અબુજાઃ નાઇજીરીયાના ઉત્તરી રાજ્ય કડુનામાં આવેલી એક ખાનગી ગ્રીનફિલ્ડ યુનિવર્સિટીમાં ગયા મંગળવારે રાત્રે બંદૂકધારી શખ્સોએ હુમલો કર્યો હતો. તેમણે એક સ્ટાફ મેમ્બરની હત્યા કરી હતી અને કેટલાક વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. જોકે કેટલા વિદ્યાર્થીઓનું અપહરણ કરાયું હતું તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી કરી રહ્યા છે. જોકે, યુનિવર્સિટીના બે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૨૦ વિદ્યાર્થીઓ ગુમ છે.
સ્થાનિક પોલીસ પ્રવક્તા મોહમ્મદ અલી એ જણાવ્યું હતું કે ૨૦ એપ્રિલ, મંગળવારે સ્થાનિક સમય મુજબ રાત્રે ૮.૧૫ના સુમારે થયેલા હુમલામાં મોટી સંખ્યામાં બંદૂકધારી શખ્સો યુનિવર્સિટીમાં ધસી આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે પીડિતોને બચાવવા અને હુમલો કરનારાને શોધી કાઢવા માટે માણસોને કામે લગાડાયા છે. કમિશનર ફોર ઇન્ટર્નલ સિક્યુરિટી એન્ડ હોમ અફેર્સ સેમ્યુઅલ અરુવાને જણાવ્યું હતું કે આ હુમલામાં યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બરનું મૃત્યુ થયું હતું અને ઘણા વિદ્યાર્થીઓનું અપહરણ કરાયું હતું.
ગયા ડિસેમ્બરથી બેન્ડિટ તરીકે ઓળખાતી ગુનેગાર ટોળકીઓ દ્વારા સ્કૂલો અને કોલેજોને લક્ષ્ય બનાવવાનું વધી ગયું છે. તેઓ સત્તાવાળાઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવાની આશામાં વિદ્યાર્થીઓનું અપહરણ કરે છે. ગ્રીનફિલ્ડ યુનિવર્સિટી પર થયેલો હુમલો ગયા ડિસેમ્બરથી નાઇજીરીયાની સ્કૂલ અથવા કોલેજ પર થયેલો પાંચમો હુમલો હતો.
તાજેતરમાં થયેલી સામૂહિક અપહરણની ઘટનાઓને લીધે ઉત્તરના છ રાજ્યોએ તેમની પબ્લિક સ્કૂલો બંધ કરી દીધી છે. ગયા મહિને બંદૂકધારીઓએ કડુના રાજ્યમાં અફાકામાં આવેલી કોલેજમાંથી ૩૯ વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હતું. તેમાંના કેટલાક વિદ્યાર્થીઓને છોડી મુકાયા હતા. જોકે, હજુ અન્ય બંધક છે. ડિસેમ્બર ૨૦૨૦ થી અંદાજે ૭૩૦ વિદ્યાર્થીઓનું અપહરણ કરાયું હતું તેને લીધે લગભગ પાંચ મિલિયન કરતા વધુ બાળકોનો અભ્યાસ અવરોધાયો હતો તેમ યુએનની યુનિસેફ એજન્સી દ્વારા જણાવાયું હતું.
ઉત્તર નાઇજીરિયામાં જે સ્કૂલો પર હુમલા થાય છે તે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોય છે. ત્યાં વિદ્યાર્થીઓ ડોરમેટરીમાં રહેતા હોય છે અને તેમની સુરક્ષા માટે માત્ર થોડા વોચમેન હોય છે. તેથી હુમલાખોરો તેને સરળતાથી લક્ષ્ય બનાવી શકે છે.