નાઈરોબીઃ કેન્યાને ક્લાઈમેટ ક્રાઈસીસનો સામનો કરવા અને તેને અનુરૂપ થવા આગામી દસ વર્ષમાં ૪૬ બિલિયન પાઉન્ડની જરૂર પડશે. ક્લાઈમેટ ચેન્જ પરના યુએન ફ્રેમવર્ક કન્વેન્શનને મોકલાયેલા સરકારી ડોક્યુમેન્ટમાં આ માહિતી અપાઈ હતી. આ રકમ કેન્યાના જીડીપીના ૬૭ ટકા જેટલી છે.
આગામી દાયકામાં દેશનો હેતુ ગ્રીનહાઉસ ગેસમાં ૩૨ ટકા સુધીનો ઘટાડો કરવાનું છે તેની સામેના પડકાર વિશે રિપોર્ટમાં જણાવાયું છે. ખર્ચના ૯૦ ટકા જેટલી રકમ મેળવવા માટે તે આંતરરાષ્ટ્રીય સ્રોતો પર આધાર રાખશે. ધનવાન દેશો પાસેથી આટલું મોટું અને વારંવાર વિવાદાસ્પદ ક્લાઈમેટ ફાઈનાન્સિંગ મેળવવું ૨૦૧૫ પેરિસ એગ્રીમેન્ટમાં તેમણે કરેલા પ્લેજની સરખામણીમાં વધુ રકમનો ઓર્ડર ગણાશે.
વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં કેન્યાનો હિસ્સો ૦.૧ ટકા કરતાં પણ ઓછો છે અને માથાદીઠ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછી છે. પરંતુ, ઓછા ઉત્સર્જનવાળા કેન્યા જેવા દેશોને ક્લાઈમેટ ચેન્જની અસરોથી સૌથી વધુ ભોગવવું પડે છે. તે દુકાળ અને પૂર જેવી મુખ્ય આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરવામાં પૂરતા સજ્જ હોતા નથી.
કેન્યાના ખેડૂતો મોટાભાગે હવામાન આધારિત ખેતી પર નભતા હોવાથી ફૂડ સિક્યુરિટીની સ્થિતિ વણસી જશે તેવી ચેતવણી રિપોર્ટમાં અપાઈ છે. દેશના સૌથી મોટા પાણીના સ્રોત માઉન્ટ કેન્યા પરના ગ્લેશિયર્સનું કદ ઘટતું હોવાથી મુખ્ય નદીઓના પ્રવાહમાં ઘટાડો થયો છે. તે તેના મૂળ કદ કરતાં ૧૭ ટકા ઓછો થયો છે અને આગામી ૩૦ વર્ષમાં તે અદ્રશ્ય થઈ જશે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.
અનિયમિત વરસાદને લીધે જળવિદ્યુત ઉત્પાદનને અસર પહોંચી છે અને કેન્યાને બે પાવર પ્લાન્ટ ઉભા કરવા માટે ૪૦૦ મેટ્રિ્ક ટન કોલસાના સંગ્રહની જરૂર પડશે.