કમ્પાલાઃ નેશનલ બેંક ઓફ કોમર્સ (NBC)ને ફડચામાં લઈ જઈને તેની મિલ્કતો અને જવાબદારીઓ નિષ્ક્રિય ક્રેન બેંકને વેચવાના બેંક ઓફ યુગાન્ડા (BoU)ના નિર્ણયને પડકારતી NBCના પૂર્વ માલિકો પૈકી એક અમોસ ન્ઝેયીએ દાખલ કરેલા કેસ કોર્ટે ફરીથી ફગાવી દીધો હતો.
NBCનું BoU દ્વારા સંપાદન અને પાછળથી તેની મિલ્કતો સુધીર રૂપારેલિયાની ક્રેન બેંકને વેચાણને ગેરકાયદેસર અને મલીન ઈરાદાથી કરેલું કૃત્ય જાહેર કરવા આ કેસમાં ન્ઝેયીએ કોર્ટમાં દાદ માગી હતી. તેમણે જણાવ્યું હતું કે NBCનું લિક્વિડેશન ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન્સ એક્ટ, ૨૦૦૪નો ભંગ હતું અને તેને રદબાત્તલ જાહેર કરવું જોઈએ. બેંકિંગ સેક્ટરનું સુપરવિઝન કરવામાં BoU નિષ્ફળ રહી હોવા માટે કોર્ટ તેને જવાબદાર ઠેરવે તેમ પણ તેમણે જણાવ્યું હતું. જોકે, ન્ઝેયી તેમના આક્ષેપો પૂરવાર કરવામાં નિષ્ફળ રહેતા ૨૭ મેએ કોર્ટે કોસ્ટ સાથે કેસ ફગાવી દીધો હતો.
૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ બેંક ઓફ યુગાન્ડાએ નેશનલ બેંક ઓફ કોમર્સનું બેંકિંગ લાઈસન્સ રદ કરી દીધું હતું. બેંક ઓફ યુગાન્ડા વતી ક્રેન બેંકે NBCની ડિપોઝીટ અને બ્રાંચનો એડમિનિસ્ટ્રેટર તરીકે હવાલો લઈ લીધો હતો. બેંકનું કામકાજ સમેટી લેવા માટે તાત્કાલિક પગલાં લેવાયા હતા.
આ બેંક ૧૯૯૧માં સ્થપાઈ હતી અને કિગેઝી કોમ્યુનિટીને બેંકિંગ સેવા અને ઓછા ખર્ચે લોન આપવાના ઉદેશથી તેને કિગેઝી બેંક ઓફ કોમર્સ નામ અપાયું હતું. '૯૦ના દાયકાના મધ્યમાં એશિયન મૂળના અને કેન્યન નાગરિકત્વ ધરાવતા ગીડુમાલ્સ પરિવારે આ બેંકનો ૮૬ ટકા હિસ્સો મેળવ્યો હતો.
મે ૨૦૧૨માં યુગાન્ડન કોમર્શિયલ કોર્ટે બેંકને નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણુંક કરવા રિકેપિટલાઈઝેશન સાથે આગળ વધવા જણાવ્યું હતું.