ખાર્તુમઃ ગાઝા પટ્ટીમાં સંઘર્ષ ફાટી નીકળ્યો છે ત્યારે સુદાનની સંક્રાન્તિકાળની સરકારના વડા અબ્દેલ ફતેહ અલ – બુર્હાનેએ ઈઝરાયલ અને સુદાન વચ્ચેના સંબંધો સાધારણ બનાવવાનો બચાવ કર્યો હતો. પરંતુ, તેમણે કહ્યું હતું કે તેને પેલેસ્ટાઈનવાસીઓના પોતાના સ્ટેટની રચના કરવાના અધિકાર સાથે કોઈ નિસબત નથી.
ગયા જાન્યુઆરીમાં સુદાને અમેરિકાના ઈશારે ઈઝરાયલ સાથેના સંબંધો સામાન્ય બનાવવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ઈઝરાયલે થોડા મહિના પછી આતંકવાદને સમર્થન આપતા દેશોના તેના બ્લેક લિસ્ટમાંથી સુદાનને દૂર કર્યું હતું. આ ક્ષેત્રના અન્ય ત્રણ દેશ – યુએઈ, બહેરિન અને મોરોક્કોએ પણ છેલ્લાં થોડા મહિનામાં અમેરિકાના કહેવા પર ઈઝરાયલ સાથેના સંબંધ સામાન્ય કર્યા હતા.
ગાઝાના હેલ્થ અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરની હિંસામાં ૫૮ બાળકો અને ૨૮ મહિલાઓ સહિત ૨૦૧ પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા હતા. પૂર્વ જેરુસલેમમાં કેટલાંક પેલેસ્ટાઈની પરિવારોને જગ્યા ખાલી કરાવવાના કોર્ટ કેસ બાબતે અઠવાડિયાઓ સુધીની તંગદિલી પછી ગયા સોમવારે હમાસે રોકેટ હુમલો શરૂ કર્યો હતો. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અલ – અક્સા મસ્જિદ નજીક પેલેસ્ટાઈનવાસીઓ સાથે ઈઝરાયલ પોલીસની અથડામણના વળતા હુમલામાં પણ આ હુમલા કરાયા હતા.
હમાસ એક ગ્રૂપ છે જેને ઈઝરાયલ, અમેરિકા અને યુરોપિયન યુનિયન આતંકવાદી જૂથ માને છે.
પેરિસમાં ઈકોનોમિક કોન્ફરન્સની સમાંતરે બુરહાનીએ એક ચેનલને જણાવ્યું હતું કે સંબંધ સામાન્ય બનાવવાને પેલેસ્ટાઈનવાસીઓના અલગ સ્ટેટ રચવાના અધિકાર સાથે કોઈ નિસબત નથી.