કમ્પાલાઃ ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી હેડ ઓફ સ્ટેટ સમિટમાં બે યુગાન્ડાવાસી સહિત આઠ નવા જજની રિજનલ કોર્ટમાં નિમણૂંક કરવામાં આવી હતી. યુગાન્ડાના જજોમાં જસ્ટિસ જ્યોફ્રી કીર્યાબ વાયરનો સમાવેશ થાય છે. તેઓ કોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપશે. બીજા જસ્ટિસ રિચાર્ડ વેબ વાયર વેજુલી છે. આ નિમણૂંક અગાઉ કીર્યાબ વાયર કોર્ટ ઓફ અપીલ અને કોન્સ્ટિટ્યુશનલ કોર્ટના જજ હતા, જ્યારે વેબ વાયર હાઇકોર્ટના કોમર્શિયલ ડિવિઝન સાથે સંકળાયેલા હતા.
જજ સાત વર્ષની એક ટર્મ સુધી ફરજ બજાવી શકે છે. પ્રમોશન મળ્યું હોવા છતાં જસ્ટિસ કીર્યાબ વાયર માત્ર એક વર્ષ સુધી જ રિજનલ કોર્ટમાં ફરજ બજાવી શકશે કારમ કે તેઓ છેલ્લાં છ વર્ષથી ત્યાં ફરજ બજાવે છે.
ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ (EACJ) ના જજીસની નિમણુંક સામાન્ય રીતે પાર્ટનર દેશોની ભલામણોને આધારે સરકારોની ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી હેડ ઓફ સ્ટેટ સમિટ દ્વારા કરવામાં આવે છે.
જજ રિજનલ કોર્ટમાં ફરજ બજાવી શકે અને તેમના દેશમાં પાછા ફરી શકે તે માટે તેમની ફરજ હંગામી ધોરણે હોય છે અને તેની શરતોમાં છૂટછાટને અવકાશ હોય છે.
નવા જજ જે જજીસની ટર્મ પૂરી થઈ હોય તેમનું સ્થાન સંભાળે છે.
આ નવા જજીસમાં જસ્ટિસ ઈમાનુએલ ઉગીરાશેબુજા, જસ્ટિસ લીબોયર ન્કુરુનઝિઝા, જસ્ટિસ આરોન રિંગેરા, જસ્ટિસ મોનિકા મુગેન્યી, જસ્ટિસ ફોસ્ટિન,ન્તેઝિલ્યાયો અને જસ્ટિસ ફાકિહી જુન્ડુનો સમાવેશ થાય છે.
સમિટ દરમિયાન પ્રાદેશિક વડાઓએ કેન્યાના પીટર માથુકીની રિજનલ બ્લોકના આગામી સેક્રેટરી જનરલ તરીકે નિમણુંક કરી હતી. તેઓ પાંચ વર્ષની ટર્મ પૂરી કરનારા બુરુન્ડીના લીબેરાત મ્ફુમુકેકોનું સ્થાન સંભાળશે.