નવી દિલ્હી: આપણે સહુએ અનેક પ્રકારના પહાડો વિશે એક યા બીજા સમયે સાંભળ્યું છે અને આવા પહાડને એક યા બીજા પ્રકારે નિહાળ્યા પણ હશે, પરંતુ જો કોઈ તમને સોનાના પહાડની વાત કરે તો?! તમે વાતને પરીકથાનો પ્રસંગ ગણાવીને હસી જ કાઢવાના... જોકે તાજેતરમાં સેન્ટ્રલ આફ્રિકાના કોંગોમાં એક એવો પહાડ મળી આવ્યો હોવાના અહેવાલ છે જેના ૬૦થી ૯૦ ટકા હિસ્સામાં સોનું હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક લોકોને જ્યારે આ માહિતીની જાણ થઈ ત્યારે હજારો લોકો ધસી ગયા અને રીતસર પહાડ પર તૂટી પડયા છે. લોકો તેની માટી ખોદીખોદીને લઈ જવા લાગ્યા છે. કોંગોના આ પહાડ પર સોનાનું ખોદકામ ચાલી રહ્યું છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઈ રહ્યા છે. ટ્વિટર પર એક સ્થાનિક પત્રકારે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે કોંગોના લોકોને જ્યારે જાણ થઈ કે તેમને સોનાથી ભરેલો પહાડ મળ્યો છે ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. હાલમાં તો સરકારે કોંગોના લુહીહી ગામ પાસે આવેલા આ સોનાના પહાડ પર કોઇ પણ જાતના ખોદકામ કરવાનો પ્રતિબંધ મૂકી દીધો છે.
લોકોએ ઘરોમાં માટી ભરી લીધી
સોનું એક કિંમતી ધાતું છે અને તેની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું સહુ કોઇ જાણે છે. એક તરફ સોનાના ભાવ ખિસ્સાને પરવડે તેવા રહ્યા નથી ત્યારે બીજી તરફ આ પીળી ધાતુનો ક્રેઝ પણ એટલો જ વધ્યો છે. એવામાં જો લોકોને ખબર પડે કે મફતમાં સોનું મળે છે તો પછી તેઓ દોડયા વગર રહે ખરાં? એટલે જ પહાડની આસપાસના ગામોમાં સોના અંગે જાણ થતાં હજારો લોકો પાવડા અને કોદાળીઓ તથા માટી ભરવાના સાધનો સાથે પહાડ પર આવી ગયા હતાં અને પોતપોતાના ઘરોમાં માટીનો મોટો જથ્થો ઊભો કરી લીધો હતો.
કોંગોમાંથી સોનાની દાણચોરી
અહેવાલો અનુસાર કોંગોમાં સોનાના ઉત્પાદનની વ્યવસ્થા એકદમ નબળી છે. તેના કારણે જ આ દેશમાંથી કિંમતી ધાતુઓની દાણચોરી વિવિધ દેશોમાં થતી રહે છે. કોંગોમાં વિવિધ સ્થાનો પર સોનું મળી આવેલું હોવાના કારણે સોનાની દાણચોરી કરનારાઓ વિવિધ પ્રકારના કિમિયા અજમાવીને સોનાની શોધ કરતાં રહેતાં હોય છે અને આવા જ એક પ્રયાસ દરમિયાન સોનાના આ પહાડની વિગત બહાર આવી છે.