બ્રાઝાવિલેઃ કોંગોના પ્રમુખ ડેનિસ સાસ્સોઉ – ન્ગુએસ્સોએ ગયા શુક્રવારે બ્રાઝાવિલેમાં પાંચમી વખત પ્રમુખપદના શપથ લીધા હતા. આ સાથે તેમણે તેમનું ૩૬ વર્ષનું શાસન લંબાવ્યુ છે. ૭૭ વર્ષીય પ્રમુખને ૨૧મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ૮૮.૪ ટકા મત મળ્યા હતા. મુખ્ય વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પાંચ વર્ષની આ નવી ટર્મમાં તેમની સામે ઓઈલની આવક પરનો આધાર ઘટાડવાનો અને વધુ અનાજ ઉગાડવાનો પડકાર છે. તેઓ ઉદ્યોગોને વેગ આપવા અને દેશની જૂની થયેલી રેલવેને ફરીથી જીવંત કરવા માગે છે.
દેશની પ્રાથમિક સંપતિમાં ક્રૂડનો હિસ્સો મુખ્ય છે. ગ્લોબલ વોચડોગ એક્સ્ટ્રેક્ટિવ ઈન્ડસ્ટ્રીઝ ટ્રાન્સપરન્સી ઈનિશિયેટિવના જણાવ્યા મુજબ ૨૦૧૮ માં તેમાંથી ૧.૬૫ બિલિયન યુરોની આવક થઈ હતી. તાજેતરમાં કોંગોમાં ઓઈલનું પ્રોડક્શન પ્રતિદિન ૩૫૦,૦૦૦ બેરલ પર પહોંચી ગયું હતું.