• યુગાન્ડાએ CSOsમાટે બેંક વ્યવહાર બંધ કરતાં અમેરિકા ખફાઃ
યુગાન્ડામાં વિદેશીઓ વિપક્ષોને મદદ કરવામાં મુખ્ય હોવાનો દાવો કરીને નેશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ (NRM) દ્વારા ચૂંટણી પૂર્વે કેમ્પેઈન ચલાવાયું છે. યુગાન્ડા ખાતેના અમેરિકાના એમ્બેસેડર નતાલિ બ્રાઉને યુગાન્ડાના સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન્સને ચૂંટણી અગાઉના સપ્તાહમાં બેંક ખાતામાં લેવડ-દેવડનો ઈન્કાર કરાયો તે અંગે ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરી હતી. જનરલ ડ્યૂટીઝના ઈન ચાર્જ કેબિનેટ મિનિસ્ટર મિસ મેરી કરુરો ઓકુરુટે જણાવ્યું હતું કે અમેરિકનોએ અહીં આવવું જોઈએ નહીં અને અમને લોકશાહી શીખવાડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. CSOsપર પ્રતિબંધ, ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક ઓબ્ઝર્વરોને એક્રેડિશનમાં વિલંબ તથા મતદારોને શિક્ષિત કરવાના પ્રોગ્રામમાં દખલગીરીની બાબતે અમેરિકા ચિંતિત છે.
• ચૂંટણીની અનિશ્ચિતતાને લીધે યુગાન્ડામા રોકાણ ઘટ્યુઃ
યુગાન્ડામાં ૧૪ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી પૂર્વે હાલ અર્થતંત્ર વિશે ઘણી અનિશ્ચિતતા સેવાઈ રહી છે. ઈન્વેસ્ટરોએ ‘થોભો અને રાહ જુઓ’નો અભિગમ અપનાવ્યો છે. મોટાભાગના ઈન્વેસ્ટરોએ દેશનું ભાવિ અને દિશા નિશ્ચિત ન થાય ત્યાં સુધી મૂડી રોકાણ અટકાવ્યું છે. દેશની પ્રાઈવેટ સેક્ટરની મુખ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોવિડ -૧૯ મહામારી અને તેના પગલે ગયા માર્ચથી સરકાર દ્વારા લેવાયેલા નિયંત્રણના પગલાંથી દેશના તથા આંતરરાષ્ટ્રીય રોકાણકારોનું ૨૦૨૦નું વર્ષ ખૂબ કપરું ગયું છે. તેના લીધે મૂડીરોકાણનું પ્રમાણ ઘટ્યું છે.
• યુગાન્ડામાં લોકડાઉનમાં ૨,૭૩૦ છોકરીઓ સગર્ભાઃ
લોકડાઉનના પ્રથમ ત્રણ મહિનામાં અંદાજે ૨,૭૩૦ ટીનેજ છોકરીઓ ગર્ભવતી બની હોવાનું યુથ અને ચીલ્ડ્રન અફેર્સ મિનિસ્ટર મિસ ફ્લોરેન્સ નાકીવાલાએ જણાવ્યું હતું. એકલા મ્બારારા જિલ્લામાં જ જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે ૧,૩૬૩ ટીનેજ પ્રેગનન્સી નોંધાઈ હતી અને તે પછી પણ સંખ્યા સતત વધી રહી છે. નાકીવાલાએ ઉમેર્યું કે કેટલીક છોકરીઓ પાયાની જરૂરિયાતોથી વંચિત હોવાથી તેઓ નાની ઉંમેરે પુરુષો સાથે સેક્સ કરવા લલચાય છે. હજુ તો સ્કૂલમાં હોય અને સગર્ભા બને તેનાથી માનસિક આઘાતનો અનુભવ થાય તેટલું જ નહીં આર્થિક રીતે પણ ખર્ચાળ બને. હાલ સ્કૂલમાં ભણતી હજારો છોકરીઓ સગર્ભા છે. ૧૫ વર્ષે માતા બનવામાં છોકરીઓને પણ મુશ્કેલી પડે.
• સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક પ્રમુખ ટુઆડેરાનો ફેર ચૂંટણીમાં વિજયઃ
ચૂંટણી પંચ દ્વારા જાહેર હંગામી પરિણામો મુજબ ગઈ ૨૭ ડિસેમ્બરે યોજાયેલી સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની પ્રમુખપદની ચૂંટણીમા પ્રમુખ ફૌસ્ટિન-અર્ચાન્જે ટુઆડેરાનો વિજય થયો હતો. તેમણે પ્રથમ રાઉન્ડમાં ૫૩ ટકા કરતાં વધુ મત મેળવ્યા હતા. પાટનગર બાંગુઈ ખાતે પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચના અધ્યક્ષ મેથિયાસ મોરોઉબાએ તેમને વિજેતા જાહેર કર્યા હતા. બંધારણ કોર્ટે ગયા મહિને ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્કોઈસ બોઝિઝ સહિત કેટલાંક ઉમેદવારોને રદ કર્યા હતા તે પછી બળવાખોર જૂથોએ મતદાનને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણીના દિવસે કેટલાંક ટાઉનમાં મતદાન અટકાવવાના પ્રયાસ સહિત મતદાન સામગ્રીનો નાશ તેમજ હુમલા કરાયા હતા. ટુઆડેરા પ્રથમ વખત ૨૦૧૬માં ચૂંટાયા હતા.
• કોંગોના વિરુંગા નેશનલ પાર્કમાં છ રેન્જર્સની હત્યાઃ
ઈસ્ટર્ન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વિરુંગા નેશનલ પાર્કમાં સશસ્ત્ર લોકોએ હુમલો કરીને છ રેન્જરની હત્યા કરી હતી અને અન્યને ઘાયલ કર્યા હતા. આ પાર્ક પહાડી ગોરિલાઓનું અભયારણ્ય છે. આફ્રિકાના સૌથી જૂના નેશનલ પાર્કના પ્રવક્તા ઓલિવિયર મુકિસ્યાએ જણાવ્યું કે હુમલાખોરોની ઓળખ તાત્કાલિક થઈ શકી ન હતી. અગાઉ રેન્જરો પર જે હુમલા થયા તેના માટે પૂર્વી કોંગોમાં જમીન અને કુદરતી સ્રોતો પર અંકુશ મેળવવા માટે લડતા વિવિધ મિલિશિયાને જવાબદાર ગણવામાં આવ્યા હતા. ગયા એપ્રિલમાં થયેલા હુમલામાં ૧૨ રેન્જરોના મૃત્યુ સહિત ભૂતકાળમાં ૨૦૦થી વધુ રેન્જર્સની હત્યા કરાઈ હતી.