નાઈરોબીઃ કેન્યામાં કાઉન્ટીની સરકારો દ્વારા અપૂરતી તૈયારી અને વધતાં જતાં સંક્રમણ વચ્ચે કોરોના વાઈરસના બે નવા અને વધુ જીવલેણ સ્ટ્રેઈન મળી આવતા દહેશ ત ફેલાઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ કેન્યામાં કોરોના વાઈરસના સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેઈન હયાત હોવાની પુષ્ટિ કરી હતી.
નવા વેરિયન્ટ્સથી સંક્રમણ અને મૃત્યુમાં વધારો થશે તેવા અહેવાલના એક દિવસ પછી આ પુષ્ટિ કરાઈ હતી.
કાર્યકારી હેલ્થ ડિરક્ટર – જનરલ પેટ્રિક એમોથે જણાવ્યું હતું કે કીલીફીના કેમરી વેલકમ ટ્રસ્ટ અને કિસુમુમાં કેમરી વોલ્ટર રીડ પ્રોજેક્ટ ક્લિનિકલ રિસર્ચ સેન્ટરમાં સાઉથ આફ્રિકન વેરિયન્ટના ૧૬ અને યુકે સ્ટ્રેઈનાના ત્રણ કેસ મળી આવ્યા હતા.
ત્રણ કાઉન્ટીમાં એક પણ ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) અને કોવિડ -૧૯ આઈસોલેશન સેન્ટર કાર્યરત નથી. અન્ય પ્રદેશોમાં આ સુવિધાઓ કાર્યરત નથી અથવા ત્યાં અપૂરતો સ્ટાફ છે.
B.1.1.7 તરીકે જાણીતો યુકે અથવા કેન્ટ વેરિયન્ટ વધુ જીવલેણ અને ઝડપથી ફેલાતો જણાયો હતો. ૫૦ થી વધુ દેશમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે.
લગભગ ૨૦ દેશમાં જોવા મળેલો B.1.351 તરીકે જાણીતો સાઉથ આફ્રિકન સ્ટ્રેઈન તેના મૂળ વેરિયન્ટ કરતાં ઓછો જીવલેણ છે. પરંતુ, તે ઝડપથી ફેલાય છે.
૨૮ જાન્યુઆરી અને ૫ માર્ચ વચ્ચે લેવાયેલા ૫૫ સેમ્પલના જીનોમ સીક્વન્સીંગમાં સાઉથ આફ્રિકન સ્ટ્રેઈનના કેસ જોવા મળ્યા હતા. દેશમાં ટેસ્ટીંગની મર્યાદિત ક્ષમતા હોવાથી અત્યાર સુધી ઘણાં કેસ શોધી શકાયા જ નહીં હોય.
ડો. એમોથે ઉમેર્યું કે જીનોમ સીક્વન્સીંગ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. તેમાં ઉપયોગમાં લેવાતા રિજન્ટ્સ પણ ખૂબ મોંઘા હોય છે. સાઉથ આફ્રિકન વેરિયન્ટના જે ૧૬ કેસ મળ્યા તેમાં મોટાભાગના ટાન્ઝાનિયાની સરહદ નજીકથી લેવાયેલા સેમ્પલોમાંથી અને પડોશી દેશના પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા લોકોમાંથી મળ્યા હતા.