નાઈરોબીઃ કેન્યામાં એન્ટી - રેટ્રોવાઈરલ (ARV) ડ્રગ્સની અછત હોવાથી HIV/AIDS સાથે જીવતા દર્દીઓને મૃત્યુ થવાનો ભય લાગે છે. આ દવા તેમને આ રોગોથી બચાવે છે. આ મુદ્દે દર્દીઓએ વિરોધ દેખાવો દ્વારા સરકાર પર દબાણ વધારવાનું શરુ કર્યું છે. કેન્યાના ટેક્સ અને રેવન્યુ અધિકારીઓએ ડોનેશનમાં અપાયેલી દવાઓ પરનો ટેક્સ ભરવા ડોનર્સને જણાવ્યું હતું. જોકે, ડોનર્સે ટેકસ ભરવાનો ઈનકાર કર્યો હતો.
દેખાવકારોએ ‘A sick nation is a dead nation’, ‘Killer government’ અને ‘Release ARVs’ જેવાં સૂત્રો લખેલા પોસ્ટર તેમજ આ સૂત્રો લખેલા ટી-શર્ટ્સ પહેરીને દેખાવો કર્યા હતા. સરકાર કસ્ટમ વેરહાઉસીસમાં અટકાવી રખાયેલી આ દવાઓનો જથ્થો છૂટો કરે તેવી તેમની માગણી છે. કેન્યાને યુનાઈટેડ સ્ટેટ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ જેવી સંસ્થાઓ સહિત દુનિયાભરમાંથી ARVs ડોનેશનમાં મળે છે.
હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ બોનીફેસ ઓગુટુ અકાચે જણાવ્યું કે કિસુમુમાં ૧૩૬,૦૦૦ લોકો એટલે કે કુલ વસ્તીના લગભગ ૧૩ ટકા લોકો HIV/AIDS સાથે જીવે છે ત્યારે દવાઓ ક્યાંક પડી રહી હોય અને તેમને મળે નહીં તે બાબતે તેમને રોષે ભરાતા જોઈ શકાય નહીં. તેમણે ઉમેર્યું કે સરકાર ડોનેશન પર ટેક્સ વસૂલવા માગે છે એટલે આ બધું થાય છે. ૫૭ વર્ષીય એરિક ઓકિઓમા HIV પોઝિટિવ છે. તેમને જીવતા રાખવા ખૂબ જરૂરી છે. તેમની દવા ખૂટી ગઈ છે. સરકાર પગલાં લે તેમ તે ઈચ્છે છે.