કમ્પાલાઃ પ્રમુખપદની ચૂંટણી શાંતિપૂર્વક યોજાઈ અને તે પછી ભવ્ય વિજય બદલ પ્રભુની પ્રશંસા કરવા કોલોલો ઈન્ડિપેન્ડન્સ ગ્રાઉન્ડ પર યોજાયેલી થેન્ક્સ ગીવીંગ સર્વિસમાં ખ્રિસ્તીઓ સાથે જોડાયેલા પ્રમુખ યોવેરી મુસેવેનીએ તેમને પ્રેયર વોરિયર્સ ગણાવ્યા હતા.
પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું કે પ્રભુ ઘણી વખત તેમની સાથે રહ્યા છે. ૧૯૭૩માં ઈદી અમીનના શાસનમાં તેઓ તેમના સાથી એરિયા કાટેગાયા સાથે મરતા મરતા બચી ગયા હતા. મુસેવેનીએ ઉમેર્યું કે ઘણા પ્રસંગો એવા હોય છે જેમાં તમે કહી શકો કે ખરેખર આ પ્રભુનું જ કાર્ય છે. મુસેવેનીએ જણાવ્યું કે આપ સૌ અહીં પ્રભુના આશીર્વાદ મેળવવા આવ્યા છો તે બદલ આપ સૌનો આભાર અને ભૂતકાળમાં પ્રભુએ મને જે આપ્યું છે તે બદલ હું તેમનો આભારી છું,
તેઓ ટાન્ઝાનિયાથી ઈદી અમીન સાથે લડવા માટે ઘૂસણખોરીથી દેશમાં આવ્યા હતા. તેઓ ભૂતપૂર્વ એકોલી સૈનિકોને મળવા માટે કાટેગાયા સાથે ગુલુમાં અવેરે ગયા હતા. તેમને મળીને પાછા ફરતી વખતે તેમના યજમાન અન્ય સાથી લેટિગોને મળવાનું કહેતા હતા. પણ તેમણે ના પાડી દીધી. કોઈક કારણસર તેમણે કાટેગાયાના વાહનની નંબર પ્લેટ કાઢી નાંખી. પાછા ફરતી વખતે નજીવો અકસ્માત થતાં કાર બગડી. તેથી તેઓ બીજા વાહનમાં મોડી રાત્રે બે વાગે કમ્પાલા પહોંચ્યા. મુસેવેનીને મુલાગો નજીક ઉતાર્યો હતો. કાટેગાયા બાટ વેલીમાં નવા ફ્લેટમાં રહેતા હતા. તેમના ગેટમેને કાટેગાયાને કહ્યું કે કેટલાંક લોકો ટોર્ચ સાથે આવ્યા હતા અને કાર પાર્ક્સમાં તમારી કાર શોધતા હતા. પણ તમારી કાર ન દેખાતા તે પાછા જતા રહ્યા હતા. મુસેવેનીએ જણાવ્યું કે તેઓ સંઘર્ષમાં જોડાયા તેને ૫૬ વર્ષ થઈ ગયાં.