમુખે જણાવ્યું કે અહેવાલ મુજબ Shs ૩.૬ બિલિયનની ઉચાપત થઈ હતી. વડા પ્રધાને કરેલી તપાસ દરમિયાન માત્ર જુનિયર સ્ટાફને છૂટો કરાયો હતો. કન્ટ્રોલર એન્ડ ઓડિટ – જનરલના રિપોર્ટમાં કાકોકો વિરુદ્ધ નોંધ કરાઈ હતી. ઉચાપતની સંપૂર્ણ તપાસનો માર્ગ મોકળો કરવા માટે તેમણે કાકોકોને સસ્પેન્ડ કર્યા હતા. તાજેતરમાં પ્રમુખ જહોન પોમ્બે માગુફલીનું નિધન થતાં સામીઆ હસને પ્રમુખપદ સંભાળ્યું હતું.
• નાઈજરમાં બળવાનો પ્રયાસ કરતા લોકોની ધરપકડ:
નાઈજરમાં બળવાના પ્રયાસના સંદર્ભમાં કેટલાંક લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે આ ઘટના સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી હોવાનું સરકારના પ્રવક્તા અબ્દુરરહેમાન ઝાકરીયાએ જણાવ્યું હતું. સત્તાની શાંતિપૂર્વક તબદિલીમાં નાઈજરના નવા ચૂંટાયેલા પ્રમુખ શપથ લેવાના હતા તેના બે દિવસ અગાઉ સુરક્ષા દળોએ પ્રેસિડેન્ટના પેલેસ ખાતે લશ્કરી બળવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઝાકરીયાએ ઉમેર્યું હતું કે લોકશાહી અને કાયદાના શાસનને ખરવી નાખવાના ઉદ્દેશ સાથે કરાયેલા આ કાયરતાપૂર્ણ કૃત્યને સરકાર વખોડી કાઢે છે.
• ચીને યુગાન્ડાને ૭૦ એસયુવી મોટર વ્હીકલ આપ્યાઃ
યુગાન્ડા ખાતેના ચીનના રાજદૂત ઝેન્ગ ઝુકિવયાંગે ચીનની સરકાર દ્વારા ડોનેશન તરીકે ૭૦ એસયુવી મોટર વ્હીકલ યુગાન્ડા સરકારને આપ્યા હતા. આ અંગે મિનિસ્ટ્રી ઓફ વર્ક્સ ખાતે યોજાયેલા સમારોહમાં વિદેશ બાબતોના સામ કુતેસાએ સત્તાવાર રીતે વાહનોનો આ કાફલો સ્વીકાર્યો હતો અને યુગાન્ડાની સરકાર તથા પ્રજા વતી ચીનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે ચીન સાથેના ઐતિહાસિક, પ્રગતિશીલ અને ઉત્તમ દ્વિપક્ષીય સંબંધોનું યુગાન્ડાને મૂલ્ય છે. યુગાન્ડા રાજકીય, આર્થિક, સુરક્ષા,સામાજિક, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રમાં બન્નેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે.
• મુસેવેનીએ યુવાનોને આવક ઉભી કરવા સલાહ આપીઃ
યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ યુવાનોને કામ પ્રત્યેની વિચારસરણી બદલવા અને આવક ઉભી કરવામાં વ્યવહારિક અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો. યુવાનોની કેટલીક સમસ્યાને લીધે ઉત્પાદકતા ઓછી થાય છે. યુવાનો પોતાને દોષી ગણવાને બદલે માતા-પિતા અથવા સરકારને દોષી ગણે છે. તેમની પાસે ખેતી માટે જમીન જેવા સંસાધનો અને ઉર્જા તથા સાધનો ઉપલબ્ધ હોવા છતાં તેઓ આળસુ બને છે.