નાઈરોબીઃ કેન્યામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ નવાં પગલાં જાહેર કર્યા હતા. તેમાં ૧૨ માર્ચની મધરાતથી અમલી બને તે રીતે ૩૦ દિવસ સુધી કોઈપણ પ્રકારની રાજકીય સભા કે મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો હતો.
કેન્યામાં મહામારી વિશે ૨૦૨૧માં પ્રથમ રાષ્ટ્રીય સંબોધનમાં કેન્યાટાએ દેશવ્યાપી કરફ્યુને ૬૦ દિવસ લંબાવ્યો હતો અને જણાવ્યું હતું કે તમામ બાર, રેસ્ટોરાં અને તેવા અન્ય સ્થળો રાત્રે ૯ સુધીમાં બંધ કરવાના રહેશે .આવશ્યક સેવાઓ, ફેક્ટરીઓ, કન્સ્ટ્રક્શન વર્કર્સ અને શીફ્ટ મુજબ કામ કરતા લોકોને કરફ્યુમાંથી મુક્તિ અપાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે ફ્યુનરલ્સ, અંતિમ સંસ્કાર અને તેવી અન્ય વિધિ ૭૨ કલાકમાં પૂરી કરવાની રહેશે. તેમાં પરિવારના નિકટના ૧૦૦ સભ્યો જ ભાગ લઈ શકશે. આ જ રીતે લગ્ન સમારંભ અને અન્ય પરંપરાગત મેળાવડામાં ૧૦૦ લોકો જ હાજર રહી શકશે. ધાર્મિક સ્થળો વિશે તેમણે કહ્યું કે તે સ્થળની મહત્તમ ક્ષમતાના ત્રીજા ભાગના લોકો જ ત્યાં ઉપસ્થિત રહી શકશે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશે પ્રમુખ કેન્યાટાએ સામાન્ય પ્રજાનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે નવા નિયમો ઘડી કાઢવા માટે તમામ હિસ્સેદારો સાથે કામ કરવા આરોગ્ય અને પરિવહન મંત્રાલયને સૂચના આપી હતી. તેમણે લોકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. જોકે, તે મરજિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્યામાં છેલ્લાં થોડાં અઠવાડિયામાં કોરોનાના પોઝિટિવ કેસોના દરમાં વધારાને ધ્યાનમાં લઈને પ્રમુખ કેન્યાટાએ જણાવ્યું હતું કે અન્ય જાહેર અને સામાજિક મેળાવડાની સમાંતરે આ પ્રકારના સમારંભો આ જીવલેણ વાઈરસને ફેલાવવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. હાલની સ્થિતિને કોરોનાનું ત્રીજું મોજું માનવામાં આવી રહ્યું છે.