નાઈરોબીઃ અફોર્ડેબલ હાઉસીસ બનાવવા માટે હવે કેન્યાને યુનાઇટેડ કિંગડમ તરફથી લગભગ આઠ બિલિયન શિલિંગ (આશરે ૫૩ મિલિયન પાઉન્ડ) મળશે. હાલ નાઈરોબીમાં રહેલા યુકેના ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે આ ફંડિંગ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાના કેન્યનોને ૧૦૦,૦૦૦ અફોર્ડેબલ હાઉસિંગ યુનિટ પૂરા પાડવાના ઉદ્દેશના ભાગરૂપ છે.
તબક્કાવાર અપાનારી રકમમાંથી ૧ બિલિયન શિલિંગ યુકેના યુકે દ્વારા ફંડેડ ઈન્ફ્રાકોમાંથી અને બાકીની રકમ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા અપાશે. આ બન્ને આફ્રિકામાં બ્રિટિશ સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મૂડીરોકાણના ભાગરૂપ છે.
લગભગ ૫૩ મિલિયન પાઉન્ડની આ સમજૂતીનો અર્થ એ કે કેન્યાના ૧૦,૦૦૦ પરિવારોને અફોર્ડેબલ હાઉસિંગ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ એક્રોન હાઉસિંગ દ્વારા હાથ ધરાશે. રાબે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ એક્રોન દ્વારા કેન્યાના પહેલા ગ્રીન બોન્ડના પ્રારંભ પ્રસંગે પ્રમુખ કેન્યાટા લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે હાજર રહ્યા હતા. કેન્યાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવેલા ફોરેન સેક્રેટરીએ દેશભરમાં ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા માટે વધારાના ૭.૨ બિલિયન શિલિંગ ની જાહેરાત કરી હતી. રાબે આફ્રિકા ખંડમાં ડિજિટલ કનેક્ટિવિટીના વિસ્તરણ માટે બીજા ૨૪ બિલિયન શિલિંગની જાહેરાત કરી હતી.
ફોરેન અફેર્સ કેબિનેટ સેક્રેટરી રેશેલ ઓમામોએ જણાવ્યું હતું કે ડોમિનિક રાબની મુલાકાતનો ઉદ્દેશ આ સમજૂતીને આગળ લઈ જવાનો છે. ઘણા ક્ષેત્રોમાં કેન્યાની યુકે સાથે મજબૂત ભાગીદારી છે. રાબની આ મુલાકાત બ્રિટનના વડા પ્રધાન બોરિસ જહોન્સન અને યુરોપિયન યુનિયન વચ્ચે ગયા ડિસેમ્બરમાં થયેલી ઐતિહાસિક એક્ઝિટ ડીલ પછીની છે. ૨૦૨૦માં થયેલી પાંચ વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી વિશે કેન્યા અને યુ.કે વાટાઘાટો કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમજૂતીથી બ્રેક્ઝિટ પછી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે.