નાઈરોબીઃ ચીફ જસ્ટિસ ઓફ કેન્યા અને પ્રેસિડેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટ તરીકે જસ્ટિસ માર્થા કૂમના નોમિનેશનને સંસદ સત્તાવાર મંજૂરી આપશે તો તેઓ કેન્યાના ઈતિહાસમાં આ હોદ્દો સંભાળનારા પ્રથમ મહિલા બનશે. નોમિનેશનને મંજૂરીની વ્યાપક અપેક્ષા છે. ગઈ ૧૦થી ૨૩ એપ્રિલ વચ્ચે જ્યુડિશિયલ સર્વિસ કમિશન દ્વારા લેવાયેલા ઈન્ટરવ્યૂમાં જસ્ટિસ માર્થા કૂમ બે અન્ય મહિલાઓ સહિત અન્ય ઉમેદવારોમાં સૌથી મોખરે રહ્યા હતા.
૨૦૧૦ના બંધારણ હેઠળ જસ્ટિસ માર્થા કૂમ કેન્યાના ત્રીજા અને પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે. તેઓ ૭૦ વર્ષની વયે ગઈ ૧૨ જાન્યુઆરીએ રીટાયર થયેલા ચીફ જસ્ટિસ મરાગાના અનુગામી બનશે. ૨૦૧૭માં ગેરરીતિને લીધે પ્રમુખ ઉહુરુર કેન્યાટાની ચૂંટણીને ઉથલાવી નાખનારી સુપ્રીમ કોર્ટની બેંચમાં તેમની કામગીરીને લીધે તેઓ યાદ રહેશે.
જસ્ટિસ માર્થા કૂમનું નોમિનેશન કેન્યાની મહિલાઓ માટે ઐતિહાસિક ક્ષણ છે કારણ કે છેલ્લાં થોડાં વર્ષોથી ઉચ્ચ કોર્ટોમાં મહિલાઓનું કોઈ સ્થાન નથી.
ન્યાયતંત્રમાં મહિલાઓએ પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટ પર જ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેને લીધે તેઓ ઉચ્ચ કક્ષાના કેસોના કામકાજમાંથી બાકાત રહ્યા હતા. ઘણી વખત આ કેસોએ આવનારા વર્ષો માટે કાનૂની સિદ્ધાંતોને આકાર આપ્યો હતો.
હાઈ કોર્ટમાં પ્રથમ મહિલા જજ છેક ૧૯૯૩માં જોડાયા હતા. ૨૦૦૩માં તે સમયની સર્વોચ્ચ ગણાતી કોર્ટ એવી કોર્ટ ઓફ અપીલમાં પ્રથમ મહિલા જજ જોડાયા હતા. ત્યારથી અને ખાસ કરીને ૨૦૧૦માં આવેલા કેન્યાના નવા બંધારણ પછી ન્યાયતંત્રમાં જોડાતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે અને રેન્કમાં પણ તે આગળ વધી રહી છે. ૨૦૧૦માં ફિમેલ અપીલ કોર્ટ જજ ન હતા. ૨૦૧૭ માં ૨૨ કોર્ટ ઓફ અપીલના જજમાંથી ૭ મહિલા જજ છે.