નાઈરોબીઃ મોબાઇલ મનીના સૌથી વધુ પ્રમાણ સાથે ઇસ્ટ આફ્રિકન વિસ્તારે ડિજિટલ ઇકોનોમીમાં વૈશ્વિક અગ્રણી તરીકેનું પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. આ વિસ્તારમાં દર એક હજાર લોકોએ ૧,૧૦૬ રજીસ્ટર મોબાઇલ મની એકાઉન્ટ્સ છે. આ દર સમગ્ર આફ્રિકામાં ૬૦૦, એશિયામાં ૫૩૩ તથા લેટિન અમેરિકા અને કેરેબિયનમાં ૨૪૫ છે.
ઈસ્ટ આફ્રિકામાં મોટાભાગના હોય વયસ્ક ગ્રાહકો એક અથવા તેથી વધુ મોબાઇલ મની એકાઉન્ટ ધરાવતા હોવાથી ત્યાં તેનું પ્રમાણ ખૂબ ઊંચું છે.
આ વિગતો ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટના સહયોગથી આફ્રિકન યુનિયન (AU) દ્વારા તૈયાર કરાયેલા ૨૦૨૧ના આફ્રિકા ડેવલપમેન્ટ ડાયનેમિક્સ શીર્ષક હેઠળના સંયુક્ત રિપોર્ટની માહિતી પ્રમાણે છે.
આ અહેવાલમાં સૂચવાયું છે કે ઇસ્ટ આફ્રિકાના સભ્ય દેશો જેવા કે યુગાન્ડા, કેન્યા, રવાન્ડા અને ટાન્ઝાનિયા મોબાઈલ મની ટ્રાન્ઝેક્શન્સમાં વિશ્વભરમાં મોખરે છે. તેમના સાંસદો અને રેગ્યુલેટરોએ આ ઇનોવેશનમાં સૌ પહેલા રોકાણ કરવાનું જોખમ લીધું હતું તેથી આ બન્યું છે. તેનાથી ફાઇનાન્સિયલ સેકટર વધુ સમાવેશી બન્યું છે.
આ પ્રદેશના કોમોરોસ, ઇથિઓપિયા, મોરેશિયસ, સેશેલ્સ, સોમાલિયા અને સાઉથ સુદાન સહિતના અન્ય દેશોએ પણ મોબાઈલ મની સર્વિસ શરૂ કરી છે અથવા તો શરૂ કરવાની પ્રક્રિયામાં છે.
મોબાઈલ મનીનો પગપેસારો ડિજીટલ ઈનોવેશનનું મુખ્ય કારણ અને ચાલક રહ્યો છે. જેના કારણે ફાઈનાન્સિયલ ટેક્નોલોજી (Fintech) સ્ટાર્ટઅપ્સથી ડિજિટલ ઇકોનોમીમાં રોજગારીની તકો ઉભી થઈ છે અને મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદકતા વધી છે. આ પ્રદેશમાં શિક્ષણ, હેલ્થકેર, કન્ઝ્યુમર સર્વિસીસ અને કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં આ સ્ટાર્ટઅપ્સ ચાલી રહ્યા છે. (234)