કમ્પાલાઃ સબ–કેન્ડિડેટ ક્લાસીસ માટે ગઈ ૧લી માર્ચથી સ્કૂલો શરૂ થઈ હતી. પરંતુ, ઘણાં ટીચરોએ તેમનો પગાર ઓછો હોવાથી અને કોવિડ -૧૯ લોકડાઉનને લીધે એક વર્ષથી સ્કૂલો બંધ રહી હોવાથી ક્લાસરૂમોની હાલત વધુ ખરાબ થઈ હોવાને લીધે સ્કૂલોમાં ભણાવવા જવાનો ઈનકાર કર્યો હતો. જોકે, કેટલાંક ટીચર્સે તેઓ ભણાવવા માટે સ્કૂલે જશે તેમ જણાવ્યું હતું. મોટા ભાગના શિક્ષકોએ આવકના વૈકલ્પિક માર્ગો પણ શોધી લીધાં છે.
આવા ટીચર્સમાં મોટાભાગે ખાનગી સ્કૂલોના ટીચર છે અને તેમને કોઈ રકમ ચૂકવાઈ ન હોવાનો તથા તેઓ લોકડાઉનના ઘણાં પડકારોનો સામનો કરી રહ્યા છે. તેથી તેમણે આવક ઉભી થઈ શકે તેવા વૈકલ્પિક માર્ગ અપનાવ્યા છે. જોકે, માસિક પગાર મળતો હોવા છતાં સરકારની સહાયથી ચાલતી સ્કૂલોના અન્ય શિક્ષકોએ પણ વધુ રકમ મળે તેવી જોબ શોધી લીધા પછી શિક્ષણ પ્રવૃત્તિ છોડી દીધી છે.
ઉદાહરણ તરીકે કબાલે ડિસ્ટ્રિક્ટમાં ખાનગી સેકન્ડરી સ્કૂલમાં માસિક Shs ૩૦૦,૦૦૦નો પગાર મેળવતા જ્યોગ્રોફીના ટીચર મોસીસ મુહાન્ગી ટ્વેયોન્ગ્યેરે ભણાવવા માટે પાછા આવવાના નથી. તેમણે કહ્યું કે તેમને બોડા -બોડા ટ્રાન્સપોર્ટ બિઝનેસ અને ચારકોલ પ્રોડક્શનમાં ઘણી સારી કમાણી થાય છે. તેમણે ઉમેર્યું કે સ્કૂલો ફરી શરૂ થશે તો પણ તેઓ ભણાવવા જશે નહીં.
કિસોરો ડિસ્ટ્રિક્ટમાં કિસોરો વિઝન સેકન્ડરી સ્કૂલના અન્ય ટીચર સ્ટુઅર્ટ નિમુસિમાએ જણાવ્યું કે તેઓ ચપટ બનાવવામાં લાગી ગયા છે અને લોકોએ તેમના બિઝનેસને ખૂબ મદદ કરી છે. તેમણે ઉમેર્યું કે લોકડાઉન દરમિયાન પરિવારનું ભરણપોષણ થઈ શકે તેટલી આવક તેમાંથી મળી છે. ન્તુન્ગામો ડિસ્ટ્રિક્ટમાં પ્રાઈવેટ સ્કૂલ બ્રિલિયન્ટ સ્ટાર કાફુજોમાં ફરજ બજાવી ચૂકેલા પ્રાઈમરી ટીચર મિસ સ્પેસિઓઝા ક્યોટુન્ગિરે જણાવ્યું કે તેઓ ફરી ભણાવવા નહીં જાય કારણ કે તેમણે બીજો બિઝનેસ શોધી કાઢ્યો છે. હાલ KBS રેડિયો મીની માર્કેટ ખાતે ફૂડનું વેચાણ કરતા અન્ય ટીચર બ્રેન્ડા કાટોનોએ જણાવ્યું કે કોવિડ – ૧૯ એ તેમને આવકનો વૈકલ્પિક સ્રોત શોધવા જાગ્રત કર્યા હતા.
બીજી તરફ, કાલુન્ગુ ડિસ્ટ્રિક્ટમાં કેટલાંક ટીચરો જણાવ્યું કે કથળતી વર્કિંગ કન્ડિશનને લીધે તેમણે આ વ્યવસાય છોડ્યો છે. પોતાની ઓળખ ન આપવાની શરતે લ્વાબેન્ગે સબ કાઉન્ટીના ટીચરોએ જણાવ્યું કે તે વિસ્તારમાં જવું મુશ્કેલ છે અને સ્કૂલોમાં સ્ટાફ ક્વાર્ટર્સ નથી. જોકે, જીંજા પ્રોગ્રેસીવ એકેડમીના ટીચર ઈબ્રાહિમ વાકિન્યાન્કલીએ જણાવ્યું કે તેઓ ફરીથી ભણાવવા માટે સ્કૂલે જશે.