નાઈરોબીઃ કેન્યામાં મહિલાના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) (FGM) પરના પ્રતિબંધને કાનૂની બનાવવા માટે એક મહિલા ડોક્ટરે દાખલ કરેલી પિટિશનને પગલે કેન્યાની હાઈકોર્ટે પ્રતિબંધને યથાવત રાખવાની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો. કેન્યામાંચાર મિલિયન યુવતીઓ અને મહિલાઓએ બાહ્ય જનનાંગ અથવા તેનો કેટલોક ભાગ કાપીને દૂર કરાવવાની વિધિ (ખતના) કરાવી છે. દેશમાં આ પ્રણાલિને ૨૦૧૧ માં ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. ૨૦૧૭માં ડો.ટાટુકમાઉએ પ્રોહિબિશન ઓફ ફિમેલ જેનિટલ મ્યુટિલેશન (FGM) એક્ટને રાષ્ટ્રીય વિરાસતમાં ભેદભાવ કરતો હોવાનું જણાવીને તેને ગેરબંધારણીય જાહેર કરવા માટે બંધારણીય પિટિશન દાખલ કરી હતી .તેમણે દલીલ કરી હતી કે ૧૮ વર્ષથી વધુની વયની યુવતીઓને તેની પસંદગી કરવાનો અધિકાર હોવો જોઈએ. પરંતુ, ત્રણ જજોની બેંચે બંધારણને દૂર કરવાનું મહિલાઓને નુક્સાનકારક હોવાનું જણાવીને તે અરજીની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું. તેમાં બચેલી મહિલાઓની જુબાનીના નિરીક્ષણ પછી કોઈપણ મહિલા કે યુવતી FGMને સભાનપણે અને મુક્તપણે સંમતિ આપતી હોય તે બાબત કોર્ટને ગળે ઉતરી નહીં. નાઈરોબી હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે FGMનો કોઈ ફાયદો પણ નથી. લેડી જસ્ટિસ એકોડે જણાવ્યું કે તેનો સૂચિતાર્થ એ થાય કે જે વ્યક્તિ પર FGM થયું હોય અને તેણે તેના માટે સંમતિ આપી હોય તેથી જ તેને કાયદેસર ગણી શકાય નહીં. કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિને ગુનો કરવા માટે પરવાનો આપી શકે નહીં. ઈક્વાલિટી નાઉ સંસ્થાના પ્રોગ્રામ ઓફિસર ફેલિસ્ટર ગીટોન્ગમે જણાવ્યું હતું કે આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ સારો છે. તેમણે ઉમેર્યું કે માલી, લાઈબેરિયા અને સિયેરા લિયોન જેવાં કેટલાંક દેશોમાં FGM વિરુદ્ધના કાયદા નથી ત્યાં તેના પીડિતોની સંખ્યા ખૂબ વધુ છે. યુવતીઓ આ પ્રણાલિમાં ભાગ લઈ શકે તે માટે ક્રોસ બોર્ડર FGM પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં લોકપ્રિય બન્યું છે.