• મ્બાલેમાં નકલી ડોલરની લે વેચ કરતાં બેની ધરપકડઃ
પૂર્વ યુગાન્ડાના મ્બાલે શહેરમાંથી નકલી ચલણનો વ્યવહાર કરતા બે લોકોની ધરપકડ કરાઈ હતી. મ્બાલે ડિસ્ટ્રિક્ટ પોલીસ કમાન્ડર અરાફત કાતોના નેતૃત્વ હેઠળના ઓપરેશનમાં મ્બાલેમાં અબસા બેંક નજીકથી નામનયોન્યીમાં રહેતા રશીદ મુદેબો અને બુસિયામાંથી કેન્યન નાગરિક જેક્વેલીન અંઝીલીમની ધરપકડ કરાઈ હતી. કાતોએ જણાવ્યું હતું કે બે લોકો આ વિસ્તારમાં બેંકો અને લોકોને નકલી ચલણ વેચવાની યોજના કરતાં હોવાની તેમને માહિતી મળી હતી. તેમના વાહનની તલાશી લેતાં તેમાંથી ૫૦૦ ડોલરની નકલી નોટો, માસ્ટર કી, ક્લોરોફોર્મ છાંટેલા રૂમાલ મળી આવ્યા હતા.
• લશ્કરે ઈસ્લામી ઉગ્રવાદીઓ પાસેથી પાલ્માનો કબજો મેળવ્યોઃ
ઈસ્લામી ઉગ્રવાદીઓએ ૨૪ મી માર્ચે કરેલા હુમલાના એક અઠવાડિયાં કરતાં વધુ સમય પછી દરિયાકિનારે આવેલા પાલ્મા શહેર પર સંપૂર્ણપણે કબજો મેળવી લીધો હોવાનું મોઝામ્બિકના લશ્કરે જણાવ્યું હતું. લશ્કરના પ્રવક્તાએ જણાવ્યું કે વળતા હુમલામાં સંખ્યાબંધ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. સરકારી રેડિયોએ જણાવ્યું હતું કે હુમલાને લીધે ભાગી ગયેલા રહીશો હવે પરત ફરવા લાગ્યા છે. આ હુમલામાં ડઝનબંધ નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ ૧૧,૦૦૦ લોકો વિસ્થાપિત થયા હતા. હુમલામાં શહેરની હોસ્પિટલ, બેંકો અને સરકારી પ્રોસિકયુટરની ઓફિસનો નાશ થયો હતો.
• નાઈજીરીયાના પોલીસ વડાને હાંકી કઢાયાઃ
ગયા વીકેન્ડમાં સાઉથ ઈસ્ટર્ન નાઈજીરીયામાં જેલ પર થયેલા નાટ્યાત્ક હુમલામાં ૧,૮૦૦ થી વધુ કેદી નાસી ગયા હતા. તેના પગલે હુમલાના સ્થળ ઓવેરીની મુલાકાત વખતે નાઈજીરીયાના પોલીસ વડા મુહમ્મદ અદામુએ બાયાફ્રાન અલગતાવાદી જૂથ Ipob (Indigebous People of Biafra) નો સંપૂર્ણપણે સફાયો કરી દેવા અનુરોધ કર્યો હતો. જોકે ને ફરજમાંથી છૂટા કરાયા તેના થોડાં કલાક પહેલા તેમણે આ આદેશ આપ્યો હતો. તેમના ડેપ્યૂટી ચીફ ઉસ્માન અલ્કાલી બાબા અદામુનું સ્થાન
સંભળાશે. પોલીસવડામાં ફરફાર અંગે કોઈ કારણ અપાયું ન હતું.
• સાંસદ સ્સેગિરીન્યાને વધુ રિમાન્ડ માટે જેલમાં મોકલાયાઃ
કાવેમ્પે નોર્થના સાંસદ મુહમ્મદ સ્સેગિરીન્યાના વકીલો કોર્ટમાં સંકલન કરવામાં નિષ્ફળ જતાં તેમના જામીન મંજૂર કરવાનો ઈન્કાર કરીને તેમને વધુ રિમાન્ડ માટે કિટાલ્યા જેલ મોકલી અપાયા હતા. સ્સેગિરીન્યાના એક વકીલ જોનાધન કિરીયોવાએ બુગાન્ડા રોડ કોર્ટ ગ્રેડ વન મેજિસ્ટ્રેટ ગ્લેડીસ કામાસાન્યુને જણાવ્યું હતું કે તેઓ કેસની સુનાવણી કરવા માટે પૂરતા તૈયાર નથી. પરંતુ, જામીન અરજીની સુનાવણી માટે તૈયાર છે. બીજા વકીલ શમીમ માલેન્ડેએ કોર્ટને અરજીમાં જણાવ્યું હતું કે આગામી મુદતમાં તેઓ સાક્ષીઓના પૂરાવા સાંભળવા અને તેમની ઉલટતપાસ કરવા તૈયાર છે.
• ચૂંટણીમાં સાસ્સોઉના વિજયને કોંગોની બંધારણીય કોર્ટની બહાલીઃ
રિપબ્લિક ઓફ કોંગોની બંધારણીય કોર્ટે વિપક્ષની અપીલને ફગાવી દઈને ગઈ ૨૧મી માર્ચે યોજાયેલા મતદાનમાં પ્રમુખ ડેનિસ સાસ્સોઉ ન્ગુએસ્સોને ફરી મળેલા વિજયને બહાલી આપી હતી. બંધારણીય કોર્ટના પ્રમુખ ઓગસ્ટે લ્લોકીએ જણાવ્યું કે ચૂંટણીના આખરી પરિમામોમાં બંધારણીય કોર્ટે જરૂરી સુધારા અને એડજસ્ટમેન્ટ કર્યા છે. પ્રમુખ પદ માટે ૮૮.૪૦ ટકા મત મેળવનારા ઉમેદવાર ડેનિસ સાસ્સોઉ ન્ગુએસ્સોને ચૂંટાયેલા વિજેતા જાહેર કરવામાં આવે છે. પ્રમુખપદની ચૂંટણી રદ અને મુલતવી રાખવાની અને મેથિઆસ દ્ઝૌન, જીન જેકસ સર્જ ય્હોમ્બી ઓપાન્ગો અને ક્રિશ્ચિયન મોઝોમાની અપીલને નામંજૂર કરવામાં આવે છે.
• આઈવરીના પ્રમુખે નાના ભાઈની સંરક્ષણ પ્રધાન પદે નિમણૂક કરીઃ
આઈવરીના પ્રમુખ અલાસ્સાન ઔઆટારાએ નાના ભાઈ ટીએને બિરાહિમા ઔઆટારાની સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક કરી હતી. ટીએને દેશના વડા પ્રધાન તરીકે નિશ્ચિત થયેલા પેચ્રિક આચીનું સ્થાન સંભાળશે. ઔઆટારાના પક્ષે ચૂંટણીમાં વિજય મેળવ્યો તેના એક મહિના પછી ટીએનેની આ નિમણૂક થઈ છે. આઈવરીના પ્રમુખ તેમની નવી સરકાર રચવાની નજીક છે. ભૂતપૂર્વ વડા પ્રધાન હામીદ બાકાયોકોના ૧૦ માર્ચે થયેલા આકસ્મિક નિધનથી આઈવરી કોસ્ટના રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ સરકારમાં ૪૧ પ્રધાન અને છ સચિવ છે અને સ્ટાફના સંખ્યાબળમાં ઘટાડો થશે તેવી અટકળો વધી ગઈ છે.