એડિસ અબાબાઃ અમેરિકા આંતરિક બાબતોમાં દખલગીરી કરવાનું ચાલુ રાખશે તો તેની સાથેના સંબંધોની ફેરવિચારણા કરવાની ઈથિયોપિયાએ ચેતવણી ઉચ્ચારી હતી. ઈથિયોપિયાના નાગરિકો પર વિઝા નિયંત્રણો લાદવાના અને ઈથિયોપિયાને આર્થિક અને સુરક્ષા સહાય નિયંત્રિત રાખવાના અમેરિકાના નિર્ણય સામે ઈથિયોપિયાએ આ પ્રતિક્રયા આપી હતી.
અમેરિકાએ ઈથિયોપિયાના યુદ્ધગ્રસ્ત ટાઈગ્રે પ્રાંતમાં કટોકટીનો અંત લાવવા માટેના સૂચિત પ્રસ્તાવોમાં વિક્ષેપ ઉભો કરી રહેલા ઈથિયોપિયન અને એરિટ્રીન અધિકારીઓ પર વિઝા નિયંત્રણોની જાહેરાત કરી હતી.
આ નિયંત્રણોની અમ્હારા પ્રાંતના સુરક્ષા દળો, અન્ય દળો અને અન્ય વ્યક્તિઓ તેમજ ટાઈગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ (TPLF)ના સભ્યોને અસર પડશે.
આ નિર્ણયને લીધે ઈથિયોપિયા રોષે ભરાયું હતું. ઈથિયોપિયાના વિદેશ મંત્રાલયે તેના પર સતત અયોગ્ય દબાણ ઉભું કરવાનો અમેરિકી સરકાર પર આક્ષેપ કર્યો હતો. વિઝા નિયંત્રણો અને અગાઉ લેવાયેલા અન્ય સંબંધિત પગલાંની આ લાંબા ગાળાના અને મહત્ત્વના દ્વિપક્ષી સંબંધો પર ગંભીર અસર થશે.
અમારી આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરવાનો સંકલ્પ થશે અને સદી જૂના દ્વિપક્ષીય સંબંધોને સતત નજરઅંદાજ કરવાનું ચાલુ રહેશે તો ઈથિયોપિયા સરકારને અમેરિકા સાથેના સંબંધોની ફેરવિચારમા કરવાની ફરજ પડશે, જેની દ્વિપક્ષીય સંબંધ ઉપરાંત અન્ય બાબતો પર પણ અસર પડશે.
દરમિયાન, અમેરિકા તરફથી સતત દબાણ થતું હોવા છતાં ઈથિયોપિયાએ TPLFસાથે વાટાઘાટોની શક્યતાને નકારી કાઢી હતી.
વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે ઈથિયોપિયા રાષ્ટ્રીય ચૂંટણી યોજવા જઈ રહ્યું છે તેવા સમયે અમેરિકાનો નિર્ણય ખોટા સંકેત આપે છે. અમેરિકાનો અભિગમ ગેરસમજ સાથેનો છે. ઈથિયોપિયા સરકાર સાથે TPLF જેવું વલણ અપનાવવાનું અમેરિકી વહીવટીતંત્રનું વર્તન દુઃખદ છે.