નાઈરોબીઃ કેન્યાની હાઈ કોર્ટે જણાવ્યું હતું કે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ શરૂ કરેલી બંધારણીય સમીક્ષા પ્રક્રિયા ગેરકાયદે છે અને તે છેલ્લાં થોડા મહિનામાં કેન્યાના રાજકારણમાં ભારે તણાવનો સ્રોત બની છે. એટર્ની જનરલની ઓફિસ દ્વારા જાહેરાત કરાઈ હતી કે સરકાર આ ચુકાદા સામે અપીલ કરશે.
બિલ્ડીંગ બ્રીજીસ ઈનિશિયેટિવ (BBI) તરીકે જાણીતા આ સુધારાનો હેતુ હાલના 'વિનર ટેઈક્સ ઓલ' શાસનને હળવું બનાવવાનો છે. આવા શાસનને કેન્યાટા દેશમાં ચૂંટણી પછી વારંવાર થતાં ઘર્ષણોનું કારણ માને છે. BBI મુસદ્દામાં ૨૦૧૦ના બંધારણમાં સુધારો કરવાની દરખાસ્ત છે. તે બંધારણ દ્વારા સરકારની પ્રમુખપદ પદ્ધતિ સ્થપાઈ હતી. આ મુસદ્દામાં વડા પ્રધાનનું પદ, બે નાયબ વડા પ્રધાન અને વિપક્ષી નેતાનો એક હોદ્દો ઉભો કરવાનું સૂચવાયું છે.
આ મુદ્દે રેફરન્ડમ વિશે કાર્ય થઈ રહ્યું હતું. પરંતુ, હાઈ કોર્ટના પાંચ જજોએ ચુકાદો આપ્યો કે પ્રમુખને આવું રિફોર્મ શરૂ કરવાનો કોઈ અધિકાર નથી અને તેવો રિફોર્મ પાર્લામેન્ટ અથવા નાગરિકો જ કરી શકે. ગયા મંગળવારે જજોએ સર્વાનુમતે લીધેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા, રાજકીય નેતાઓ અથવા પક્ષો દ્વારા દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૧૧ અપીલોનો વિષય હતી અને તેથી તે ગેરબંધારણીય, રદબાત્તલ છે. તેમણે જણાવ્યું કે બંધારણીય સુધારા વિધેયક પ્રમુખની પહેલ છે અને કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે લોકપ્રિય પહેલ દ્વારા બંધારણીય સુધારા હાથ ધરવાનો પ્રમુખને કોઈ બંધારણીય અધિકાર નથી. તેમણે ઉમેર્યું કે બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ પ્રમુખ સામે દીવાની દાવો થઈ શકે.