નાઈરોબીઃ યુકેએ કોરોના વાઈરસ ટ્રાવેલ ‘રેડ લિસ્ટ’માં સમાવેશ કરતાં કેન્યા રોષે ભરાયું હતું. ૩જી એપ્રિલે કેન્યાના વિદેશ બાબતોના મંત્રાલયે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ભેદભાવયુક્ત છે અને તેમાં રોગ અથવા મહામારીના ફેલાવાના તાર્કિક અને વૈજ્ઞાનિક જ્ઞાનનો અભાવ છે.૨જી એપ્રિલે યુકેએ સાઉથ આફ્રિકન વાઈરસ વેરિયન્ટ દેશમાં સ્થાનિક ધોરણે ખૂબ ઝડપથી ફેલાતો હોવાનું પૂરવાર થયાનું જણાવીને કેન્યાથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મૂક્યો હતો.
યુકેના નિર્ણયનો અર્થ એ થાય કે ૯મી એપ્રિલથી કેન્યાવાસીઓ અથવા કેન્યાના એરપોર્ટ પર થઈને આવતી કોઈપણ વ્યક્તિને યુકેમાં પ્રવેશ અપાશે નહીં.
૪થી એપ્રિલે નાઈરોબીએ જાતે પગલાં લઈને યુકેના એરપોર્ટ્સ પરથી ઉપડતી અથવા ત્યાં થઈને આવતી પેસેન્જર ફ્લાઈટ્સ પર એક મહિનાનો પ્રતિબંધ મૂ્ક્યો હતો. વધુમાં, યુકેના પેસેન્જરોએ નેગેટિવ કોવિડ - ૧૯ સર્ટિફિકેટ અને માન્ય કોવિડ - ૧૯ વેક્સિનેશન સર્ટિફિકેટ્સ રજૂ કરવાના રહેશે. યુકેના સરકારી અધિકારીઓ અને રાજદૂતોએ પણ દેશમાં પ્રવેશતા પહેલા માન્ય કોવિડ - ૧૯ વેક્સિનેશન સર્ટિફિકેટ્સ અને નેગેટિવ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ્સ રજૂ કરવા પડશે. માત્ર કાર્ગો ફ્લાઈટ્સને આ પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે. જોકે, તેના ક્રૂ મેમ્બર્સે વેકિસનેશન સર્ટિફિેકેટ અને નેગેટિવ પીસીઆર સર્ટિફિકેટ બન્ને રજૂ કરવાના રહેશે. તેનો અમલ ૯મી એપ્રિલથી થશે.
તે અગાઉ દેશની મુખ્ય એરલાઈન્સ કેન્યા એરવેઝે નાગરિકો અને અન્ય મુસાફરોને સ્વદેશ પહોંચાડવા માટે બે રિપેટ્રિએશન ફ્લાઈટ ઉપાડશે. તાજેતરમાં કેન્યાએ કેસોમાં વધારો થતાં પાટનગર નાઈરોબી અને અન્ય ચાર કાઉન્ટીમાં નવેસરથી લોકડાઉન કર્યું હતું.