નાઈરોબીઃ કેન્યા અને ટાન્ઝાનિયાએ દરિયાકાંઠાના બે શહેરો મોમ્બાસા અને દાર–એ-સલામ વચ્ચે ગેસ પાઈપલાઈન માટેની ડીલ પર હસ્તાક્ષરો કર્યા હતા. પુરોગામી પ્રમુખ માગુફલીના મૃત્યુ પછી ટાન્ઝાનિયાના પ્રમુખ સામીયા સુલુહુ હસને કેન્યાની પ્રથમ મુલાકાત લીધી તે સમયે આ સમજૂતી થઈ હતી.
નાઈરોબીમાં બંધબારણે મળેલી ત્રણ કલાકથી વધુની બેઠક પછી પત્રકારોને સંબોધતા કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ જણાવ્યું કે બન્ને દેશ તેમના સંબંધ સુધારવા માટે તૈયાર છે. માગુફલી ટાન્ઝાનિયાના પ્રમુખ હતા તે દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધ વણસ્યા હતા. કેન્યાટાએ જણાવ્યું કે તેમણે અને સામીયા હસને તેમણે જે ડીલ કરી છે તેનાથી લોકોનું જીવન અને બિઝનેસીસ સુધરશે. આ પાઈપલાઈનથી ઈલેક્ટ્રિક પાવરના ખર્ચમાં ઘટાડો થશે અને કેન્યાનું પર્યાવરણને સાનુકુળ એનર્જી ભણી રૂપાંતરણ થશે.
હસને જણાવ્યું કે બન્ને દેશ વચ્ચે બિઝનેસ અને મૂડી રોકાણ વધારવા માટે તેઓ અને કેન્યાટા દ્વિપક્ષીય વ્યાપારના નિયંત્રણો ઘટાડવા સંમત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે લોકોની અવરજવર તેમજ સામાનની હેરફેર સરળ બનાવવામાં હેલ્થ ઓફિસરો સહકાર આપે તે બાબત તેઓ અને કેન્યાટા સુનિશ્ચિત કરશે. કોવિડ -૧૯ની બાબતે બન્ને દેશોના હેલ્થ ઓફિસરો સાથે મળીને કામ કરે તે માટે પણ સંમતિ સધાઈ હતી.માગુફલીના શાસન દરમિયાન તેમ ન હતું. ટાન્ઝાનિયાના અધિકારીઓ દેશમાં કોવિડ – ૧૯ હોવાનો ઈનકાર કરતા હતા અને વેક્સિનની અસરકારકતા અંગે શંકા વ્યક્ત કરતા હતા.
કેન્યાની સ્ટ્રેથમોર યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ રીલેશન્સ એન્ડ સિક્યુરિટી ભણાવતા કિગેન મોરુમ્બાસીએ જણાવ્યું કે સારા સંબધોથી આર્થિક વિકાસ વધારી શકે તેવી બન્ને દેશોમાં ક્ષમતા છે.