નાઈરોબીઃ કેન્યાની પાર્લામેન્ટે મંગળવાર 25 જૂને ટેક્સવધારાની વિવાદાસ્પદ જોગવાઈઓ સાથે ફાઈનાન્સ બિલને પસાર કર્યું હતું. બીજી તરફ, નાઈરોબી અને દેશના અન્ય શહેરોમાં પોલીસ અને વિરોધકારો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. પોલીસે ટોળાંને વિખેરવા ટીઅરગેસ અને માથાથી ઉપર ગોળીબારો કર્યા હતા. ગોળીબારોમાં 10 લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલો છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોના રાજીનામાની માગ સાથે દેખાવકારોએ ટાયરોને આગ લગાવી, પથ્થરમારા, સીસીટીવી કેમેરાઓ તોડી માર્ગો પર અવરોધો ઉભા કરી દીધા હતા. ટેક્સ વધારાનો રાષ્ટ્રવ્યાપી વિરોધ કરવા સેંકડો કેન્યાવાસીઓ નાઈરોબીની શેરીઓમાં ઉતરી પડ્યા હતા. ગત મંગળવારે આવા જ દેખાવોમાં 210થી વધુની ધરપકડ કરાઈ હતી.
કેન્યાની પાર્લામેન્ટને ઘેરોઃ બિલ્ડિંગમાં ઘણા સ્થળે આગ
રાજધાની નાઈરોબીમાં પોલીસે પાર્લામેન્ટ બિલ્ડિંગ અને સ્ટેટ હાઉસને કોર્ડન કરી લીધા હતા. દેખાવકારોએ પોલીસ દળોને કચડી પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં ઘૂસણખોરી કર્યા પછી કેટલાક હિસ્સામાં આગ ભભૂકી ઉઠી હતી. ફાઈનાન્સ બિલ પસાર કરી દેવાયાથી રોષ વધવા સાથે અથડામણો હિંસક બની હતી. ગવર્નર ઓફિસમાં પણ આગ લાગી હતી. દેખાવકારોની દલીલ છે કે કેન્યામાં કોસ્ટ ઓફ લિવિંગ નીચે લાવવા અને ટેક્સીસ ઘટાડવાના વચનોમાંથી પ્રેસિડેન્ટ રુટોએ પીછેહઠ કરી છે. સરકારની આર્થિક નીતિઓ વિશે અસંતોષ વ્યાપક બની રહ્યો છે.
ચોક્કસ ટેક્સ દરખાસ્તો પડતી મૂકાઈ
અગાઉ, મંગળવાર 18 જૂને શાસક પાર્ટીના સાંસદો અને પ્રેસિડેન્ટ વિલિયમ રુટો વચ્ચે બેઠકના પગલે કેટલીક ટેક્સ દરખાસ્તો પડતી મૂકાઈ હતી. ફાઈનાન્સ કમિટીના ચેરપર્સન કુરીઆ ક્માનીએ જાહેર કર્યું હતું કે બ્રેડ પર 16 ટકા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ની દરખાસ્ત પાછી ખેંચાશે. આ ઉપરાંત, ઈન્સ્યુરન્સ પર લદાનારો સૂચિત વાર્ષિક 2.5 ટકા મોટર વ્હિકલ ટેક્સ, પર્યાવરણને નુકસાન કરતા સામાન પરનો ટેક્સ પણ પાછો ખેંચાશે અને તેના બદલે સ્થાનિક ઉત્પાદનોને ઉત્તેજન આપવા વિદેશથી આયાતી સામાન પર ટેક્સ લાગુ કરાશે. આ ઉપરાંત, મોટર વ્હિકલ્સ, વેજિટેબલ ઓઈલ અને મોબાઈલ મની ટ્રાન્સફર્સ પરના સૂચિત ટેક્સવધારા પણ પાછાં ખેંચાશે. ગત વર્ષે ઊંચા જીવનનિર્વાહખર્ચ સામે ઝઝૂમી રહેલા કેન્યાવાસીઓ પર ભારે બોજ લાગવાની ચિંતા છતાં, ફાઈનાન્સ કાયદામાં નોકરિયાત વ્યક્તિઓની કુલ વાર્ષિક આવક પર 1.5 ટકાનો હાઉસિંગ ટેક્સ લાદવામાં આવ્યો હતો. કાયદામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરનો 8 ટકાનો VAT બમણો કરી 16 ટકા કરી દેવાયો હતો.