એડિસ અબાબાઃ ઈથિયોપિયાના વેસ્ટ વેલ્લેગા ઝોનના ગુલિસો જિલ્લાના ગાવા ક્વાન્કવા ગામે ગઈ ૧લી નવેમ્બરે મોડી રાત્રે ઓરોમો લિબરેશન આર્મી (OLA)ના શકમંદ સભ્યોએ કરેલા હુમલામાં અંદાજે ૫૪ લોકો માર્યા ગયા હોવાનું એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ (લંડન) દ્વારા જણાવાયું હતું.
આ વિસ્તારમાં તહેનાત ઈથિયોપિયન ડિેફેન્સ ફોર્સીસના જવાનોને અચાનક અને કોઈ પણ ખુલાસા વિના ખસેડી લેવાયા તેના એક દિવસ પછી આ હુમલો થયો હતો. ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું કે ઘણાં પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા કરાઈ હતી અને તેમની સંપત્તિ લૂંટી લેવાઈ હતી. આ ઉગ્રવાદીઓ જે વસ્તુઓ ન લઈ જઈ શક્યા તેને તેમણે આગ ચાંપી દીધી હતી.
હુમલા વખતે નજીકના જંગલમાં ભાગી જઈને બચી ગયેલા લોકો સાથે એમ્નેસ્ટીએ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે હુમલાખોરોએ તેમનની ઓળખ OLA તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે સરકારી દળો જતા રહ્યા ત્યારથી આ વિસ્તાર પર તેમનો અંકુશ છે.
બચી ગયેલા લોકોએ જણાવ્યું કે ઘણી મહિલાઓ, બાળકો અને વડીલો જેઓ નાસી શક્યા ન હતા તેમને ઉગ્રવાદીઓએ સ્કૂલના કમ્પાઉન્ડમાં ભેગા કરીને તેમને મારી નાખ્યા હતા. તેમણે ઉમેર્યું કે તેમણે ગણતરી કરતાં ત્યાં ૫૪ મૃતદેહ હતા. એક વ્યક્તિએ જણાવ્યું કે તેમના પિતા, બહેન અને પત્નીના દાદા સહિત ત્રણ પરિવારજનોની હત્યા કરાઈ હતી.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના રિજનલ ડિરેક્ટર ફોર ઈસ્ટ એન્ડ સાઉથ આફ્રિકા દેપ્રોઝ મુચેનાએ જણાવ્યું કે ઈથિયોપિયાના સત્તાવાળાઓએ હુમલાની તપાસ કરવી જ જોઈએ અને હુમલા માટે જવાબદાર લોકોને પકડીને અદાલતી કાર્યવાહી કરવી જોઈએ.