નાઈરોબીઃ કેન્યાની સરકારે દેશમાં કાગડાઓની વધતી જતી સંખ્યાથી ત્રાસીને વર્ષ 2025ના આરંભ સુધીમાં સમુદ્રતટ વિસ્તારોમાંથી 10 લાખ કાગડાઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે. એમ કહેવાય છે કે 1940માં ઈન્ડિયન હાઉસ ક્રોઝ અથવા કાળા ભારતીય કાગડા પૂર્વ આફ્રિકા પહોંચ્યા પછી તેમની સંખ્યામાં સતત વૃદ્ધિ થતી રહી છે.
આક્રમક કાગડા અન્ય પક્ષીઓ અને લોકો પર સતત હુમલા પણ કરતા હોવાની ફરિયાદના પગલે આ નિર્ણય લેવાયો છે. કાગડાની આક્રમકતા પ્રવાસીઓને પરેશાનરૂપ બનવા સાથે પ્રવાસન અને હોટેલ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ વિદેશી કાગડાના કારણે સ્કેલી બેબલર્સ, પાઈક ક્રોઝ, માઉસ કલર્ડ સનબર્ડ, કોમન વેક્સિબિલ્સ અને પાણી પાસે રહેતા સ્થાનિક પક્ષીઓની સંખ્યા પણ ઘટી રહી છે. કેન્યા સરકારે કાગડા મારવા માટે હોટેલ માલિકો, ડૉકટરો, જંગલ બચાવનારી સંસ્થાઓ સાથે મળીને યોજના તૈયાર કરી હોટેલ માલિકોને કાગડાને મારવા માટેનું ઝેર આયાત કરવાની પણ મંજૂરી આપી છે.