હરારેઃ દેશની ભરચક થઈ ગયેલી જેલોમાં કોવિડ – ૧૯ સંક્રમણનું જોખમ ઘટાડવા ભીડ ઓછી કરવા ઝિમ્બાબ્વેએ પ્રમુખની માફી પર લગભગ ૩,૦૦૦ કેદીઓને છોડવાનું શરૂ કર્યું હતું.ગયા શનિવારે પાટનગર હરારેમાં ચીકુરુબી જેલ અને અન્ય જેલોમાંથી ૪૦૦ જેટલાં કેદીઓને છોડાયા હતા અને દેશભરની જેલોમાંથી કેદીઓને છોડવામાં આવી રહ્યા છે.
ઝિમ્બાબ્વેની જેલોની ક્ષમતા ૧૭,૦૦૦ કેદીઓની છે પરંતુ, પ્રમુખ એમરસન મ્નાન્ગાગવાએ માફી જાહેર કરી તે પહેલા જેલોમાં ૨૨,૦૦૦ કેદી હતા.
ભૂતપૂર્વ કેદી કુડાક્વાશે મેઓનેકાએ જણાવ્યું કે કોવિડના ડર વચ્ચે પણ કોટડીઓમાં બહુ કેદી રખાતા હતા. ક્યારેક તો સિંગલ સેલમાં ૨૫ કેદી રખાતા હતા. કોવિડ અટકાવવાના પગલાંની અમને જાણ હતી.પરંતુ, બીજા કેદીથી એક મીટર પણ દૂર રહી શકાય તેમ ન હતું અને અમે ટોળામાં જ સૂતા હતા.
હિંસક ગુનો ન કર્યો હોય તેવા ગુનેગારોને છોડવામાં આવી રહ્યા છે. હત્યા, માનવ હેરફેર, જાતીય ગુના અને દેશદ્રોહ જેવા ગુના બદલ દોષી ઠરેલાને તેનો લાભ મળશે નહીં.
હિંસક ગુનો ન કર્યો હોય તેવી તમામ મહિલા કેદી અને જેમણે પોતાની ત્રીજા ભાગની સજા ભોગવી લીધી છે તેવી મહિલાઓને તથા હિંસક ગુનો નકર્યો હોય તેવા તમામ વિકલાંગ કેદીઓને પણ છોડી મૂકવામાં આવશે.
મ્નાન્ગાગવાએ ઘણાં કેદીઓની મૃત્યુદંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી છે. ઝિમ્બાબ્વેમાં હજુ ફાંસીની સજા છે પણ ઘણાં વર્ષોથી કોઈને ફાંસી અપાઈ નથી.
હરારેના કમાન્ડર ફોર પ્રિઝન્સ એલ્વર્ડ ગપારેએ જણાવ્યું કે પ્રમુખની માફીને લીધે ખર્ચમાં ઘણો ઘટાડો થશે અને જેલોમાં વાઈરસના સંક્રમણનું જોખમ ઘટશે.