ઈસ્ટ આફ્રિકાને કોરોના વાઈરસ, તીડ અને પૂરની આપત્તિનો ત્રેવડો ખતરો

Tuesday 23rd February 2021 12:42 EST
 
 

કમ્પાલાઃ ઈસ્ટ આફ્રિકા પર એક સાથે ત્રણ આપત્તિઓનો ખતરો ઉભો થતાં હજારો લોકોને ભૂખમરો અને બીમારીનું જોખમ હોવાની આ પ્રદેશમાં કાર્ય કરતાં રેડ ક્રોસ અધિકારીઓએ ચેતવણી આપી હતી. દુનિયાના અન્ય ઘણાં દેશોની માફક આફ્રિકા અને પૂર્વીય દેશોને કોવિડ – ૧૯ના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. જોકે, કેન્યા, સોમાલિયા અને રવાન્ડા હાલ પૂરનો સામનો કરી રહ્યા છે. તેને લીધે અંદાજે અડધા મિલિયનથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે અને ૩૦૦ લોકોનું મૃત્યુ થયું છે.

કોવિડ – ૧૯ અને પાણીજન્ય રોગોના જોખમમાં દાયકાઓમાં તીડના સૌથી ખરાબ આક્રમણ સાથે તેમાં ભારે વધારો થયો છે. બિલિયન્સ તીડના ટોળાં દ્વારા પાકને નુક્સાન થશે તથા અન્ન પુરવઠો અને આવકના સ્રોતો બન્નેને ભારે અસર થશે. દરમિયાન,અડધા ઉપરાંત લોકોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને નિયંત્રણમાં લેવા માટે તેમને ઘરે રહેવાની ફરજ પાડવામાં આવશે તો તેમની પાસેના નાણાં ખૂટી જશે.

આફ્રિકામાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટી (IFRC)ની સંચાલન કરનારા ડો. સાયમન મિસ્સિરીએ જણાવ્યું હતું કે હાલની પૂરની મુશ્કેલીમાં કોવિડ – ૧૯ અને તીડોના આક્ર્મણનો ઉમેરો થશે. મુસાફરી અને હેરફેર પરના નિયંત્રણો કોવિડ સંક્રમણ ઘટાડવા માટે છે. પરંતુ, તેના લીધે પાકને નુક્સાન કરી રહેલા તીડોના ટોળાને નિયંત્રણમાં લેવાના પ્રયાસો અવરોધાઈ રહ્યા છે. પૂરને લીધે પણ અટકાયતી પગલાં લાગુ કરવાનું અઘરું બનશે તેથી કોવિડ – ૧૯ ફેલાવાની શક્યતા રહે છે.

સંસ્થાએ ઈથિઓપિયા, કેન્યા, સોમાલિયા, સાઉથ સુદાન, ટાન્ઝાનિયા, રવાન્ડા અને યુગાન્ડામાં ૫.૯ મિલિયન લોકોને ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના વિતરણ માટે તૈનાત કર્યા છે. તેમણે ઉમેર્યું કે આગામી અઠવાડિયાઓમાં પૂર અને કોવિડને લીધે ભૂખ્યાં અને બીમાર લોકોની સંખ્યામાં વધારો થશે તેની ચિંતા છે.

હાલની મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રતિકુળ હવામાનને લીધે ઘણી અસર થશે અને પ્રદેશમાં અન્નની અસલામતીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધશે.

WHOના આફ્રિકાના રિજનલ ડિરેક્ટર ડો. માત્શીદીસો મોએટી અને હેલ્થ ઈમરજન્સીસ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. માઈક રેને જણાવ્યું કે દુનિયાના અન્ય વિસ્તારો કરતાં આ પ્રદેશમાં કોવિડને લીધે મૃત્યુની સંખ્યા ખૂબ વધારે નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter