નાઈરોબીઃ કેન્યામાં પ્રવેશતા અને કેન્યાની બહાર જતાં તમામ મુસાફરોએ હવે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ હોવાનો ડિજિટલી ચકાસણી કરાયેલો પુરાવો રજુ કરવાનો રહેશે તેમ હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કર્યું હતું. આફ્રિકા CDC ટ્રસ્ટેડ ટ્રાવેલ (TT) પહેલ અંતર્ગત કેન્યાની કોઈ પણ લેબોરેટરી ટ્રસ્ટેડ ટ્રાવેલ કોડ વિના કોવિડ -૧૯નું સર્ટિફિકેટ ઈસ્યુ કરી શકશે નહીં.
હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગવેએ જણાવ્યું હતું કે રજૂ કરાયેલું સર્ટિફિકેટ યોગ્ય છે કે નહીં તે ડિજિટલ વેરિફિકેશન કોડ સુનિશ્ચિત કરશે. હમણાં સુધી આ સર્ટિફિકેટ પ્રિન્ટેડ પેપરમાં રજુ કરાતા હતા અને તેની સાથે ચેડાં થવાની શક્યતા રહેતી હતી. કાગવેએ જણાવ્યું હતું કે કોઈ પણ મુસાફર તેમના સર્ટીફીકેટની ટીટી પ્રોસેસના ઉપયોગ દ્વારા ચકાસણી કરાવ્યા વિના કેન્યા છોડી શકશે નહીં.
તેનો અર્થ એ થાય કે દેશ છોડવા માંગતી વ્યક્તિએ સૌપ્રથમ અધિકૃત લેબોરેટરીની મુલાકાત લેવી પડશે, PCR કોવિડ ટેસ્ટ નેગેટિવ પરિણામ સાથેનું મેળવવું પડશે અને ટીટી કોડ ઇસ્યુ કરાવવો પડશે જેની ચકાસણી એરલાઇન્સ અને ઈમિગ્રેશન ઓથોરિટીઝ કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ તમામ પીસીઆર કોવિડ ટેસ્ટીંગ લેબોરેટરી હવે ટીટી સિસ્ટમનો ભાગ બની ગઈ છે. મુસાફરને બાયો સર્વેલન્સ અને બાયો સ્ક્રિનિંગ ટેકનોલોજી સિસ્ટમ - પાના બાયોસ - તરફથી એક ટેક્સ્ટ મેસેજ તેમજ ટેસ્ટીંગ લેબોરેટરી તરફથી અથવા તો પાનાબાયોસ એડમીન તરફથી ઈમેલ મોકલવામાં આવશે. તેમાં ટ્રાવેલ કોડ કેવી રીતે બનાવવો તેનું માર્ગદર્શન અપાશે.
કેન્યા દ્વારા દેશ બહાર જવા જરૂરી ટેસ્ટના પરિણામો હશે તો તે મુસાફરને ઓનલાઈન ટ્રાવેલ કોડ ઇસ્યુ કરવામાં આવશે. અન્ય દેશોમાંથી કેન્યા આવતા મુસાફરોએ યુએનડીપી સપોર્ટેડ ગ્લોબલ હેવન પાર્ટનરશિપ ફોર કોવિડ ટેસ્ટ રિઝલ્ટ્સ અને વેક્સિન સર્ટિફિકેટ્સ વેરિફિકેશન માટેના ટોલનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવવાનો રહેશે.