કિન્હાસાઃ ઉત્તરપૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગયા જાન્યુઆરીથી ADF મિલિશીયાના હુમલામાં થયેલા વધારામાં લગભગ ૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૪૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવાયું હતું.
૧૯૯૫થી પૂર્વ કોંગોમાં હયાત યુગાન્ડન ઈસ્લામિક ગ્રૂપ અલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF) દ્વારા હુમલાઓમાં ચેતવણીરૂપ વધારો થયો હોવાનું યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીએ જણાવ્યું હતું.
નોર્થ કિવુ પ્રાંતના બેની પ્રદેશમાં તેમજ ઈટુરી પ્રાંતના ગામોમાં આ હુમલામાં લગભગ ૨૦૦ લોકો મનાર્યા ગયા હતા અને અન્ય ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા, જ્યારે ૪૦,૦૦૦ લોકો સ્થળાંતર કરી ગયા હોવાનું UNHCRના પ્રવક્તા બાબર બલોચે જીનિવામાં પત્રકારોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ત્રણ મહિનાથી ઓછાં સમયમાં ADFએ ૨૫ ગામો પર હુમલા કર્યા હતા, સંખ્યાબંધ ઘરોને આગ ચાંપી હતી અને ૭૦ લોકોનું અપહરણ કર્યું હતું. ADFના ૧૨૨ ખૂંખાર સભ્યો છે. હુમલાને લીધે લોકોને ઓઈચા, બેની અને બુટેમ્બો ભાગી જવાની ફરજ પડી હતી. આ ગ્રૂપે ૨૦૨૦માં લગભગ ૪૬૫ લોકોની હત્યા કરી હતી.
અશાંત પૂર્વ કોંગોમાં હિંસા પર નજર રાખતી એનજીઓ કિવુ સિક્યુરિટી ટ્રેકર (KST)ના જણાવ્યા મુજબ આ ગ્રૂપે બેની વિસ્તારમાં ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૧,૨૦૦ નાગરિકોની હત્યા કરી છે. ગયા વર્ષે UNHCRએ પૂર્વ કોંગોમાં ૪૩,૦૦૦થી વધુ ફેમિલી શેલ્ટર બાંધ્યા હતા. ૨૦૧૯માં લશ્કરે હુમલો કર્યો ત્યારથી અવારનવાર હત્યાકાંડ બનતા રહે છે. આ હુમલાને લીધે ADF નાની ટોળકીઓમાં ફેરવાઈ ગયું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. ..